ફૅરબૅન્ક્સ, ડગ્લાસ

February, 1999

ફૅરબૅન્ક્સ, ડગ્લાસ (જ. 23 મે 1883, ડેનવર, કોલોરાડો; અ. 1939) : અમેરિકન મૂક ચલચિત્રોના અભિનેતા. પિતા ખ્યાતનામ યહૂદી વકીલ, માતા નર્તકી. મૂળ નામ : ડગ્લાસ એલ્ટન ઉલ્માન. પાંચ વર્ષનો હતો ત્યારે માતા-પિતા છૂટાં પડ્યાં. માતાએ ઉછેર કર્યો અને માતાએ પોતાના પ્રથમ પતિની અટક ફૅરબૅન્ક્સ અપનાવતાં તેમના નામ સાથે ફૅરબૅન્ક્સ અટક જોડાઈ. કોલોરાડોની સ્કૂલ ઑવ્ માઇન્સમાં અભ્યાસ કર્યો. એ દરમિયાન નાટકોમાં ભાગ લીધો. 12 વર્ષની ઉંમરે રંગમંચ પર પ્રવેશ કર્યો. 1900માં પરિવાર ન્યૂયૉર્ક આવ્યો. ત્યાં બેએક વર્ષ એક ટૂરિંગ કંપની સાથે રહ્યા બાદ 1902માં પ્રથમ વાર બ્રૉડવેના એક નાટક ‘હર લૉર્ડ ઍન્ડ માસ્ટર’માં કામ મળ્યું.

ડગ્લાસ ફૅરબૅન્ક્સ

બ્રૉડવેમાં તેઓ હજી જાણીતા થયા જ હતા; ત્યાં 1907માં એક ઉદ્યોગપતિની દીકરી એના બેથ સુલી સાથે લગ્ન કરી, નાટકો છોડીને, સસરાની સાથે ધંધામાં જોડાયા; પણ એક જ વર્ષમાં સસરાએ દેવાળું ફૂંકતાં ફરી બ્રૉડવેમાં કામ શરૂ કર્યું. 1909માં પુત્રનો જન્મ થયો જે સમય જતાં ડગ્લાસ ફૅરબૅન્ક્સ જુનિયર નામે જાણીતો અભિનેતા બન્યો.

1910 સુધીમાં ડગ્લાસ ફૅરબૅન્ક્સ બ્રૉડવેના પ્રસિદ્ધ અભિનેતા બની ચૂક્યા હતા. આદર્શ અમેરિકન પુરુષની તેમની છબિ હતી. સારું શરીર-સૌષ્ઠવ, ચહેરા પર બેફિકરાઈ અને પ્રસન્ન વ્યક્તિત્વે તેમને મૂક ફિલ્મોમાં જબ્બર ખ્યાતિ અપાવી. તેમની ખ્યાતિ એવી હતી કે ભારતીય ચિત્રોના અમુક અમુક અભિનેતા પોતાની જાતને ભારતીય ડગ્લાસ ફૅરબૅન્ક્સ તરીકે ઓળખાવતા !

ડગ્લાસ ફૅરબૅન્ક્સે 1915માં હોલિવુડનાં ચિત્રોમાં કામ કરીને એક જ વર્ષમાં પોતાની નિર્માણ-સંસ્થા ડગ્લાસ ફૅરબૅન્ક્સ ફિલ્મ કૉર્પોરેશન શરૂ કરી. પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન ચાર્લી ચૅપ્લિન અને એ જમાનાની ખૂબસૂરત અભિનેત્રી મેરી પિકફૉર્ડ સાથે વ્યવસાય કર્યો. દરમિયાનમાં મેરી પિકફૉર્ડના પ્રેમમાં પડીને પ્રથમ પત્નીને છૂટાછેડા આપી, તેની સાથે લગ્ન કર્યાં. 1919માં બંનેએ ચાર્લી ચૅપ્લિન અને ડી. ડબલ્યૂ. ગ્રિફિથ સાથે મળીને ‘યુનાઇટેડ આર્ટિસ્ટ્સ’ નામની સંસ્થાની સ્થાપના કરી, જે તેમનાં પછી આવનાર તમામ ચિત્રોનું વિતરણ કરવાની હતી.

હાસ્યપ્રધાન ચિત્રો અને સાહસપૂર્ણ ચિત્રોમાં ખૂબ જ સફળ ફૅરબૅન્ક્સનું 1929માં રજૂ થયેલું ચિત્ર ‘ધ ટેમિંગ ઑવ્ ધ શ્રૂ’ નિષ્ફળ ગયું. આ ચિત્રમાં પ્રથમ વાર જ તેમણે પત્ની સાથે કામ કર્યું હતું. આ નિષ્ફળતા સાથે તેમની લોકપ્રિયતામાં ઓટ આવવાની શરૂઆત થઈ અને લગ્નજીવન પણ ભંગાણના આરે પહોંચી ગયું. 1936માં બંનેએ છૂટાછેડા લીધા. બે મહિના પછી તેમણે લેડી સિલ્વિયા એશલે સાથે લગ્ન કર્યાં. 1939માં ઊંઘમાં જ હૃદયરોગના હુમલામાં તેમનું અવસાન થયું. ‘લાફ ઍન્ડ લિવ’ (1917), ‘મેકિંગ લાઇફ વર્થવાઇલ’ (1918), ‘માય સિક્રેટ સક્સેસ’ (1922) અને ‘યુથ પૉઇન્ટ્સ ધ વે’ (1924) – એ તેમણે લખેલાં પુસ્તકો છે.

હરસુખ થાનકી