ટેરાકોટા (પ્રકાર અને નિર્માણપદ્ધતિ) : માટીનાં પકવેલાં શિલ્પો એ સામાન્ય જનસમાજની જરૂરિયાત ને પોષક લોકકલાનો વૈવિધ્યપૂર્ણ વૈભવ છે. ઘરગથ્થુ ઉપયોગ માટે, દેવસેવા કે પૂજન અર્થે, ગૃહસજાવટ માટે, બાળકોને રમવાનાં રમકડાં તરીકે અને જંતરમંતરના પ્રયોજનથી માટીનાં શિલ્પોનું નિર્માણ થયેલું જોવામાં આવે છે. વિદેશો સાથેના વ્યાપારવિનિમયમાં પણ પ્રારંભમાં માટીમાંથી બનાવેલી મુદ્રાઓનો ઉપયોગ થતો. તેમાં પણ પ્રજાજીવનના ઉન્મેષ પ્રતિબિંબિત થતા. આમાં ગરીબ લોકો પણ માટીનાં ઘરેણાં પહેરી સંતોષ માનતા. માટીની ઇમારતોમાં પકવેલી માટીનાં શિલ્પ-સુશોભનો મૂકી ઇમારતની ભારેખમ સાદાઈને હળવી બનાવાતી.
સ્વરૂપથી આકારની ચોક્સાઈ અને રચનાપદ્ધતિની બાબતમાં આદ્ય-ઐતિહાસિક કાળથી ચાલી આવેલી લોકકલા તરીકે એનું સાતત્ય છેક અત્યાર સુધી જળવાઈ રહેલું જોવા મળે છે. એથી કલાવિવેચક સ્ટેલા ક્રેમરિશે આ પ્રકારનાં માટીનાં શિલ્પોને કાલાતીત (ageless) તરીકે વર્ણવ્યાં છે. જોકે એ ઉપરાંત પણ સમયની માંગ પ્રમાણે ઘડાયેલાં શિલ્પોનો પ્રકાર પણ વિકસ્યો છે, જેને કાલાધીન કે કાલાનુક્રમી (Timed variation) કહ્યાં છે.
લોકકલાનાં આ શિલ્પોમાં શારીરિક રચના પરત્વે ધડ, માથું, હાથ અને પગ જેવાં શરીરનાં મહત્વનાં અંગ પર ધ્યાન કેન્દ્રિત કરેલું જણાય છે. માટીનાં લોંદાને સાહજિકતાપૂર્વક હાથ વડે દબાવી ધડનું નિર્માણ કરી, તે પર અલગ અલગ બનાવેલાં માથુ, હાથ, પગ વગેરે ચોંટાડી આખો દેહ રચવામાં આવે છે. અંગ, હોઠ, કાન, નાક, નાભિ, વાળ વગેરે ઉપાંગોની રચના તે પર કાપા પાડીને કે નાની નાની ટીકડીઓ ચોંટાડીને કરવામાં આવે છે. એ જ રીતે દેહ પર આભૂષણોની સજાવટ પણ દર્શાવવામાં આવે છે. આ રચના-પદ્ધતિને મૂર્તન-પદ્ધતિ (Modelilng) પણ કહેવામાં આવે છે. આવા મૂર્તનમાં કલાકારની કલ્પના, પ્રતિભા અને સૌંદર્યબોધ બધુ એની ક્ષમતા અનુસાર વ્યક્ત થાય છે. આ પ્રકારનાં સ્ત્રીઓનાં નિતંબ ભારે, સ્તનભાગ ઉન્નત અને સંપૂર્ણ ગોળ, તથા ઉદર પરની ત્રિવલ્લિ તેમજ નાભિનું આલેખન આદ્ય-ઐતિહાસિક કાળની માતૃદેવીને મળતું આવે છે. લોકકલાનાં આ પ્રકારે કરેલાં પ્રાણીશિલ્પોમાં અશ્વ, ગજ, બકરા અને ઘેટાનું બાહુલ્ય જોવા મળે છે. તેમના દેહના અવયવોના નિર્માણમાં બહુધા નળાકાર, શંકુ આકાર અને ભૌમિતિક આકૃતિઓના ઘાટનો ઉપયોગ થતો જણાય છે. એમનું રચના-વિધાન માનવશિલ્પોના જેવું જ હોય છે. આ પ્રાણી-શિલ્પોનો દેવોને અર્પણ કરવા બાધા તરીકે પણ ઉપયોગ થતો. દેવનાં વાહન તરીકે પૂજાતાં આ વાહનો જુદા જુદા ગ્રામદેવતાઓમાં પ્રતીક મનાતાં હોવાનું જણાય છે. પ્રાચીન કાળમાં આ કાલાતીત પ્રકારનાં શિલ્પોનાં નિર્માણનાં અનેક કેન્દ્રો જાણમાં આવ્યાં છે જેમાં પંજાબનું તક્ષશિલા, ઉત્તરપ્રદેશમાં મથુરા, ભીટા, રાજઘાટ, શ્રાવસ્તી, અહિચ્છત્ર, કૌશામ્બી; મધ્યપ્રદેશમાં ગ્લાવિયર પાસેનું પદ્માવતી, બિહારમાં પાટલિપુત્ર, વૈશાલી અને બંગાળમાં તામ્રલિપ્તિ (તામલુક), મહાસ્થાન વગેરે એનાં મુખ્ય કેન્દ્રો હતાં. દક્ષિણ ભારતમાં હૈદરાબાદ વિસ્તારમાંથી પણ આ પ્રકારનાં શિલ્પો મળ્યાં છે.
કાલાધીન શિલ્પો બીબામાં ઢાળીને બનાવવામાં આવેલાં છે, આમાં પહેલાં કોઈ પણ શિલ્પ પર ભીની માટી દબાવીને એની છાપ લેવામાં આવતી. એને અગ્નિમાં પકાવતાં તેનું બીબું તૈયાર થતું. આ બીબામાં માટીના લોંદા દબાવી એમાંથી ઉપસાવેલ શિલ્પ પ્રાપ્ત થતું. તેને જરૂરિયાત મુજબ સફાઈબંધ અને સુશોભનયુક્ત કરવામાં આવતું. આમ બીબાની મદદથી એક જ સ્વરૂપનાં અસંખ્ય શિલ્પો પ્રાપ્ત થતાં. આમાં કલાનું તત્વ જેના પરથી બીબું બનાવાતું એ શિલ્પની રચના પર આધારિત રહેતું. શિલ્પ બનાવવામાં એકવડાં કે બેવડાં બીબાંઓનો પ્રયોગ થતો. એકવડા બીબાથી અંશમૂર્ત શિલ્પ તૈયાર થતું, જ્યારે બેવડા બીબાથી પૂર્ણમૂર્ત શિલ્પ તૈયાર થતું. બેવડા બીબાંનાં શિલ્પો ભારે વજનનાં બનતાં. આથી એનું વજન ઘટાડવા માટે આગળ અને પાછળનાં બે બીબાંઓની મદદથી શિલ્પને બે ભાગમાં તૈયાર કરીને પછીથી તેને જોડવામાં આવતું જેથી એમાં વચ્ચે પોલાણ રહેતાં શિલ્પનું વજન ઘટી જતું. આજે આ બેવડા બીબાની પદ્ધતિઓથી માટીનાં રમકડાં અને મોટાં સજાવટી શિલ્પો પણ બને છે. જોકે પ્રાચીન કાળમાં મુખ્યત્વે એકવડા બીબાનો પ્રયોગ થતો.
કાલાતીત અને કાલાધીન બંને પ્રકારનાં શિલ્પોને અગ્નિમાં પકવતાં પહેલાં તેમના પર માટીનું પાતળું અસ્તર લગાવવામાં આવતું, જેથી પાક્યા પછી તેમના પર ચમક આવતી. જુદી જુદી રીતે પકવવાથી એ શિલ્પો જુદા જુદા રંગ ધારણ કરતાં. કેટલાંક શિલ્પો પર પછીથી રંગ કે ચિતરામણ કરેલ જોવામાં આવે છે.
પ્રવીણચંદ્ર પરીખ