નાગાર્જુનકોંડાનો સ્તૂપ

June, 2023

નાગાર્જુનકોંડાનો સ્તૂપ : દક્ષિણ ભારતના વિશેષતઃ કૃષ્ણા અને ગોદાવરી નદીઓ વચ્ચેના પ્રદેશ(વેંગી પ્રદેશ)નું જાણીતું બૌદ્ધ સ્થાપત્ય. આ સ્થળ આંધ્રપ્રદેશના ગંતૂર જિલ્લાના પાલનડ તાલુકામાં કૃષ્ણા નદીને કાંઠે આવેલું છે. 1927થી 1931 દરમિયાન અહીં ખોદકામ કરવામાં આવ્યું હતું. ખોદકામમાંથી કેટલાક સ્તૂપો, વિહારો, મહેલ, કિલ્લાઓ વગેરેના અવશેષો પ્રાપ્ત થયા હતા. આ સ્થળેથી 9 સ્તૂપોના અવશેષો મળી આવ્યા છે. સ્તૂપ નં. 1 જે ‘મહાચેતીય’ કે ‘મહાસ્તૂપ’ તરીકે ઓળખાય છે. આ સ્થળ ઇક્ષ્વાકુ વંશના રાજાઓની રાજધાનીનું સ્થળ હતું. અભિલેખોમાં તેને વિજયપુરી તરીકે ઓળખાવ્યું છે. આ સ્થળે બંધ બંધાતા ત્યાંના સ્તૂપના અવશેષોને મૂળ જગ્યાએથી ખસેડીને ત્યાંના સ્થાનિક મ્યુઝિયમમાં યથાવત સ્થિતિમાં ગોઠવવામાં આવ્યા છે. આ સ્તૂપનું બાંધકામ મધ્યમાં ધરી અને તેમાંથી નીકળતા આરાઓની સમાન છે. તેની બહારના ભાગમાં આરસના પથ્થર જડવામાં આવ્યા હતા. સ્તૂપના અંડનો વ્યાસ 106 ફૂટ અને ઊંચાઈ 70થી 80 ફૂટ હતી. ભૂમિ પરનો પ્રદક્ષિણાપથ 13 ફૂટ પહોળો હતો. પ્રદક્ષિણાપથને ફરતે લાકડાનો કઠેડો હતો. સ્તૂપની પીઠિકાની ચારે દિશાએ આર આર્યક મંચો ઊભા કરેલા હતા. સ્તૂપના મથાળે હર્મિકા હતી અને તેની મધ્યમાં ત્રિદલ છત્ર હતું. અભિલેખો દ્વારા જાણવા મળે છે કે આ સ્તૂપ ભગવાન બુદ્ધને અર્પણ કરવામાં આવ્યો હતો. સંભવ છે કે બુદ્ધના શારીરિક અવશેષો ઉપર તે બાંધવામાં આવ્યો હતો.

થોમસ પરમાર