ફોરિયે, ઝ્યાં બૅપ્ટિસ્ટે (જ. 21 માર્ચ 1768; અ. 16 મે 1830, પૅરિસ) : ફ્રેંચ ગણિતશાસ્ત્રી. ઇજિપ્ત વિશે સારા જાણકાર અને કુશળ વહીવટદાર. તેમણે ઘન પદાર્થોમાં થતા ઉષ્ણતાવહનનું અનંત ગાણિતિક શ્રેઢીઓના સ્વરૂપમાં વિશ્લેષણ કર્યું, જે ફોરિયે શ્રેઢીઓ (Fourier series) તરીકે ઓળખાય છે. તેમના કાર્યે ગાણિતિક ભૌતિકશાસ્ત્ર અને ઉષ્માના વૈશ્લેષિક સિદ્ધાંતોના સંશોધનને ભારે વેગ આપ્યો. તેમણે બેનિડિક્ટ સંપ્રદાયના સાધુઓ દ્વારા ચાલતી સ્થાનિક સૈનિકશાળામાં અભ્યાસ કર્યો હતો, અને તે જ શાળામાં શિક્ષક થયા હતા.
પૅરિસમાં 1794માં ઇકોલ નોરમાલી પૉલિટૅકનિકની સ્થાપના થઈ ત્યારે તે સંસ્થાના તે અગ્રણી વિદ્યાર્થી હતા, પાછળથી ત્યાં તે શિક્ષક પણ થયા. ઇકોલ પૉલિટૅકનિકમાં ગેસ્પાર્ડ મૉન્ગે અને અન્ય ગણિતશાસ્ત્રીઓના સહકાર્યકર બન્યા. વળી નેપોલિયનના ઇજિપ્તના પ્રવાસ દરમિયાન 1798માં મૉન્ગે અને અન્ય ગણિતશાસ્ત્રીઓ સાથે તેઓ જોડાયા હતા. 1801 સુધી તેમણે ઇજિપ્તના પુરાતત્વ ઉપર સંશોધનકાર્ય કર્યું. ઇજનેરી અને રાજકીય સમસ્યાઓ વિશે સલાહકાર તરીકે પણ તેમણે કામ કર્યું. નેપોલિયને કેરોમાં સ્થાપેલા દ’ ઇજિપ્ત નામની સંસ્થામાં મંત્રી તરીકે કામ કર્યું અને ઇજિપ્ત અંગેનું સાહિત્ય વિપુલ પ્રમાણમાં પ્રસિદ્ધ કર્યું.
રાષ્ટ્રીય સરકારના વહીવટદાર તરીકે તેમણે 1802થી 1814 સુધી કામ કર્યું. ઇજિપ્ત અંગેના પુરાતત્વવિદ્ ઉપરાંત ગણિતનું સંશોધન કરતાં કરતાં કળણવાળી જમીનમાં ગટર નાંખવાના કાર્યમાં માર્ગદર્શન આપવાનું અને તેની વ્યવસ્થા કરવાનું કામ વહીવટી દક્ષતાથી કર્યું.
1809માં નેપોલિયને તેમને ઉમરાવ બનાવ્યા. 1815માં નેપોલિયનના પતન બાદ તેમને સીનની આંકડાશાસ્ત્રીય માહિતી કચેરીના નિયામક નીમવામાં આવ્યા, જેથી પૅરિસમાં શાંત વિદ્યાકીય વાતાવરણમાં જીવન વ્યતીત કરી શક્યા. 1817માં વિદ્યાકીય અકાદમીમાં ચૂંટવામાં આવ્યા. 1822માં તેઓ સંસ્થાના મંત્રી બન્યા. 1826માં મેડિસિન અકાદમીમાં ચૂંટાયા.
ગણિતમાં ફોરિયેનું મુખ્ય પ્રદાન ફોરિયે શ્રેઢી છે. ગણિતનાં કેટલાંક મહત્વનાં વિધેયોને સાઇન અને કોસાઇનનાં પદોની શ્રેઢીમાં વ્યક્ત કરવામાં આવે તેને ફોરિયે શ્રેઢી કહે છે.
શિવપ્રસાદ મ. જાની