જીવજન્ય નિક્ષેપો (organic deposits)

January, 2012

જીવજન્ય નિક્ષેપો (organic deposits) : ખવાણની પેદાશોના વિતરણ મુજબ તૈયાર થતા પરિણામી ખડકના પ્રકારો. નીચેના વર્ગીકરણ પરથી તે સ્પષ્ટ બને છે :

પ્રાણીઓ અને વનસ્પતિની ક્રિયાત્મક અને અસરકારક પ્રવૃત્તિઓ દ્વારા તૈયાર થતા નિક્ષેપોને જીવજન્ય નિક્ષેપો તરીકે ઓળખાવી શકાય. જીવનસ્વરૂપો દ્વારા તૈયાર થતો દ્રવ્યજથ્થો મુખ્યત્વે સમુદ્રતળ પર એકઠો થતો હોય છે, પરંતુ આ પ્રકાર પૈકી સ્વચ્છ જળમાં થતા તેમજ પાર્થિવ નિક્ષેપના પ્રકારો પણ જાણીતા છે. માત્ર વર્ષાવિહીન રણપ્રદેશોમાં અને ઠરેલા રહેતા ધ્રુવીય ભૂમિપ્રદેશોમાં જ આ નિક્ષેપોનો અભાવ હોય છે. જીવજન્ય ઉત્પત્તિવાળા ખડકોનું બંધારણ શરૂઆતથી જ તદ્દન ઘન સ્વરૂપમાં થતું હોય છે; દા.ત., પ્રવાળ ખડકો અને અમુક લીલયુક્ત ચૂનાખડકો. ખડકોની આ પ્રકારની ઉત્પત્તિ માટે સ્ટીરિઅફિટિક નામ સૂચવાયેલું છે. સ્થાનભેદે અને પ્રકારભેદે આ પ્રકારની નિક્ષેપપ્રક્રિયા જીવરાસાયણિક (biochemical) કે જીવભૌતિક (biomechanical) હોઈ શકે. પ્રથમ પ્રકારમાં જીવસ્વરૂપોની ક્રિયાઓમાં રાસાયણિક ગતિશીલતા આવવાથી અવક્ષેપ થવામાં અનુકૂળતા ઊભી થાય છે; દા.ત., બૅક્ટેરિયાજન્ય  લોહધાતુખનિજો અને ચૂનાખડકો. બીજા પ્રકારમાં જીવનસ્વરૂપોનાં માળખાંની કણિકાઓનું એકત્રીકરણ થાય છે; દા.ત., ક્રિનૉઇડલ કે કવચયુક્ત ચૂનાખડકો. જીવભૌતિક પ્રકારમાં અકાર્બનિક કણજન્ય દ્રવ્યના સંમિશ્રણથી કે તે વધતા જવાથી ભિન્ન ભિન્ન કક્ષાઓ સંભવી શકે. એ જ રીતે, જીવરાસાયણિક પ્રકારમાં પણ ફેરફારો થતા જાય તો શુદ્ધ અકાર્બનિક ઉત્પત્તિવાળા ખડક બની શકે. આમ ઓછીવત્તી કક્ષાભેદે ખડક જળકૃત, રાસાયણિક કે જીવજન્ય છે તે નક્કી કરવું અઘરું થઈ પડે છે. જીવરાસાયણિક ખડકોનાં કણકદ જીવજન્ય ઘટક કણોનાં પરિમાણ પર અથવા મૂળભૂત રીતે તે કુદરતી સ્થિતિમાં કયા પરિમાણમાં તૂટે છે તેના પર આધાર રાખે છે. આમ ફૉરામિનિફર કે રેડિયોલેરિયા કે ડાયઍટમ જીવનસ્વરૂપો નિક્ષેપક્રિયા માટે સારી કક્ષાનાં સ્યંદનો (ooze) બનાવે છે, જ્યારે કવચમાંથી બનતા અમુક નિક્ષેપો સ્થૂળ દાણાદાર કક્ષાવાળા હોય છે; દા.ત., હિપ્યુરાઇટ ચૂનાખડક. ક્રિનૉઇડ, સાગરગોટા (sea-urchins) વગેરે જેવાં અન્ય જીવનસ્વરૂપોના સખત ભાગો સામાન્ય રીતે વધુ મોટા ટુકડા રૂપે તૂટતા હોય છે, જે પૈકીનો પ્રત્યેક ટુકડો લગભગ કૅલ્સાઇટના સ્ફટિક જેવડો હોઈ શકે છે, પરિણામે ખડકબંધારણમાં સ્થૂળ દાણાદાર રચના જોવા મળે છે. આ ખડકોની સરખામણીમાં જીવરાસાયણિક ઉત્પત્તિવાળા ખડકો પ્રમાણમાં વધુ સૂક્ષ્મદાણાદાર હોય છે કારણ કે તે મુખ્યત્વે રાસાયણિક અવક્ષેપથી બનતા હોય છે. આમ જીવજન્ય નિક્ષેપોનું વર્ગીકરણ તેમના રાસાયણિક દ્રવ્ય-બંધારણ પર આધાર રાખે છે, જે નીચે દર્શાવેલું છે :

જીવજન્ય નિક્ષેપો ઉદાહરણ
1 ચૂનાદ્રવ્યયુક્ત ચૂનાખડકો
2 ફૉસ્ફેટજન્ય ફૉસ્ફોરાઇટ, ગ્વાનો
3 લોહદ્રવ્યયુક્ત બૅક્ટેરિયાજન્ય લોહધાતુખનિજો
4 સિલિકાદ્રવ્યયુક્ત રેડિયોલેરિયા અને ડાયઍટમ સ્યંદન
5 કાર્બનદ્રવ્યયુક્ત કોલસો, પીટ વગેરે

આ ઉપરાંત પ્રાણીઉત્પત્તિજન્ય (zoogenic) કે વનસ્પતિ-ઉત્પત્તિજન્ય (phytogenic) પેટાપ્રકારો પણ પાડી શકાય.

ગિરીશભાઈ પંડ્યા