સ્થૌણ-નરસિંહ : સ્તંભમાંથી પ્રગટ થતું વિષ્ણુના નરસિંહ અવતારનું વિશિષ્ટ સ્વરૂપ, જેણે હિરણ્યકશિપુનો વધ કર્યો. પુરાણોમાં જણાવ્યા મુજબ હિરણ્યકશિપુએ ઉગ્ર તપસ્યા કરી બ્રહ્માની પાસેથી એવા વરદાન મેળવ્યાં હતાં કે તે કોઈ પણ માણસ કે પશુથી ન મરે, તે દિવસે કે રાત્ર ન મરે, કોઈ પણ જાતના આયુધથી તે ઈજા પામી ન શકે. આવા પ્રકારનાં વરદાન મેળવીને તે ઉદ્દંડ થઈ દેવોને પણ ખૂબ રંજાડવા લાગ્યો. તેનો પુત્ર પ્રહલાદ વિષ્ણનો પરમ ભક્ત હતો. હિરણ્યકશિપુ પોતાને વિષ્ણુ કરતાં પણ વિશેષ ગણતો હોઈ તેણે પ્રહલાદને વિષ્ણુની ભક્તિ છોડી દેવા અનેક પ્રકારે શિક્ષાત્મક ઘાતકી રીતો સમજાવી. પરંતુ પ્રહલાદ વિષ્ણુની કૃપાથી બધી મુશ્કેલીઓમાંથી પાર ઊતર્યો. તે માનતો કે વિષ્ણુ સર્વજ્ઞ અને સર્વશક્તિમાન અને સર્વત્ર છે. તેમનો વાસ સર્વત્ર છે. એક વખત હિરણ્યકશિપુએ તેના પુત્રને પૂછ્યું, જો વિષ્ણુ સર્વત્ર હોય તો આ થાંભલામાં કેમ દેખાતા નથી તેથી પ્રહલાદ થાંભલાને ભેટી પડ્યો. અને એ વખતે સ્તંભમાંથી વિષ્ણુએ નરસિંહ સ્વરૂપે અર્ધમનુષ્ય અર્ધ પશુ-સિંહનું સ્વરૂપ ધારણ કરીને પોતાના નહોર વડે રાક્ષસને સંધ્યાકાળે, ઘરના ઉંબરા ઉપર પોતાની સાથળ પર રાખીને ચીરી નાખ્યો.
મૂર્તિવિધાનમાં સ્થૌણ-નરસિંહને સ્તંભમાંથી સિંહ જાણે બહાર આવતો હોય એમ બતાવાય છે. મૂર્તિ ચાર કે આઠ હાથની હોય છે. ચતુર્ભુજમાં બે હાથમાં શંખ અને ચક્ર અને બીજા બે હાથથી રાક્ષસનું પેટ ચીરતા બતાવાય છે. અષ્ટભુજમાં બે હાથ હિરણ્યકશિપુનું પેટ ચીરતા બતાવાય છે. બીજા ચાર હાથમાં શંખ, ચક્ર, ગદા અને પદ્મ હોય છે અને બીજા બે હાથ વડે હિરણ્યકશિપુનાં આંતરડા બહાર ખેંચી કાઢતા બતાવાય છે. મૂર્તિની ગરદન ટૂંકી અને જાડી હોય છે. ગરદન સિંહની કેશવાળીથી ઢંકાયેલી હોય છે. વર્ણ શ્વેત અને વસ્ત્રોનો વર્ણ રક્ત હોય છે. નૃસિંહના મુખમાં તીણા વળેલા દાંત સ્પષ્ટ દેખાય છે. દાનવનો નાશ કરતી વખતે ખૂબ વિકરાળ સ્વરૂપ ધારણ કરેલું હોય છે તેથી તેમના ક્રોધને શાંતિ પમાડવા માટે દેવી, ભૂદેવી, નારદ અને પ્રહલાદ નરસિંહની પાસે અંજલિ મુદ્રામાં ઊભેલાં હોય છે. આ આકૃતિઓની ઉપરની બાજુએ ઇન્દ્ર અને બીજા લોકપાલો અંજલિ મુદ્રામાં જોવામાં આવે છે. વૈખાનસ આગમ પ્રમાણે નૃસિંહનું પૂજન કરવાથી જ્ઞાનની વૃદ્ધિ થાય છે. હિરણ્યકશિપુ અનિષ્ટ અને અજ્ઞાનનું પ્રતીક છે. દક્ષિણ ભારતમાં વૈષ્ણવ મંદિરોમાં આ સ્વરૂપ જોવા મળે છે.
પ્રવીણચંદ્ર પરીખ