ફ્રેકોસ્ટોરો ગિરોલામો (જ. 1478, વેરોના, ઇટાલી; અ. 8 ઑગસ્ટ, 1553) : ‘હિરોનિમસ ફ્રેકેસ્ટોરિયસ’ તરીકે ઓળખાતા એક રોગચિકિત્સક, સાહિત્યકાર અને ખગોળશાસ્ત્રી. તેમની પ્રતિભા વિવિધમુખી હતી. યુરોપમાં 1300થી 1600નો સમયગાળો રેનેસાંસ તરીકે ઓળખાય છે. તે સમયમાં યુરોપમાં સાહિત્ય, કલા, ખગોળ અને તબીબી ક્ષેત્રે ખૂબ પ્રગતિ સાધેલી જણાય છે. પેડુઆ યુનિવર્સિટીમાં ફ્રેકોસ્ટોરો જાણીતા ખગોળશાસ્ત્રી કૉપરનિકસના સાથી હતા.
ફ્રેકોસ્ટોરોની કવિતા સિફિલિસ સીવ મોર્બસ ગેલિકસ – સિફિલિસના રોગ સાથે સંકળાયેલી છે અને તેમાં પારાની ઔષધીય ઉપયોગિતાનો પણ ખ્યાલ અપાયો છે.
રોગના કારણ માટે સ્વયંભૂ, સજીવ સ્થૂલ પદાર્થો કારણભૂત છે, તેવું તેમનું પ્રતિપાદન હતું અને જંતુઓના સિદ્ધાંત(germ theory)નો તેમણે પ્રથમ વૈજ્ઞાનિક પાયો નાંખ્યો. ‘ઑન કૉન્ટેજિયોન’ (1546) શીર્ષક હેઠળના લેખમાં તેમણે ‘સેમિનેરિયા કૉન્ટેજિયોસા’ રોગનાં જંતુઓ પવન, સ્પર્શ કે સંસર્ગ દ્વારા માનવીના શરીરમાં પ્રવેશ પામે છે અને ચેપ કરે છે એવું પ્રતિપાદન કર્યું. રોગકારકતા અંગેની તેમની આ વિચારસરણીને લગભગ 300 વર્ષ બાદ વૈજ્ઞાનિક સંશોધનોના આધારે લુઈ પાશ્ર્ચર અને રૉબર્ટ કૉક જેવા ખ્યાતનામ જીવાણુશાસ્ત્રીઓએ શાસ્ત્રીય સ્વરૂપ આપ્યું. આમ રેનેસાંસના સમયના વૈજ્ઞાનિકોનો પણ આધુનિક વિજ્ઞાનના વિકાસમાં કેટલો ફાળો છે તે આવા વૈજ્ઞાનિકોનાં ઉદાહરણો દ્વારા પામી શકાય છે.
રા. ય. ગુપ્તે