ફેરોસીન (Ferrocene) : ડાઇસાઇક્લોપેન્ટાડાઇનાઇલ આયર્ન (C5H5)2Fe નામના રાસાયણિક સંયોજનનું સામાન્ય નામ. તે કેસરી રંગનો સ્ફટિકમય ગ.બિં. 174° સે.વાળો ઘન પદાર્થ છે. તે પાણીમાં અદ્રાવ્ય પણ બેન્ઝિન, ઇથર અને આલ્કોહૉલમાં દ્રાવ્ય છે. તેમાં આયર્નનું પ્રમાણ 29.4 %થી 30.6 % હોય છે.

આ સંયોજનનું 100° સે.એ ઊર્ધ્વીકરણ થાય છે તથા તે પ્રતિચુંબકીય ગુણ ધરાવે છે. તેની દ્વિધ્રુવ ચાકમાત્રા શૂન્ય છે. તેના બંધારણ મુજબ બે સમાંતર સાઇક્લોપેન્ટાડાઇન વલયોની વચ્ચે આયર્ન(Fe)નો પરમાણુ સૅન્ડવિચ થયેલો છે. (જુઓ નીચેની આકૃતિ.)

ફેરોસીન સૌપ્રથમ 1951માં બે સંશોધનજૂથો દ્વારા સ્વતંત્ર રીતે બે જુદી જુદી રીતો દ્વારા બનાવાયેલું.

એક રીતમાં સાઇક્લોપેન્ટાડાઇનાઇલ મૅગ્નેશિયમ બ્રોમાઇડ(ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક)નું નિર્જળ ફેરિક ક્લૉરાઇડ વડે ઉપચયન કરીને તથા બીજી રીતમાં સાઇક્લોપેન્ટાડાઇનને 300° સે તાપમાને લોહના ભૂકા સાથે નાઇટ્રોજનના વાતાવરણમાં ગરમ કરીને આ સંયોજન મેળવાયું હતું. પ્રયોગશાળામાં સાઇક્લોપેન્ટાડાઇનના સોડિયમ વ્યુત્પન્નને ટેટ્રાહાઇડ્રોફ્યુરાન દ્રાવણમાં લઈ તેના ઉપર નિર્જળ ફેરસ ક્લૉરાઇડની પ્રક્રિયા કરીને ફેરોસીન સહેલાઈથી મેળવી શકાય છે. આ ઉપરાંત સાઇક્લોપેન્ટાડાઇનનું ડાઇઇથાઇલ એમાઇનમાં દ્રાવણ બનાવી નિર્જળ ફેરસ કે ફેરિક ક્લૉરાઇડની પ્રક્રિયા દ્વારા પણ તે મેળવી શકાય છે.

ફેરોસીન ઉષ્મા-સ્થાયી છે તથા કેટલીક રાસાયણિક પ્રક્રિયાઓ પ્રત્યે પણ તે સ્થાયી છે. 470° સે. તાપમાન સુધી તેનું ખંડન થતું નથી. ઊકળતું પાણી, 10% સોડિયમ હાઇડ્રૉક્સાઇડનું ઊકળતું દ્રાવણ, ઊકળતા સાંદ્ર HCl વગેરેની તેના ઉપર અસર થતી નથી. 200° સે. તથા 13.8 મેગાપાસ્કલ (2000 psi) દબાણ સુધી તેનું હાઇડ્રૉજિનેશન થતું નથી. મલેઇક એન્હાઇડ્રાઇડ સાથે પણ તેની કોઈ પ્રક્રિયા થતી નથી.

ફેરોસીન

ફેરોસીનનું ઉપચયન થતાં જળદ્રાવ્ય ત્રિસંયોજક આયર્ન ધનાયન મળે છે.

ફેરોસીનના રસાયણની વિશિષ્ટતા તેનો ઍરોમૅટિક સ્વભાવ છે. તે ફ્રિડલ–ક્રાફ્ટ્સ એસાઇલેશન પ્રક્રિયા દર્શાવે છે. અન્ય ઍરોમૅટિક સંયોજનોની માફક તે ઇલેક્ટ્રૉન-અનુરાગી વિસ્થાપનપ્રક્રિયા દર્શાવે છે. નાઇટ્રેશન જેવી જલદ પ્રક્રિયા પ્રત્યક્ષ કરી શકાતી નથી, પરંતુ અન્ય રીતો દ્વારા તેનું નાઇટ્રેશન કરી શકાય છે. ફેરોસીનનું n–બ્યૂટાઇલ લિથિયમ વડે ધાતુ-સંકલન (metalation) કરીને મોનો તથા બીસ-લિથિયો ફેરોસીન મેળવી શકાય છે. ફેરોસીનની ક્રિયાશીલતા ફિનૉલ અને એનીસોલ વચ્ચેની છે. સૅન્ડવિચ પ્રકારનાં આ સંયોજનો હવે સામાન્ય નામ મેટલોસીન (metallocene) તરીકે ઓળખાય છે.

ફ્યુએલ ઑઇલમાં ફેરોસીન ઉમેરવાથી તેની દહનક્ષમતા વધે છે તથા ધુમાડો ઓછો થાય છે. તે અપસ્ફોટરોધી (antiknock) પદાર્થ તરીકે, ઉદ્દીપક તરીકે, પ્રક્ષેપાસ્ત્રો તથા સેટેલાઇટ ઉપર કોટિંગ કરવા, ઊંચા તાપમાનવાળા સ્નેહક તરીકે તથા ઉચ્ચ તાપમાન-બહુલક માટે મધ્યસ્થ સંયોજન તરીકે અને uv શોષક તરીકે વપરાય છે.

જ. પો. ત્રિવેદી