જી-20 (ગ્રૂપ ઑફ ટ્વેન્ટી) : આંતરરાષ્ટ્રીય આર્થિક સહયોગ માટેનો મંચ.
ઈ. સ. 1999માં એશિયન નાણાકીય કટોકટી પછી વિકસિત અને વિકાસશીલ દેશોના અર્થતંત્રોની મદદથી વૈશ્વિક આર્થિક અને નાણાકીય મુદ્દાઓ અંગે ચર્ચા કરવા નાણામંત્રીઓ અને સેન્ટ્રલ બૅંકના ગવર્નરોના એક મંચ તરીકે G-20ની સ્થાપના કરવામાં આવી. 2009ની વૈશ્વિક આર્થિક કટોકટી પછી તેનું નામ ‘આંતરરાષ્ટ્રીય આર્થિક સહકાર માટેનો મુખ્ય મંચ’ રાખવામાં આવ્યું. પ્રારંભમાં G-20આર્થિક મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરતું હતું પરંતુ પાછળથી વ્યાપાર, જળવાયુ પરિવર્તન, કૃષિ, પર્યાવરણ, ઊર્જા, દીર્ઘકાલીન વિકાસ, ભ્રષ્ટાચારનો વિરોધ જેવા મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.
G-20માં આર્જેન્ટિના,ઑસ્ટ્રેલિયા, કોરિયા, પ્રજાસત્તાક મેક્સિકો, રશિયા, બ્રાઝિલ, કેનેડા, સાઉદી અરબ, દક્ષિણ આફ્રિકા, ચીન, તુર્કી, ફ્રાન્સ, જર્મની, ભારત, ઇન્ડોનેશિયા, ઇટાલી, જાપાન, યુએસએ અને યુનાઈટેડ કિંગડમ એમ 19 દેશો અનેયુરોપિયન સંઘ મળીને 20 સભ્યોનો સમાવેશ થાય છે. G-20 સબમીટમાં સભ્ય દેશો ઉપરાંત અન્ય દેશોને અતિથિ તરીકે આમંત્રિત કરવામાં આવે છે. આ વર્ષે સ્પેન,ઇજિપ્ત, સિંગાપુર, બાંગ્લાદેશ, મોરેશિયસ, નેધરલૅન્ડ, સંયુક્ત આરબ અમીરાત, નાઈજીરીયા અને ઓમાન આમંત્રિત દેશો છે.
1 ડિસેમ્બર 2022 થી 30 નવેમ્બર 2023 સુધી ભારત G-20ની અધ્યક્ષતા કરી રહ્યું છે. G-20માં ભારતનો મંત્ર ‘એક પૃથ્વી, એક પરિવાર, એક ભવિષ્ય છે.’ G-20ના અધ્યક્ષ એક વર્ષ માટે સંગઠનના એજન્ડાનું સંચાલન કરે છે તેમજ શિખર સંમેલનનું આયોજન કરે છે. G-20ના રાષ્ટ્રાધ્યક્ષોનું 81મું શિખર સંમેલન 9-10 સપ્ટેમ્બર 2023ના રોજ નવી દિલ્હીમાં યોજવાનું છે.
G20 માં બે જૂથ હોય છે – એક નાણાકીય જૂથ અને બીજું શેરપા જૂથ. નાણાકીય જૂથ નાણામંત્રીઓ, સેન્ટ્રલ બૅંકના ગવર્નરો, કેન્દ્રીય બૅંકોના નાયબ પ્રમુખો અને વિવિધ કાર્યસમૂહોની બેઠકો દ્વારા વૈશ્વિક આર્થિક મુદ્દાઓ પર ચર્ચા કરે છે. શેરપા જૂથનો શેરપા શબ્દ નેપાળી શબ્દ શેરપા પરથી આવ્યો છે. શેરપા લોકો પર્વતારોહકો માટે ભોમિયાનું કામ કરે છે. G-20 સબમીટમાં દરેક સભ્ય દેશમાંથી માત્ર એક જ શેરપા ભાગ લઈ શકે છે. આ શેરપાની નિમણૂક જે તે દેશની સરકાર દ્વારા પોતાના દેશના રાજદ્વારી, રાજકીય અનુભવી નેતા કે વરિષ્ઠ સરકારી અધિકારીની નિમણૂક કરવામાં આવે છે. આ વખતે ભારતના શેરપા શ્રી અમિતાભ કાન્ત છે. શેરપાઓ પોતાના દેશના હિતોની તરફેણમાં માહોલ બનાવે છે. તેમની પાસે સમજૂતી કરવાનો અધિકાર હોતો નથી. આ ઉપરાંત સહભાગી સમૂહમાં G-20 દેશોના નાગરિક સમાજો, સંસદો, મહિલાઓ, યુવાનો અને સંશોધકો હોય છે. સહભાગી સમૂહમાં સભ્ય દેશના બિનસરકારી સહભાગીઓનો સમાવેશ થાય છે. આ સમૂહ ભલામણો રજૂ કરે છે અને નીતિ ઘડવાની પ્રક્રિયામાં યોગદાન આપે છે.
G-20 સાથે સંકળાયેલા આયોજનો માત્ર રાજધાની દિલ્હી પૂરતા મર્યાદિત ન રહેતાં દેશના ખૂણે ખૂણે કરવામાં આવશે. દેશના 56 શહેરોમાં G-20ના વિવિધ સમૂહની 215 બેઠકો યોજવામાં આવશે. આ બેઠકો જે રાજ્યમાં યોજાશે ત્યાં પ્રવાસ, ભોજન સમારંભો અને સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા મહેમાનોને ભારતીય પ્રકૃતિ, સંસ્કૃતિ, પરંપરા અને વારસાનો પરિચય મળશે. G-20 દેશો સાથે ઑગસ્ટમાં યોજાનાર કાર્યક્રમમાં ભારત દેશના સોફ્ટ પાવર યોગ અને આયુર્વેદ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને પ્રતિનિધિઓ સમક્ષ રજૂ કરવામાં આવશે. G-20ના 20દેશોમાંથી 14 દેશો સાથે ભારત દેશ-થી-દેશ અથવા રાજ્ય-થી-રાજ્ય કરાર (MoU)ધરાવે છે. ભારતમાં G-20ના અધ્યક્ષપદના મુખ્ય સંયોજક હર્ષવર્ધન શ્રૃંગલા છે. G-20 સમૂહ પાસે કાયમી કાર્યાલય નથી. અધ્યક્ષનો સાથ અગાઉના અને આવનારા અધ્યક્ષો આપે છે. આ વખતે ટ્રોઇકામાં ત્રણ વિકાસશીલ દેશો છે– ઇન્ડોનેશિયા, ભારત અને બ્રાઝિલ.
અનિલ રાવલ