ફેલ્પ્સ, માઇકેલ (જ. 30 જૂન 1985, મેરીલૅન્ડ રાજ્યનું બાલ્ટિમોર નગર, અમેરિકા) : અમેરિકાના વતની. વિશ્વવિખ્યાત તરણવીર. તેણે વર્ષ 2008માં ચીનના પાટનગર બેજિંગમાં આયોજિત ઑલિમ્પિક તરણ-સ્પર્ધાઓમાં સળંગ 8 સુવર્ણચંદ્રકો પ્રાપ્ત કરીને અને તે દરેકમાં નવા વિશ્વવિક્રમો પ્રસ્થાપિત કરીને રમતગમતના ઇતિહાસમાં એક નવો અધ્યાય જોડ્યો છે. ‘બાલ્ટિમોર બુલેટ’ના હુલામણા નામથી ઓળખાતા આ રમતવીરનું આખું નામ માઇકેલ ફ્રેડ ફેલ્પ્સ છે. તે તરણમાં બટરફ્લાય, વ્યક્તિગત મેડલે રેસ, ફ્રીસ્ટાઇલ અને બૅકસ્ટ્રોકમાં નિપુણતા ધરાવે છે. કોઈ એક જ ઑલિમ્પિક સ્પર્ધામાં તરણની રમતમાં કુલ આઠ સુવર્ણચંદ્રકો મેળવવાનો વિક્રમ તેણે વર્ષ 2008માં બેજિંગ રમતોત્સવમાં પ્રસ્થાપિત કર્યો છે અને તે દ્વારા તેણે 1972ની ઑલિમ્પિક તરણ-સ્પર્ધાઓમાં સાત સુવર્ણચંદ્રકો મેળવવાનો માર્ક સ્પિટ્ઝ દ્વારા પ્રસ્થાપિત વિક્રમ વટાવ્યો છે. વર્ષ 2008 સુધી માઇકેલે 16 ચંદ્રકો : વર્ષ 2004માં ઍથેન્સ ખાતે રમાયેલી ઑલિમ્પિક સ્પર્ધાઓમાં છ સુવર્ણચંદ્રકો અને બે કાંસ્ય ચંદ્રકો અને વર્ષ 2008માં બેજિંગ ખાતેની ઑલિમ્પિક સ્પર્ધાઓમાં આઠ સુવર્ણચંદ્રકો મેળવ્યા છે. ખૂબીની વાત એ છે કે બેજિંગ ખાતેની ઑલિમ્પિક સ્પર્ધાઓમાં તેણે મેળવેલ દરેક સુવર્ણચંદ્રક સાથે તેણે જે તે રમતપ્રકારમાં નવા વિક્રમો પ્રસ્થાપિત કર્યા છે. આ વિશિષ્ટ સિદ્ધિ મેળવતાની સાથે તેણે સોવિયેત વ્યાયામ વીર ઍલેકઝાંડર ડિટ્યાટિને 1980માં એક જ ઑલિમ્પિકમાં પણ વિવિધ રમતોમાં પ્રસ્થાપિત કરેલ આઠ સુવર્ણચંદ્રકો મેળવવાના ઑલિમ્પિક વિક્રમો વટાવ્યા છે; પરંતુ ડિટ્યાટિને વિવિધ રમતોમાં આઠ ચંદ્રકો મેળવ્યા હતા જ્યારે માઇકેલ ફેલ્પ્સે એક જ રમતમાં (તરણમાં) વર્ષ 2004માં આઠ ચંદ્રકો અને વર્ષ 2008માં પણ આઠ ચંદ્રકો હાંસલ કર્યા છે; જેમાંથી વર્ષ 2008ના ચંદ્રકો સોનાના છે. તેમાંથી પણ પાંચ સુવર્ણચંદ્રકો વ્યક્તિગત સ્પર્ધાઓમાં પ્રાપ્ત કર્યા છે. તે અગાઉ 1980માં ઑલિમ્પિક સ્પર્ધાઓમાં પાંચ વ્યક્તિગત સુવર્ણચંદ્રકો મેળવાનો વિક્રમ એસ્કિ હેડને પ્રસ્થાપિત કર્યો હતો જેની બરાબરી 2008માં માઇકેલ ફેલ્પ્સે કરી છે. વધારેમાં વધારે કુલ ચંદ્રકો મેળવવાનો હાલનો વિક્રમ સોવિયેત રમતવીર લૅરિસ્સા લૅરિનિના ધરાવે છે (18 ચંદ્રકો), જ્યારે માઇકેલ ફેલ્પ્સ 16 ચંદ્રકો સાથે બીજા સ્થાને છે.
માઇકેલ ફેલ્પ્સને વર્ષ 2003, 2004, 2006 અને 2007માં ‘વિશ્વ તરણપટુ’(World Swimmer of the Award)ના ઍવૉર્ડથી નવાજવામાં આવ્યા હતા. તેમજ વર્ષ 2001, 2002, 2003, 2004, 2006 અને 2007માં ‘અમેરિકન સ્વિમર ઑવ્ ધ યર્’ના ઍવૉર્ડ્ઝથી પણ સન્માનવામાં આવ્યા હતા. અત્યાર સુધી માઇકેલે જુદી જુદી તરણસ્પર્ધાઓમાં કુલ 40 સુવર્ણચંદ્રકો, 6 રજતચંદ્રકો અને 2 કાંસ્યપદકો – આમ કુલ 48 ચંદ્રકો મેળવ્યા છે. આ 48 ચંદ્રકો તેણે ઑલિમ્પિક રમતો, વિશ્વવિજેતા રમતો (world champions) અને પાન પૅસેફિક ચૅમ્પિયનશિપ્સમાં મેળવ્યા છે.
વર્ષ 2003માં માઇકેલે ટાઉસન હાઈસ્કૂલમાંથી સ્નાતકની પદવી મેળવી હતી. તેના પિતા ફ્રેડ મેરિલૅન્ડ રાજ્યના પોલીસખાતામાં નોકરી કરે છે અને તેની માતા ડેબ્બી ડેવિસન ફેલ્પ્સ એક માધ્યમિક શાળામાં પ્રિન્સિપાલના પદ પર કામ કરે છે. માઇકેલ તેના અંગત વર્તુળમાં ‘એમ.પી.’ આ ટૂંકાક્ષરી નામથી ઓળખાય છે. તેણે સાત વર્ષની વયે તરવાનો પ્રારંભ કર્યો હતો અને દસ વર્ષની વયે તે તેના વયજૂથમાં રાષ્ટ્રીય વિક્રમ ધરાવતો હતો. વર્ષ 2000માં સિડની ખાતે આયોજિત ઑલિમ્પિક રમતો માટે તેની સર્વપ્રથમ વાર પસંદગી થઈ હતી. વર્ષ 2004–2008 દરમિયાન તે મિશિગન યુનિવર્સિટીમાં સ્પૉર્ટ્સ માર્કેટિંગ ઍન્ડ મૅનેજમેન્ટના અભ્યાસક્રમમાં વ્યસ્ત હતો. સિડની ઑલિમ્પિક પછી લગભગ તરત જ માઇકેલે 200 મીટર બટરફ્લાયમાં નવો વિક્રમ પ્રસ્થાપિત કર્યો હતો. આ વિક્રમ તેમણે નાનામાં નાની ઉંમરે (15 વર્ષ અને 9 માસ) પ્રસ્થાપિત કરવાનું બહુમાન મેળવ્યું હતું. ત્યાર બાદ જાપાનના ફુકુકા ખાતે આયોજિત વિશ્વ ચૅમ્પિયન તરણસ્પર્ધામાં તેણે પોતાનો જ ઉપર દર્શાવેલ વિક્રમ વટાવ્યો હતો. વર્ષ 2002માં તેણે ફૉર્ટ લૉડરડેલ ખાતે આયોજિત રાષ્ટ્રીય સ્તરની ચૅમ્પિયન સ્પર્ધામાં 400 મીટર વ્યક્તિગત તરણ રમતસ્પર્ધામાં નવો વિક્રમ પ્રસ્થાપિત કર્યો હતો. વર્ષ 2003માં 400 મીટર વ્યક્તિગત તરણસ્પર્ધામાં તેણે અગાઉ પોતે જ પ્રસ્થાપિત કરેલો વિક્રમ તોડ્યો હતો તથા તે જ વર્ષના જૂન માસમાં 200 મિટર વ્યક્તિગત સ્પર્ધાનો વિશ્વવિક્રમ તોડ્યો હતો. વર્ષ 2004ના ઑલિમ્પિક રમતોત્સવ માટેની અમેરિકન તરવૈયાઓની પસંદગીની કસોટી દરમિયાન તેણે તે વખત સુધીનો વિશ્વવિક્રમ વટાવ્યો હતો.
આ રીતે માઇકેલ ફેલ્પ્સ હવે વર્ષ 2008ના મધ્યમાં વિશ્વ તરવૈયાઓની હારમાં ટોચ પર બિરાજમાન છે.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે