ફ્રેઝર, સર જેમ્સ જ્યૉર્જ

March, 1999

ફ્રેઝર, સર જેમ્સ જ્યૉર્જ (જ. 1 જાન્યુઆરી 1854, ગ્લાસગો, સ્કૉટલૅન્ડ; અ. 7 મે 1941, કૅમ્બ્રિજ, ઇંગ્લૅન્ડ) : વિદ્વાન બ્રિટિશ માનવશાસ્ત્રી. તેમણે ક્ષેત્રકાર્ય આધારિત સંશોધન-કાર્ય કર્યું ન હતું કે આદિમ સમુદાયો સાથે તેમને પરિચય પણ થયો ન હતો. તેમણે જે કાંઈ લખ્યું કે જે કેટલાક સિદ્ધાંતો તારવવાનો પ્રયત્ન કર્યો તે બધું બીજાઓ દ્વારા પ્રાપ્ત સામગ્રી કે માહિતીને આધારે હતું. તેમના પિતા વિખ્યાત રસાયણવિદ અને દવાઓ બનાવનારા હતા. 1869માં ગ્લાસગોમાં મૅટ્રિક થયા. આ પછી તે સમયના તત્વચિંતક જેમ્સ વૉર્ડના સંપર્કમાં આવ્યા, જેમણે ઈ.બી. ટાયલરનું ‘પ્રિમિટિવ કલ્ચર’ પુસ્તક તરફ ધ્યાન દોર્યું, જેણે તેમને માનવશાસ્ત્રના અભ્યાસ પરત્વે ઉત્તેજિત કર્યા.  1874માં કૅમ્બ્રિજની ટ્રિનિટી કૉલેજમાં દાખલ થયા અને 1879માં ત્યાં ફેલો થયા. 1907માં તેમને લિવરપૂલમાં સામાજિક માનવશાસ્ત્રના પ્રાધ્યાપક નીમવામાં આવ્યા; પરંતુ એક સત્ર બાદ તે છોડીને કૅમ્બ્રિજ ગયા, જ્યાં તેમણે તેમનું શેષ જીવન પૂરું કર્યું.

તેમણે કૅમ્બ્રિજમાં આવીને ‘એન્સાઇક્લોપીડિયા ઑવ્ બ્રિટાનિકા’ના સંપાદનમાં કામ કર્યું. આ કાર્ય કરતાં તેમણે માનવશાસ્ત્ર વિશે ઘણું વાંચ્યું.

સર જેમ્સ જ્યૉર્જ ફ્રેઝર

1890માં તેમનું પ્રસિદ્ધ પુસ્તક ‘ધ ગોલ્ડન બફ’ 12 ખંડોમાં પ્રકાશિત થયું. તેમાં વિવિધ દેશો અને રિવાજોનાં વર્ણનો છે. આ પુસ્તક પાછળથી ત્રણ આવૃત્તિઓ પામ્યું. 1898માં ગ્રીક વિશેની માહિતીના 6 જેટલા ગ્રંથોના અનુવાદ કર્યા. 1910માં ‘ધ બિલીફ ઇમૉર્ટાલિટી ઍન્ડ વર્શિપ ઑવ્ ડેડ’ ત્રણ ભાગમાં પ્રકાશિત થયું. 1918માં ‘ફોકલોર ઇન ધી ઓલ્ડ ટેસ્ટામેન્ટ’ ત્રણ ભાગમાં પ્રકાશિત થયું. 1926માં ‘ધ વર્શિપ ઑવ્ નેચર’ અને 1937માં ‘માયથૉલૉજી ઍન્ડ આફ્ટરમાથ’ પ્રકાશિત થયું.

ફ્રેઝરનું નામ માનવશાસ્ત્રમાં લેખક અને તાત્વિક રજૂઆત કરનારા તરીકે આવે છે. તેમણે બધી માહિતી ગ્રંથાલયમાંથી ભેગી કરેલી હતી; પરંતુ તેમણે માનવીની મનોવૈજ્ઞાનિક પ્રકૃતિ ને માનવ-સંસ્કૃતિના વિશાળ ફલકના સંદર્ભમાં કેટલાંક મૂળભૂત સત્યોને સ્પષ્ટ કરવાનો પ્રયત્ન કર્યો. તેમણે સમકાલીન વિચારકોની સરખામણીમાં વિગતોને તાર્કિક અને તુલનાત્મક રીતે મૂલવવાનો પ્રયત્ન કરી સૈદ્ધાંતિક ઢાંચામાં ઢાળવાનો કે તારણો સ્વરૂપે દર્શાવવાનો પ્રશંસનીય પ્રયત્ન કર્યો. તેઓ દર્શાવે છે કે ધર્મ કુદરતી પરિસ્થિતિનું વિજ્ઞાન છે, જેમાં દૈવી શક્તિઓને રીઝવવાના એક પેટાવિજ્ઞાન તરીકે જાદુનું સ્વરૂપ વિકાસ પામ્યું છે. ધર્મને તેઓ માનવ કરતાં વધુ શક્તિશાળી પરિબળ તરીકે દર્શાવે છે. વળી માનવ-ઉત્ક્રાંતિને વિવિધ રિવાજો, જાદુના વિવિધ સ્તરો, ધર્મ વગેરે દ્વારા ક્રમિક રીતે સમજાવવાનો તેમણે પ્રયત્ન કર્યો છે. માનવ-ઉત્ક્રાંતિનો ઇતિહાસ, વિવિધ માનવપ્રજાઓની માન્યતાઓ, રિવાજો–પ્રથાઓની આદિમ સમાજના સંદર્ભમાં રજૂઆત કરવાનો તેમનો પ્રયત્ન છે. તેઓ 1914માં ‘બ્રિટિશ એકૅડેમી’ના ફેલો રહ્યા, 1920માં રૉયલ સોસાયટીમાં તેઓ ચૂંટાયા અને ફ્રાન્સમાં સન્માન પામ્યા. 1921માં ઑક્સફર્ડ, કૅમ્બ્રિજ, ગ્લાસગો અને લિવરપૂલમાં તેમના નામની ચૅર સ્થપાઈ છે. આમ તેઓ તે સમયના વિકસતા માનવશાસ્ત્રના પ્રશિષ્ટ બ્રિટિશ માનવશાસ્ત્રી તરીકે ખ્યાતિ પામ્યા છે.

અરવિંદ ભટ્ટ