ફૉન્ડા, હેન્રી (જ. 16 મે 1905, ગ્રાન્ડ આઇલૅન્ડ; અ. 1982) : રંગમંચ અને ચલચિત્રોના ઑસ્કર ઍવૉર્ડ વિજેતા અભિનેતા. પિતાએ ઓમાહામાં છાપખાનું શરૂ કર્યું હોઈ હેન્રીને પત્રકાર બનવું હતું. મિનેસોટા યુનિવર્સિટીમાં પત્રકારત્વનો મુખ્ય વિષય રાખીને તેમણે અભ્યાસ શરૂ કર્યો હતો, પણ બે જ વર્ષમાં અભ્યાસ પડતો મૂકીને એક ઑફિસમાં નાનકડી નોકરી કરવા માંડી. 1925માં તેમને એક નાટકમાં ભૂમિકા મળી. નોકરી છોડીને તેઓ એ નાટક કંપની સાથે ત્રણ વર્ષ રહ્યા. એ પછી પ્રતિભાશાળી નવોદિતોના એક જૂથમાં જોડાયા. આ જૂથમાંથી માર્ગારેટ સુલિવાન અને જેમ્સ સ્ટુઅર્ટ જેવા કલાકારોએ સમય જતાં હોલિવુડમાં નામના મેળવી હતી.
નાટકોમાં માર્ગારેટ સુલિવાન સાથે હેન્રીની જોડી જામી હતી. બ્રૉડવેમાં પણ બંનેને સાથે કામ મળવા માંડ્યું. 1931માં બંનેએ લગ્ન કરી લીધાં, પણ 1933માં છૂટાછેડા લઈ લીધા. 1934માં હેન્રીએ હોલિવુડમાં પ્રવેશ કર્યો. એક પછી એક સુંદર ચિત્રો મળતાં એ દસકો પૂરો થતાં સુધીમાં તો તેમને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ મળી ગઈ. 1936માં ફ્રાન્સેસ સિમોર બ્રોકો સાથે લગ્ન કર્યું. તેમને બે સંતાનો થયાં – જેન અને પીટર. આ બંને ઉપરાંત પીટરની દીકરી બ્રિજિતે પણ સમય જતાં હોલિવુડમાં ખ્યાતિ મેળવી.
બીજા વિશ્વયુદ્ધ દરમિયાન 1942માં હેન્રી ફૉન્ડા અમેરિકન નૌકાદળમાં જોડાયા. એ વર્ષો દરમિયાન ચિત્રજગતથી દૂર રહ્યા, પણ નૌકાદળમાં એવી કામગીરી બજાવી કે તેમને કાંસ્યચંદ્રક તથા અમેરિકાના રાષ્ટ્રપતિનો પ્રશસ્તિપત્ર મળ્યાં.
યુદ્ધમાંથી પરત આવ્યા બાદ હેન્રીએ ચલચિત્રો અને નાટકોમાં અભિનય શરૂ કર્યો. ‘માય ડાર્લિંગ ક્લેમેન્ટાઇન’ અને ‘ધ ફ્યુજિટિવ’ જેવાં ચિત્રો તથા ‘મિસ્ટર રૉબટર્સ’ જેવા બ્રૉડવેના નાટકે તેમને ફરી વાર આંતરરાષ્ટ્રીય ખ્યાતિ અપાવી. દરમિયાન સાંસારિક સમસ્યાઓને કારણે માનસિક રીતે પડી ભાંગેલી તેમની પત્નીએ 1950માં આપઘાત કર્યો હતો. કાળાંતરે હેન્રી ફૉન્ડાએ બીજાં ત્રણ લગ્ન કર્યાં. ચિત્રો અને નાટકો બંનેમાં તેમણે ધ્યાન કેન્દ્રિત કર્યું. ‘ધ ડેપ્યુટી’ (’59–’61) અને ‘ધ સ્મિથ ફૅમિલી’ (’71–’72) નામની ટીવી શ્રેણીઓમાં પણ તેમણે અભિનય કર્યો. જીવનના અંતિમ દિવસોમાં પણ તેઓ અભિનયક્ષેત્રે સક્રિય રહ્યા. તેમના અંતિમ ચિત્ર ‘ઑન ગોલ્ડન પૉન્ડ’ના નિર્માણ દરમિયાન તેઓ સતત બીમાર હતા. ચલચિત્રોમાં અભિનયક્ષેત્રે જીવનભરના વિશિષ્ટ પ્રદાન બદલ 1980માં તેમને ઑસ્કર ઍવૉર્ડ એનાયત કરાયો હતો એ પછીના જ વર્ષે 1981માં ‘ઑન ગોલ્ડન પૉન્ડ’માં શ્રેષ્ઠ અભિનેતાનો ઑસ્કર ઍવૉર્ડ તેમને મળ્યો હતો. તે પૂર્વે 1978માં અમેરિકન ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટે તેમને ‘લાઇફટાઇમ એચિવમેન્ટ એવૉર્ડ’ આપ્યો હતો.
તેમનાં નોંધપાત્ર ચિત્રો છે : ‘ધ ટ્રેઇલ ઑવ્ ધ લોનસમ પાઇન’ (’36), ‘યુ ઓન્લી લિવ વન્સ’ (’37), ‘ધ સ્ટોરી ઑવ્ ઍલેક્ઝાન્ડર ગ્રેહામ બેલ’ (’39), ‘ધ ગ્રેપ્સ ઑવ્ રૉથ’ (’40), ‘માય ડાર્લિંગ ક્લેમેન્ટાઇન’ (’47), ‘વૉર ઍન્ડ પીસ’ (’56), ‘ધ મૅન હૂ અન્ડરસ્ટુડ વિમૅન’ (’59), ‘હાઉ ધ વેસ્ટ વૉઝ વન’ (’62), ‘બૅટલ ઑવ્ ધ બલ્જ’ (’65), ‘વન્સ અપૉન અ ટાઇમ ઇન ધ વેસ્ટ’ (’69), ‘ઑન ગોલ્ડન પૉન્ડ’ (’81).
હરસુખ થાનકી