ત્સુઈ, ડેનિયલ ચી. (Tsui, Daniel C.) (જ. 28 ફેબ્રુઆરી 1939, ફૅન વિલેજ, હેનાન, ચાઈના) : અપૂર્ણાંક વિદ્યુતભારિત ઉત્તેજનો ધરાવતા ક્વૉન્ટમ પ્રવાહીના નવા સ્વરૂપની શોધ માટે 1998નો નોબેલ પુરસ્કાર મેળવનાર વિજ્ઞાની. પુરસ્કાર સંયુક્ત રીતે ડેનિયલ ચી. ત્સુઈ, રૉબર્ટ લાફલિન તથા હોર્સ્ટ સ્ટ્રોમરને એનાયત થયો હતો.
ત્સુઈનો જન્મ બીજા વિશ્વયુદ્ધ દરમિયાન હેનાન(ચાઇના)ના એક ગામમાં થયો હતો. તેમનાં માતાપિતા અશિક્ષિત હતાં. એ સમયે જાપાને ચાઇના પર આક્રમણ કરેલું. ત્સુઈના કહેવા પ્રમાણે તેમનાં બાળપણનાં વર્ષો દુષ્કાળ, અતિવૃષ્ટિ અને યુદ્ધની વિષમ પરિસ્થિતિમાં પસાર થયાં હતાં. 1951માં ત્સુઈએ હૉંગકૉંગ જઈ પદ્ધતિસર શાળાકીય અભ્યાસ (છઠ્ઠા ધોરણથી) શરૂ કર્યો. 1958માં ત્સુઈને અમેરિકાના ઈલિનૉયની ઑગસ્ટાના કૉલેજમાં અભ્યાસ માટે પૂર્ણ શિષ્યવૃત્તિ પ્રાપ્ત થઈ. ત્યારબાદ 1967માં યુનિવર્સિટી ઑવ્ શિકાગોમાંથી ભૌતિકશાસ્ત્રમાં પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી અને તે પછી તેઓ બેલ લૅબોરેટરીઝમાં ઘન અવસ્થા ભૌતિકશાસ્ત્રમાં સંશોધનો માટે જોડાયા. અહીં ત્સુઈ અને સ્ટ્રોમરે અપૂર્ણાંક ક્વૉન્ટમ હૉલ ઘટનાની અભૂતપૂર્વ શોધ કરી. રૉબર્ટ લાફલિને તેનું સૈદ્ધાંતિક અર્થઘટન આપ્યું.
ત્સુઈએ કોલમ્બિયા યુનિવર્સિટી તથા બૉસ્ટન યુનિવર્સિટીમાં થોડા સમય માટે સંશોધન વૈજ્ઞાનિક તરીકે કાર્યભાર સંભાળ્યો હતો. 1982માં ત્સુઈ પ્રિન્સ્ટન યુનિવર્સિટીમાં જોડાયા. અહીં 28 વર્ષના કાર્યકાળ બાદ તેમણે 2010માં નિવૃત્ત પ્રાધ્યાપકનું પદ મેળવ્યું.
1984માં તેમને ઑલિવર બકલી કન્ડેન્સ્ડ મૅટર ફિઝિક્સ ઇનામ પ્રાપ્ત થયું. 1985માં તેઓ અમેરિકન ફિઝિકલ સોસાયટીના ફેલો તરીકે ચૂંટાયા. 1998માં તેમને બેન્જામિન ફ્રૅન્કલિન ચંદ્રક મળ્યો. 2000માં ચાઇનીઝ અકાદમી ઑવ્ સાયન્સીસે તેમને વિદેશી વિદ્વાન તરીકે ચૂંટીને સન્માનિત કર્યા.
પૂરવી ઝવેરી