ચર્પાક, જ્યૉર્જીસ (Charpak, Georges) (જ. 1 ઑગસ્ટ 1924, ડેબ્રોવિકા, પોલૅન્ડ; અ. 29 સપ્ટેમ્બર 2010 પૅરિસ, ફ્રાન્સ) : કણ સંસૂચક (particle detetector), ખાસ કરીને બહુતાર પ્રમાણપદ કક્ષ (multiwire proportional chamber)ની શોધ અને વિકાસ માટે 1992નો ભૌતિકશાસ્ત્રમાં નોબેલ પુરસ્કાર મેળવનાર વિજ્ઞાની.
જ્યૉર્જીસ ચર્પાક ફ્રેન્ચ ભૌતિકશાસ્ત્રી હતા. તેમનાં માતા-પિતા યહૂદી હતા. જ્યારે ચર્પાક સાત વરસના હતા ત્યારે તેમના કુટુંબે પોલૅન્ડથી પૅરિસ સ્થળાંતર કર્યું. અને અહીં તેમનો ગણિતશાસ્ત્રનો અભ્યાસ શરૂ થયો. અભિનેતા અને ફિલ્મ નિર્દેશક આન્દ્રે ચર્પાક તેમના ભાઈ હતા. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન 1943માં નાઝી દળો દ્વારા તેમની ધરપકડ કરવામાં આવી અને ડચાઉ બંદી શિબિરમાં મોકલવામાં આવ્યા. 1945માં તેમને અહીંથી મુક્તિ મળી. ત્યારબાદ તેઓએ પૅરિસની બહુ-પ્રતિષ્ઠિત ઇજનેરી કૉલેજમાં અભ્યાસ કર્યો. 1948માં તેમણે સિવિલ ઇજનેરીમાં અનુસ્નાતકની પદવી પ્રાપ્ત કરી અને તે પછી તેઓએ ફ્રેડરિક જોલિયો-ક્યુરીની પ્રયોગશાળામાં અભ્યાસ કર્યો. નૅશનલ સેન્ટર ફોર સાયન્ટિફિક રિસર્ચમાં સંશોધક તરીકેનું સ્થાન પ્રાપ્ત કર્યું. 1954માં ન્યૂક્લિયર ભૌતિકશાસ્ત્રમાં પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી.
1959માં તેઓ CERN(યુરોપિયન સેન્ટર ફોર ન્યૂક્લિયર રિસર્ચ)માં જોડાયા અને અહીં તેમણે બહુતાર પ્રમાણપદ કક્ષની શોધ અને વિકાસ કર્યો, જે એક પ્રકારનું કણ સંસૂચક છે. 1984માં તેઓએ પૅરિસની સુપિરિયર સ્કૂલ ઑવ્ ફિઝિક્સમાં જોલિયો-ક્યુરી ચૅરનું સ્થાન મેળવ્યું. 1985માં તેઓ ફ્રેન્ચ એકૅડેમી ઑવ્ સાયન્સીસના સભ્યપદે ચૂંટાયા. CERNમાં તેમણે પોતે શોધેલા કણ સંસૂચકોની રોગનિદાન ક્ષેત્રે ખૂબ મહત્વની ઉપયોગિતા દર્શાવી. 1991માં તેઓ CERNમાંથી નિવૃત્ત થયા. 1999માં તેઓને અમેરિકન એકૅડેમી ઑવ્ અચિવમેન્ટ તરફથી ગોલ્ડન પ્લેટ પુરસ્કાર પ્રાપ્ત થયો. ફ્રાન્સમાં તેઓ ન્યૂક્લિયર ઊર્જાના પ્રણેતા હતા. તેઓ બોર્ડ ઑવ્ સ્પોન્સર્સ – ધ બુલેટિન ઑવ ધ ઍટમિક સાયન્ટિસ્ટ્સના સભ્ય હતા.
પૂરવી ઝવેરી