બ્રહ્મસૂત્ર : બ્રહ્મને જાણવા માટેનો બાદરાયણ વ્યાસનો એક પ્રખ્યાત ગ્રંથ. વેદવિદ્યાનાં કર્મ, ઉપાસના અને જ્ઞાનકાંડ ત્રણ મુખ્ય પાસાં છે. જ્ઞાનકાંડના તાત્પર્યનો નિર્ણય બ્રહ્મમીમાંસા કે ઉત્તરમીમાંસામાં થાય છે. પૂર્વમીમાંસાનો સંબંધ કર્મકાંડ સાથે છે. જ્ઞાનની સર્વોપરીતા પૂર્વ અને ઉત્તર શબ્દો દ્વારા સૂચવાય છે. બ્રહ્મસૂત્રના આરંભે अथ શબ્દ આ અર્થમાં આનન્તર્ય બતાવે છે. બ્રહ્મસૂત્ર એ જ્ઞાનમીમાંસાને સૂત્રસ્થ કરવાના પ્રયાસથી થયેલો ગ્રંથ છે. બુદ્ધ પૂર્વે વૈચારિક સંઘર્ષકાળમાં થયેલા બ્રહ્મમીમાંસાને સૂત્રો દ્વારા ગ્રંથસ્થ કરવાનો એ પ્રયાસ હતો. શ્રીમદભગવદગીતા ‘બ્રહ્મસૂત્ર’ પદનો ઉલ્લેખ કરે છે (13.4), પણ તે આ બાદરાયણના એકમાત્ર સૂત્રગ્રંથનો નિર્દેશ કરતી નથી. જેવી રીતે વિવિધ શાખાનાં કલ્પસૂત્રો, ધર્મસૂત્ર, ગૃહ્યસૂત્ર, શ્રૌતસૂત્રો અને શુલ્વ-સૂત્રો હતાં તે પ્રમાણે બ્રહ્મસૂત્રો પણ હોવાની સંભાવના હોવાનું ડૉ. બેલવેલકર માને છે. કાશકૃત્સ્ન, આશ્મસ્થ્ય, ઔડુલોમિ, બાદરિ વગેરેનાં બ્રહ્મસૂત્ર હોવાનું માનવામાં આવે છે. જૈમિનિના શારીરક સૂત્રની રચના હોવાની માન્યતા પણ તેનો બ્રહ્મસૂત્ર સાથે સંબંધ સૂચવે છે. બ્રહ્મસૂત્રનો વિષયવિસ્તાર ઉપનિષદોનાં વચનોનાં અર્થઘટનો કરી સમન્વય સાધવા માટે છે. તેથી તે સર્વશાખીય બ્રહ્મસૂત્ર બની શક્યું છે. બીજા તબક્કે વાદવિવાદને લગતી સામગ્રી તર્કવાદ દ્વારા સમાવવાનો પ્રયત્ન થયો છે. ડૉ. બેલવેલકર બ્રહ્મસૂત્રના ઘડતરમાં ત્રણ તબક્કા જણાય છે. ચોક્કસ શાખાઓના ધાર્મિક અને દાર્શનિક વિચારોનું વ્યવસ્થિત સંકલન કરી બુદ્ધપૂર્વકાલીન નાસ્તિકવાદીઓ સાથે ચોક્કસ પરિબળ ઊભું કરવું, બીજા તબક્કે અતિશય ફેલાયેલા, બ્રાહ્મણ ધર્મને દબાવી ચૂકેલા બૌદ્ધ ધર્મ સાથે મજબૂત ટક્કર લેવી. ઉપનિષદોનાં વચનોમાં સંવાદિતા અને દાર્શનિક વિચારધારાઓ વચ્ચે બ્રહ્મવાદને પ્રસ્થાપિત કરવો. આ માટે શ્રુતિ-સ્મૃતિ વચ્ચે સંવાદિતા બતાવી છે. ત્રીજા તબક્કે લાક્ષણિક ચર્ચાસ્પદ મુદ્દાઓ ઉમેરી નાસ્તિકવાદીઓને તેમણે જ સ્વીકારેલા ધોરણથી પરાસ્ત કરવા. આ ત્રણેય તબક્કાઓ દ્વારા બ્રહ્મસૂત્રની રચનાનું વિશિષ્ટ પ્રયોજન સિદ્ધ થયું છે. બ્રહ્મસૂત્રમાં ચોક્કસ સમન્વયાત્મક દૃષ્ટિકોણ જોવા મળે છે. આધુનિક બ્રહ્મસૂત્ર પાઠના રચયિતાની વૈચારિક પરંપરામાં મતભિન્નતા કરતાં મતસામ્ય કે મતસમન્વય પ્રસ્થાપિત કરવાનું સહજ રીતે જણાઈ આવે છે.

બ્રહ્મસૂત્રમાં શ્રુતિવાક્યોની બ્રહ્મપરક મીમાંસા હોવાથી તેને ઉત્તરમીમાંસા કે વેદાન્તમીમાંસા કહેવામાં આવે છે. વેદવ્યાસે રચ્યું હોવાથી તે વ્યાસસૂત્ર કહેવાય છે. અંતિમ આશ્રમ સંન્યાસ સાથે સંકળાયેલું હોવાથી ભિક્ષુસૂત્ર પણ કહેવાય છે. શંકરાચાર્ય તેને શારીરક સૂત્ર પણ કહે છે.

આ બ્રહ્મસૂત્રનું કર્તૃત્વ મહાભારત અને પુરાણોના રચયિતા વેદવ્યાસનું માનવામાં આવે છે. વેદવ્યાસ, કૃષ્ણ દ્વૈપાયન વ્યાસ ને બાદરાયણ વ્યાસ એક જ હોવાનું પરંપરામાં માનવામાં આવે છે. શંકરાચાર્ય અને બીજા કેટલાક વિદ્વાનો વ્યાસ અને બાદરાયણને ભિન્ન માને છે. કોઈ કૃષ્ણ દ્વૈપાયનને તો કોઈ બાદરાયણને બ્રહ્મસૂત્રના કર્તા માને છે. બ્રહ્મસૂત્રમાં બાદરાયણનો ઉલ્લેખ છે પણ વ્યાસનું નામ મળતું નથી; પણ કેટલાક વ્યાસનું બીજું નામ બાદરાયણ ગણે છે. ડૉ. રામકૃષ્ણ વ્યાસ બંનેને ભિન્ન માને છે, પણ ડૉ. આર. એસ. ત્રિપાઠી બંનેને એક માને છે. પારાશર્ય વ્યાસ નામ તૈત્તિરીય આરણ્યકમાં આવે છે. પાણિનીય સૂત્રમાં વ્યાસનો ઉલ્લેખ છે. ભિક્ષુસૂત્ર એ વેદાંતસૂત્ર છે. આજે માત્ર બાદરાયણ વ્યાસનું જ બ્રહ્મસૂત્ર ઉપલબ્ધ છે.

બ્રહ્મસૂત્ર સૂત્રપદ્ધતિએ લખાયેલો ગ્રંથ છે. અતિસંક્ષિપ્ત, સંદેહ વિનાનું નિરૂપણ, સારવત્ સર્વતોમુખી વિષયવિન્યાસ  એ તેની વિશેષતા છે.

સૂત્રગ્રંથોમાં સૂત્રોને અધ્યાય અને પાદમાં વહેંચવામાં આવતાં હતાં. પાદનું અધિકરણમાં વિભાજન થતું હતું. અધિકરણમાં વિષય, તેને લગતો સંશય, તે અંગે પૂર્વપક્ષનું મંતવ્ય, તેની સાથે સિદ્ધાન્તનું મંતવ્ય, અધિકરણનું પ્રયોજન અને પૂર્વ-અધિકરણ સાથે તેની સંગતિ આ મુદ્દાઓની ચર્ચા પરંપરાગત રીતે પ્રત્યેક અધિકરણમાં સ્વીકારવામાં આવે છે. અધિકરણમાં એક કે અનેક સૂત્રો હોઈ શકે. અધિકરણનો પૂર્વપક્ષ કોઈક વાર એક સૂત્રથી તો કોઈક વાર અનેક સૂત્રથી પોતાનો પક્ષ આપે. કેટલાંક અધિકરણોમાં માત્ર સિદ્ધાંતસૂત્રો પણ હોય છે.

આ સૂત્રગ્રંથમાં બાદરાયણાચાર્યે વેદના જ્ઞાનકાંડ અર્થાત્ ઉપનિષદોના વેદાન્તસિદ્ધાંતની મીમાંસા કરેલી છે. સામાન્ય રીતે એમ જણાય છે કે સૂત્રકારે પ્રથમ બે અધ્યાયમાં તત્વવર્ણન કર્યું છે. પ્રથમ અધ્યાયમાં ગ્રંથના પ્રતિપાદ્ય બ્રહ્મતત્વ અંગેનાં શ્રુતિવાક્યોનો સમન્વય દર્શાવ્યો છે. બીજા અધ્યાયમાં એ સમન્વયને દૃઢ કરવા વિવિધ મતવાદો સાથે આવતા તેના વિરોધનું શમન કરી બ્રહ્મ સમન્વય સાધવા સ્મૃતિ અને યુક્તિ દ્વારા વિરોધનો પરિહાર કરીને તે વાક્યોમાં અવિરોધ સિદ્ધ કર્યો છે. આ રીતે પ્રથમ બે અધ્યાયમાં શ્રુતિ, સ્મૃતિ અને યુક્તિ દ્વારા સ્વપક્ષનું સ્થાપન અને પરપક્ષનું નિરસન કરી તત્વ-નિરૂપણ કર્યું છે. પછી ત્રીજા અધ્યાયમાં બ્રહ્મતત્વના સાક્ષાત્કાર માટેનાં સાધનને લગતાં શ્રુતિવાક્યોની વિચારણા કરી છે. ચોથા અધ્યાયમાં બ્રહ્મજ્ઞાનના સ્વરૂપ અને બ્રહ્મજ્ઞાનીને પ્રાપ્ત થતા ફળની વિચારણા કરી છે. આ રીતે ચારેય અધ્યાયમાં અનુક્રમે સમન્વય, અવિરોધ, સાધન અને ફળની વિચારણા થઈ છે. આ વિશે ભાષ્યકારો વચ્ચે કોઈ મતભેદ જણાતો નથી. સાથે સાથે પ્રત્યેક પાદનો આરંભ અને અંત કયા સૂત્રથી થાય છે એ વિશે પણ ભાષ્યકારોમાં મતભેદ જોવા મળતો નથી.

આમ છતાં આચાર્યોમાં બ્રહ્મસૂત્રના વિવિધ અર્થઘટન દ્વારા પોતપોતાના અભિમત સિદ્ધાન્તનું બ્રહ્મસૂત્રમાં નિરૂપણ સિદ્ધ કરે છે. પ્રત્યેક પાદના પ્રતિપાદ્ય વિષય અંગે પણ મતભેદ જોવા મળે છે. સૂત્રના વિભાજનમાં પણ આચાર્યો ઘણી વાર જુદા પડે છે. કોઈ એક જ સૂત્ર ગણે છે તો કોઈ સૂત્રવિભાગ કરી બે સૂત્ર માને છે. પદોનો પદચ્છેદ, વિભક્તિ વગેરે કારણે પણ આચાર્યોમાં મતભેદ જોવા મળે છે. શંકરાચાર્યના મતે 555 સૂત્રો અને 191 અધિકરણો છે. ભાસ્કરાચાર્ય 541 સૂત્રો અને 189 અધિકરણ માને છે. રામાનુજાચાર્ય 545 સૂત્રો અને 157 અધિકરણ માને છે. નિમ્બાર્કાચાર્ય 549 સૂત્રો અને 135 અધિકરણ ગણે છે. મધ્વાચાર્ય 564 સૂત્રો, 223 અધિકરણ સ્વીકારે છે. વલ્લભાચાર્ય 554 સૂત્રો અને 160 અધિકરણ ગણે છે. વિજ્ઞાનભિક્ષુના મતે 555 સૂત્રો છે. તેમણે અધિકરણ વિશે ચોક્કસ ગણતરી બતાવી નથી.

સૂત્રકાર વેદ વિશે નિર્દેશ કરવા आमनन, आम्नान, उपनिषद, दर्शन, निगद, निगम, प्रत्यक्ष, मंगलवर्ण અને शास्त्र જેવાં નામ બધે પ્રયોજે છે. अस्ति, अधीयते, आमनन्ति જેવાં ક્રિયાપદો અને કૃદંતો પ્રયોજ્યાં છે. શાખા વચ્ચે મતભેદ માટે उभये, एके, एकेषाम्, उतरेषाम् જેવાં પદો વાપરેલ. કેટલીક વાર ખૂબ જ મહત્વનું કે સૂચક પદ, મૂળના શબ્દને બદલે પર્યાય કે વ્યાખ્યાત્મક પદ પ્રયોજ્યું છે. વિરુદ્ધ દર્શનના મતો માટે તે તે દર્શનનાં પારિભાષિક પદો પ્રયોજ્યાં છે. સૂત્રકાર આ ઉપરથી તેમના યુગના પ્રચલિત દાર્શનિક વાદવિવાદનાં, તેની પદ્ધતિનાં તાર્કિક, નૈતિક અને આધ્યાત્મિક પાસાંઓના સંપૂર્ણ જ્ઞાતા હતા. તેઓ બ્રહ્મસૂત્રમાં વાદપદ્ધતિ અપનાવે છે. અનેક વિકલ્પો આપી અનવસ્થા દર્શાવી તે સિદ્ધાંતને અનુપપન્ન સિદ્ધ કરે છે. બૌદ્ધ તાર્કિકોની પણ આ જ પદ્ધતિ હતી. આ સાથે હેત્વાભાસો દર્શાવી પ્રસ્તુત અર્થનું પ્રયોજન સિદ્ધ કરી પ્રતિસ્પર્ધીને પરાસ્ત કરવામાં આવતો હતો.

બ્રહ્મસૂત્રના દાર્શનિક સિદ્ધાન્તોના સમકાલીન મુખ્ય પાઠ આચાર્યોએ સ્વીકાર્યા હતા. આમાં આત્રેય, આશ્મરથ્ય, ઔડુલોમિ, જૈમિનિ, કાર્ષ્ણાજનિ, કાશકૃત્સ્ન, બાદરિ અને બાદરાયણ છે. મતભેદના પ્રસંગોએ તેમનો ઉલ્લેખ અહીં થયેલો છે.

વૈશ્વાનર, પ્રાદેશ માત્ર જેવાં પદો, દેવોને બ્રહ્મનું જ્ઞાન, જ્ઞાનનો વર્ણ્ય વિષય, બ્રહ્મજ્ઞાનને લગતાં શ્રુતિવાક્યો, કર્મબોધક શ્રુતિવાક્યો, યજ્ઞ, દાન, તપ સદાચરણના પાયા, કર્મફળ, કલ્પાંતે જ્ઞાનીનો વિલય, ઇચ્છાસિદ્ધિ, જ્ઞાતવ્ય આત્મા, ઉપાસના ગૃહસ્થે કરવાની કે પુરોહિતે, જીવાત્મા પરમાત્મા, અમાનુષ પુરુષ, કામ્ય કર્મો, જીવન્મુક્ત, બ્રહ્મનું સર્વજ્ઞત્વ વગેરે બ્રહ્મસૂત્રમાં ચર્ચાના વિષયો છે.

બોધાયન, શબરસ્વામી, ઉપવર્ષ, ટંક, દ્રમિડ, ગુહદેવ, કપર્દિન, ભારુચિ ભર્તૃપ્રપંચ, બ્રહ્મ નંદી, ભર્તૃહરિ, સુંદર પાંડવ, દ્રવિડાચાર્ય, બ્રહ્મદત્ત વગેરે શંકરાચાર્યની પૂર્વે થયેલા બ્રહ્મસૂત્રના ભાષ્યકારો મનાય છે. આમ છતાં કેટલાક પૂર્વ સૂરીઓ વિશે શંકા કરાય છે.

ઈ. સ. આઠમી સદીના શ્રી શંકરાચાર્યનો કેવલાદ્વૈત, ઈ. સ. 840થી 940ના ભાસ્કરાચાર્યનો ઔપાધિક ભેદાભેદવાદ કે સત્યોપાધિવાદ ઈ. સ. 1017થી 1137ના શ્રી રામાનુજાચાર્યનો વિશિષ્ટાદ્વૈતવાદ, નિમ્બાર્કાચાર્યનો દ્વૈતાદ્વૈતવાદ, મધ્વાચાર્યનો દ્વૈતવાદ, શ્રીકંઠ અને શ્રીપતિનો શૈવ વિશિષ્ટાદ્વૈતવાદ, શ્રી વલ્લભાચાર્ય(ઈ. સ. 1472)નો શુદ્ધાદ્વૈતવાદ વગેરે બ્રહ્મસૂત્ર ઉપરથી અસ્તિત્વમાં આવેલી વિવિધ દાર્શનિક પરંપરાઓ છે.

શ્રી શંકરાચાર્યનું ‘શારીરક ભાષ્ય’, શ્રી રામાનુજાચાર્યનું ‘શ્રીભાષ્ય’, નિમ્બાર્કાચાર્યનું ‘વેદાન્તપારિજાત સૌરભ’, મધ્વાચાર્યનું ‘પૂર્ણપ્રજ્ઞ ભાષ્ય’, શ્રીપતિ પંડિતનું ‘શ્રીકર ભાષ્ય’, શ્રી વલ્લાભાચાર્યનું ‘અણુભાષ્ય’ નામે બ્રહ્મસૂત્રના ભાષ્યગ્રંથો ઓળખાય છે.

પાશ્ચાત્ય વિદ્વાનોમાં કોલબ્રૂક, થીબો, ગફ, કર્નલ જેકબ, પોલ ડોયસન અને આધુનિક ભારતીય વિદ્વાનોમાં કે. સુંદરરાય ઐયર, વી. એસ. ઘાટે, એમ. ટી. તેલવાલા, એસ. કે. બેલવેલકર, શ્રીશ ચંદ્ર વિદ્યાર્ણવ, સ્વામી વીરેશ્વરાનંદ, સ્વામી ચિદઘનાનંદ પુરી, ડૉ. પી. એમ. મોદી, એસ. રાધાકૃષ્ણન્, રામકૃષ્ણ આચાર્ય, બી. એન. કે. શર્મા, રામશરણ ત્રિપાઠી વગેરેનાં નામ નોંધપાત્ર છે.

બ્રહ્મસૂત્ર બુદ્ધની પૂર્વે મૂકી શકાય. ભગવદગીતા – મહાભારતનો ઉલ્લેખ અને પાણિનિએ કરેલો ઉલ્લેખ જોતાં પ્રાચીન ગણાય. પાશ્ચાત્ય વિજ્ઞાનોએ બ્રહ્મસૂત્રના રચનાકાર વિશે વિભિન્ન મંતવ્યો દર્શાવ્યાં છે. યાકોબી ઈ. સ. 250થી 450, એ. બી. કીથ ઈ. સ. 200, ફ્રેજર ઈ. પૂ. 400, મેક્સમૂલર ઈ. પૂ. 350 ગણાવે છે. આમ ઉપલબ્ધ બ્રહ્મસૂત્ર એક પ્રાચીન બ્રહ્મજ્ઞાનવિષયક સૂત્રગ્રંથ છે.

દશરથલાલ ગૌરીશંકર વેદિયા