ત્સિયોલ્કૉવસ્કી, કૉન્સ્ટાન્ટિન એડવાર્ડૉવિચ

March, 2016

ત્સિયોલ્કૉવસ્કી, કૉન્સ્ટાન્ટિન એડવાર્ડૉવિચ (જ. 17 સપ્ટેમ્બર 1857, ઇમેવ્સ્કોય; અ. 19 સપ્ટેમ્બર 1935, કાલુગા) : વૈમાનિકી અને અંતરિક્ષઉડ્ડયનવિદ્યાના ક્ષેત્રમાં (Aeronautics and Astronautics) રશિયાનો સંશોધક વિજ્ઞાની. રૉકેટ અંતરિક્ષ સંશોધન તથા વાત સુરંગ(wind tunnel)ના વિકાસમાં તથા તેનો ઉપયોગ કરીને વાયુગતિશાસ્ત્રીય અભ્યાસ કરવામાં અગ્રેસર હતો. અંતરિક્ષ પ્રવાસ માટે રૉકેટના ઉપયોગ અંગેના સૈદ્ધાંતિક પ્રશ્નો હલ કરવામાં તેણે મહત્વનું યોગદાન આપ્યું હતું.

ત્સિયોલકૉવસ્કીનો જન્મ એક સામાન્ય સ્થિતિના પરિવારમાં થયો હતો. પિતા જંગલ ખાતામાં પ્રાંતીય અધિકારી હતા. નવ વર્ષની નાની ઉંમરે સ્કાર્લેટ ફીવરમાં સપડાવાથી તે બધિર થઈ ગયો. 13 વર્ષની વયે તેની માતા મરણ પામી. આ બંને બનાવોની ઘેરી અસર તેના પ્રારંભિક જીવન ઉપર થઈ. ઘેર રહીને અભ્યાસ કરવાની ફરજ પડી. આથી તે એકલવાયો અને અલિપ્ત થઈ ગયો. છતાં સ્વાવલંબી હતો. પુસ્તકો તેનાં મિત્ર હતાં. ગણિત અને ભૌતિકશાસ્ત્રમાં રસ ઉત્પન્ન થયો, અને કિશોરાવસ્થાથી જ તે અંતરિક્ષ-પ્રવાસ વિશે કલ્પના કરવા લાગ્યો.

સોળ વર્ષની ઉંમરે મૉસ્કો જઈને ત્રણ વર્ષ સુધી  રસાયણશાસ્ત્ર, ગણિત, ખગોળશાસ્ત્ર તથા ગતિશાસ્ત્રનો અભ્યાસ કર્યો અને ઉડ્ડયન અંગેના પ્રશ્નો વિસ્તૃત રીતે સમજ્યો. વ્યાખ્યાનો સાંભળવા માટે તે કાનમાં શ્રવણયંત્ર (hearing aid) વાપરતો હતો.

કો. એ. ત્સિયોલ્કૉવસ્કી

ભૌતિકશાસ્ત્રના જટિલ પ્રશ્નો હલ કરવા માટે તેની માનસિક શક્તિ વધી હતી, પરંતુ તેના પિતાની ઇચ્છા હતી કે તેમનો બધિર પુત્ર આર્થિક રીતે સ્વતંત્ર બને. તેના પિતાને જ્યારે ખબર પડી કે પુત્ર મૉસ્કોમાં સખત પરિશ્રમ કરે છે અને ભૂખ્યો રહે છે ત્યારે  1876માં તેને ઘેર બોલાવી લીધો. આ પછી ત્સિયોલ્કૉવસ્કીએ શિક્ષક બનવા માટે પરીક્ષા પસાર કરી અને મૉસ્કોથી 100 કિમી. દૂર બોરીવ્સ્કમાં શિક્ષકની નોકરી મેળવી. શિક્ષક બન્યા પછી તેણે લગ્ન કર્યાં અને ફરીથી વિજ્ઞાનમાં રસ લેવાનું શરૂ કર્યું. વિજ્ઞાનનાં કેન્દ્રોથી દૂર રહીને આ બધિર શિક્ષકે પોતાની જાતે જ શોધો કરી. તેણે ‘વાયુના ગતિશાસ્ત્રીય સિદ્ધાંતનાં સમીકરણો’ શોધી કાઢ્યાં. આ શોધલેખની એક હસ્તપ્રત તેણે સેન્ટ પિટર્સબર્ગના ‘રશિયન ભૌતિકી રસાયણ મંડળ’ને મોકલી, પરંતુ ત્યાંના રસાયણશાસ્ત્રી ડીમીટ્રી ઇવાનૉવિચ મેન્ડેલીવ (જુઓ રસાયણવિજ્ઞાનમાં આ નામનું અધિકરણ) તરફથી તેને જણાવવામાં આવ્યું હતું કે તેનું આ કાર્ય તો 25 વર્ષ પહેલાં પ્રગટ થઈ ચૂક્યું છે; છતાં હિંમત હાર્યા વગર અને મેન્ડેલીવના પ્રોત્સાહનથી પ્રેરાઈને તેણે પોતાનું સંશોધનકાર્ય ચાલુ રાખ્યું. આ યુવાન શિક્ષકની સ્વતંત્ર બૌદ્ધિક પ્રતિભાથી પ્રભાવિત થઈને ‘રશિયન ભૌતિકી રસાયણ મંડળે’ તેને તેના સભ્ય બનવાનું આમંત્રણ આપ્યું.

1892માં શિક્ષક તરીકે તેની બદલી કાલુગા ખાતે થઈ, જ્યાં તેણે વૈમાનિકી અંતરિક્ષવિદ્યામાં પોતાનું સંશોધન ચાલુ રાખ્યું. અહીં તેણે  એક નવું કાર્ય શરૂ કર્યું, જેમાં તે લગભગ જીવનપર્યંત વ્યસ્ત રહ્યો. આ કાર્ય હતું સંપૂર્ણ રીતે ધાતુની બનેલી સુકાનયુક્ત (dirigible) વાયુનૌકા(airship)ની રચના, જેનું આવરણ નાનું-મોટું (adjustable) કરી શકાતું. પોતાના પ્રયોગોનું પરીક્ષણ કરવા તેણે પહેલી વાર રશિયામાં વાતસુરંગ (wind tunnel) બનાવી. તેમાં જુદી જુદી રચનાનાં વિમાનના વાયુગતિશાસ્ત્રીય ગુણધર્મોનું પરીક્ષણ થઈ શકતું હતું. આ માટે ‘રશિયન ભૌતિકી રસાયણ મંડળ’ તરફથી તેને કોઈ આર્થિક સહાય મળી નહોતી. તેથી તેને પોતાના ખર્ચે આ કાર્ય  કરવાની ફરજ પડી. તેણે એ રીતે જુદી જુદી રચનાવાળાં 100 જેટલાં વિમાનોનું પરીક્ષણ કર્યું.

તેના પ્રયોગો ગૂઢ અને અત્યંત ચતુરાઈભર્યા હતા. આમ અલ્પ પ્રતિરોધક આકારના પદાર્થની સપાટીના ક્ષેત્રફળ પર હવાના ઘર્ષણ અને હવાના વહેણની ગતિની અસરનો તેણે અભ્યાસ કર્યો. રશિયાની વિજ્ઞાન અકાદમીને જ્યારે તેના આ કાર્ય વિશે જાણ થઈ ત્યારે તેને 470 રૂબલની મામૂલી આર્થિક સહાય આપવામાં આવી, જેનો ઉપયોગ કરીને તેણે વધારે મોટી વાયુસુરંગ બનાવી. ત્યારબાદ વાયુનૌકા અને વિમાનની શક્યતાનો તેણે તુલનાત્મક અભ્યાસ કર્યો, નવી રચનાનાં વિમાનોનો વિકાસ કરવાનું શરૂ કર્યું. વાયુ ગતિશાસ્ત્રમાં સંશોધન કરવાની સાથે તેણે અંતરિક્ષ અંગેના પ્રશ્નો તરફ વધારે ધ્યાન કેન્દ્રિત કરેલું. તેને પરિણામે 1895માં ‘પૃથ્વી અને આકાશનાં સ્વપ્નો’ નામનું એક પુસ્તક તૈયાર થયું. 1896માં ‘અન્ય ગ્રહો પર રહેતા લોકો સાથે સંદેશા-વ્યવહાર’ પરનો તેનો લેખ પ્રસિદ્ધ થયો. તે જ વર્ષમાં તેણે અંતરિક્ષવિદ્યાના મોટા અને સૌથી અગત્યના કાર્ય ‘પ્રતિક્રિયાત્મક બળઆધારિત સાધન દ્વારા અંતરિક્ષનું અન્વેષણ’ અંગે લખવાની શરૂઆત કરી, જેમાં અંતરિક્ષ રૉકેટ એન્જિનના ઉપયોગ અંગેના સૈદ્ધાંતિક પ્રશ્નો, ઉષ્માનું સ્થાનાંતર (heat transfer), નૌનયનની પદ્ધતિ, વાયુ ઘર્ષણથી ઉત્પન્ન થતી ઉષ્મા અને ઈંધણનો પુરવઠો ચાલુ રાખવાની પદ્ધતિ વગેરે મુદ્દાઓને સમાવિષ્ટ કરવામાં આવ્યા.

વીસમી સદીનાં પહેલાં 15 વર્ષ એ ત્સિયોલકૉવસ્કીના જીવનનો સૌથી વધુ દુ:ખમય સમય હતો. 1902માં તેના પુત્ર ઇગનેટીએ આપઘાત કર્યો. 1908માં ઓકા નદીમાં આવેલા પૂરનું પાણી તેના ઘરમાં ઘૂસી ગયું જેથી તેનાં વૈજ્ઞાનિક લખાણો નાશ પામ્યાં. રશિયાની વિજ્ઞાન અકાદમીએ તેના વાયુગતિશાસ્ત્રીય પ્રયોગોને કોઈ મહત્વ આપ્યું નહોતું. 1914માં સેન્ટ પીટર્સબર્ગ ખાતે મળેલા વૈમાનિકી અધિવેશનમાં તેની પૂર્ણ ધાતુની બનાવેલી વાયુનૌકાના નમૂના તરફ સંપૂર્ણ દુર્લક્ષ સેવવામાં આવ્યું.

જીવનનાં અંતિમ 18 વર્ષ દરમિયાન તેણે સોવિયેત રાજ્યની સહાયથી વિવિધ વૈજ્ઞાનિક વિષયોમાં તેનું સંશોધન ચાલુ રાખ્યું. સમતાપ મંડળ (સ્ટ્રૅટોસ્ફિયર)નું અન્વેષણ તથા આંતરગ્રહીય ઉડ્ડયન અંગેનું તેનું યોગદાન નોંધપાત્ર હતું. સમકાલીન અંતરિક્ષ વિદ્યા ઉપર તેનો મહત્વનો પ્રભાવ પડ્યો. 1919માં રશિયાની વિજ્ઞાન અકાદમીમાં તેને ચૂંટવામાં આવ્યો. શિક્ષણ અને ઉડ્ડયનવિદ્યામાં તેની સેવા બદલ 9 નવેમ્બર, 1921થી તેને આજીવન નિવૃત્તિ-વેતન બાંધી આપવામાં આવ્યું.

પરંતપ પાઠક