સપ્તદ્વીપ : પુરાણોમાં વર્ણવેલા સાત દ્વીપ : જંબૂદ્વીપ, કુશદ્વીપ, પ્લક્ષદ્વીપ, શાલ્મલિદ્વીપ, ક્રૌંચદ્વીપ, શાકદ્વીપ અને પુષ્કરદ્વીપ. શાલ્મલિદ્વીપને ક્યાંક શાલભક્તિ પણ કહેવામાં આવેલ છે. જંબૂદ્વીપમાં ભારત આવે છે. સનાતનીઓ કર્મકાંડમાં સંકલ્પ લેતી વખતે આ દ્વીપનો નિર્દેશ કરે છે. જંબૂદ્વીપને આઠ લાખ માઈલ લાંબો અને એટલો જ પહોળો કહેવામાં આવ્યો છે. આ દ્વીપ આઠ લાખ માઈલ પહોળા સાગરથી ઘેરાયેલો છે. અન્ય દ્વીપોનો આકાર પોતાનાથી આગળના દ્વીપથી બમણા પહોળા વિસ્તારનો અને એટલા જ ઘેરાવાવાળા સાગરથી ઘેરાયેલો છે. આ ખંડોની રચના મહારાજા પ્રિયવ્રતે કરી હતી અને તેમણે પોતાના પુત્રોને એક એક દ્વીપના અધિપતિ બનાવ્યા હતા.
પ્રવીણચંદ્ર પરીખ