ફુલેવરના રોગો : ફુલેવર નામની શાકભાજીને થતા ધરુનો સુકારો, કાળો સડો, પાનનાં ટપકાં, ઝાળ, પીંછછારો અને સફેદ ગેરુ જેવા રોગો.
(1) ધરુનો સુકારો : આ રોગ ફુલેવર ઉપરાંત ધરુ ઉછેરી ઉગાડાતા અન્ય પાકોના ધરુવાડિયામાં જોવા મળે છે. જ્યાં ધરુ ઉપર જમીનજન્ય કે બીજજન્ય પરોપજીવી ફૂગ આક્રમણ કરે છે, તેથી ફેર-રોપણી માટે છોડ તૈયાર થાય તે પહેલાં જ ધરુ મૃત્યુ પામે છે. આ વ્યાધિજનકોમાં મુખ્યત્વે પીથિયમ, ફાયટોપથોરા અને ફ્યુઝેરિયમ પ્રજાતિની ફૂગો મુખ્ય છે.
ફુલેવરના ધરુનો કોહવારો બે પ્રકારે જોવા મળે છે. સૌપ્રથમ જમીનજન્ય વ્યાધિજનક ધરુના ઊગતા બીજાંકુરોમાં આક્રમણ કરે છે તેથી જમીનની બહાર નીકળતા પહેલાં જ ચેપ લાગવાથી છોડના અંકુરો મૃત્યુ પામે છે. જ્યારે બીજા પ્રકારમાં ધરુ ઊગીને બહાર નીકળ્યા બાદ તેના કોમળ મૂળ અને જમીન પાસેના થડના ભાગમાં વ્યાધિજનકનું આક્રમણ થવાથી તેની પેશીઓ નબળી પડે છે. પરિણામે ધરુ જમીન ઉપર ઢળી પડી સુકાઈ જાય છે. આ વ્યાધિજનક જમીનમાં પાણી સાથે ફેલાતાં આ રોગ કૂંડાળા આકારમાં આગળ વધે છે.
દર વર્ષે એક જ જમીનમાં ધરુ ઉગાડાતાં હોય ત્યાં આ રોગ દર વર્ષે જોવા મળે છે. આકાશ વાદળછાયું હોય, ઝરમર ઝરમર વરસાદ પડતો હોય તો આવા પર્યાવરણમાં આ રોગની તીવ્રતા વધુ પ્રમાણમાં જણાય છે.
નિયંત્રણ માટેના ઉપાયો : આ રોગના નિયંત્રણ માટે આ પ્રમાણે ઉપાયો થાય છે :
(1) ધરુવાડિયા માટે સારા નિતારવાળી જમીનમાં ગાદી-ક્યારા બનાવી ધરુ ઉછેરવું. (2) સૌપ્રથમ ધરુવાડિયામાં પાકના અવશેષો બાળી જમીનનું નિર્જીવીકરણ કરીને ધરુવાડિયું નાખવું. (3) બીજને 1 કિલોદીઠ 3 ગ્રામ કૅપ્ટાન, થાયરમ, કાર્બનડાઝિમ અથવા રિડોમિલ દવાનો સારી રીતે પટ આપી વાવણી કરવી. (4) ધરુ આઠ કે દસ દિવસનું થાય ત્યારે 0.3 %વાળી તાંબાયુક્ત દવાનો છંટકાવ કરવો. રોગ જણાય તો 10થી 15 દિવસે આ છંટકાવ નિયમિત કરવો જરૂરી છે.
(2) કાળો સડો : બૅક્ટેરિયાને લીધે થતો આ એક સર્વસામાન્ય રોગ છે. ભારતમાં આ રોગ પૌરસ્ત્ય દેશોમાંથી દાખલ થયેલો હોય તેવું માનવામાં આવે છે અને તે ક્રુસિફેરી કુળના બધા પાકોમાં નુકસાન કરે છે. આ રોગની શરૂઆતમાં પાનની નસની બાજુમાં એક પીળું ધાબું પડે છે, જે અંગ્રેજી ‘વી’ આકારમાં પીળા ટપકા સ્વરૂપે આગળ વધે છે. પરિણામે તેની પીળી થયેલી નસો, તેની પેટા નસો ક્રમશ: ભૂખરી થઈ કાળી બને છે. આ નસોના વાહીપુલો મારફતે ચેપ આગળ પર્ણદંડ અને ડાળીમાં દાખલ થઈ તેને કાળો સડો કરે છે. આગળ વધતાં છોડના પાનની ડાળીઓ પણ કાળી થવાથી છોડ મૃત્યુ પામે છે. રોગિષ્ઠ છોડના વાહીપુલો કાળા થયેલા જોવા મળે છે. રોગિષ્ઠ ભાગને કાપવાથી અંદરના ભાગમાં જીવાણુનું ઝરણ જોઈ શકાય છે. નાના છોડમાં આક્રમણ થતાં તે સુકાઈને મૃત્યુ પામે છે, જ્યારે મોટા છોડનું થડ સડવાથી તે પોચો બનીને મૃત્યુ પામે છે. ખેતરમાં રોગનું તીવ્ર આક્રમણ થતાં 50 % જેટલા છોડ મૃત્યુનો ભોગ બને છે.
આ રોગના જીવાણુઓ જમીનમાં રોગિષ્ઠ છોડના સડેલા અવશેષોમાં જીવતા રહે છે, જ્યારે તેનો ફેલાવો રોગિષ્ઠ છોડ ઉપરના બીજ મારફતે થાય છે. બીજનું સ્ફુરણ થતાં તેની ઉપરના તેમજ જમીનમાંના પાકના અવશેષોમાં રહેલા જીવાણુઓ સક્રિય બની ચેપ બીજ-અંકુરમાં જખમો કે કુદરતી છિદ્રો દ્વારા દાખલ થઈ નસોમાં પ્રવેશ કરે છે અને તે પછી છોડના બધા ભાગોમાં પ્રસરવાથી રોગ આગળ ફેલાય છે. પિયત, પવન, વરસાદ અને ખેતીનાં સાધનો મારફતે પણ આ ચેપ ફેલાય છે.
આ રોગના નિયંત્રણ માટે આ પ્રમાણે ઉપાયો થાય છે : (1) 0.1 %વાળા મર્ક્યુરી ક્લૉરાઇડના દ્રાવણમાં બીજને 30 મિનિટ બોળી, વાવણી કરવાથી બીજની સપાટી પરના જીવાણુઓ નાશ પામે છે. બીજને 30 મિનિટ સુધી 50° સે. ગરમ પાણીમાં બોળવાથી બીજની અંદર અને બહારના ચેપી જીવાણુઓ નાશ પામે છે. (2) પાકની ફેરબદલી કરવી, ક્રુસિફેરી કુળના પાકો ત્રણ વર્ષ સુધી રોગવાળા ખેતર કે નર્સરીમાં ઉગાડવા નહિ (3) જમીનમાં જીવાણુનાશક દવા રેડવાથી રોગની માત્રા ઘટાડી શકાય છે.
(3) પાનનાં ટપકાં અને ઝાળ રોગ : આ રોગમાં અલ્ટરનેરિયા નામની ફૂગ પાન ઉપર ટપકાં કે ઝાળ રોગ કરે છે. પાન પર ફૂગનું આક્રમણ થતાં તેના પર પાણીપોચા જખમો થાય છે, જે વૃદ્ધિ પામી પીળું ધાબું કરે છે. ક્રમશ: આ આક્રમિત પેશીઓ ભૂખરી કાળી પડી, પાન ઉપર ટપકાં કરે છે. આ ટપકાંની વૃદ્ધિ ગોળ ઘાટા ભૂખરા અને આછા ભૂખરા રંગવાળા અનેક ગોળાકાર ભાગો સાથે આગળ વધે છે. આવાં ટપકાંઓ વૃદ્ધિ પામી એકબીજાં સાથે મળી જતાં પાનનો ઝાળ કે સુકારો કરે છે. આવાં ઘાટાં ભૂખરાં કે કાળાં ઝાળવાળાં સુકાયેલાં પાન સમય જતાં ખરી પડે છે.
જમીનમાં રહેલા રોગના અવશેષોમાંથી બીજ-અંકુરને ચેપ લાગે છે. તદુપરાંત આક્રમણવાળાં ટપકાંમાં ફૂગના પેદા થયેલ બીજાણુઓ પવન મારફતે ફેલાતાં તંદુરસ્ત ફુલેવરને તેનો ચેપ લાગે છે.
આ રોગના નિયંત્રણ માટે આ પ્રમાણે ઉપાયો થાય છે : (1) રોગમુક્ત વિસ્તારમાંથી બીજ મેળવી તેને પારાયુક્ત ફૂગનાશક દવાનો પટ આપી વાવણી કરવી અને (2) ખેતરમાં રોગ જણાય ત્યારે મૅન્કોઝેબ ફૂગનાશક દવાનો છંટકાવ કરવો.
(4) પીંછછારો : આ રોગ પેરોનોસ્પોરા પેરાસિટિકા નામની ફૂગથી થાય છે. આ વ્યાધિજનક છોડનાં કુમળાં પાનની ઉપરની સપાટી ઉપર જખમો કરી ત્યાં ઝાંખાં પીળાં ધાબાં કરે છે, જ્યારે તેની નીચેના ભાગમાં સફેદ ફૂગની વૃદ્ધિ જોવા મળે છે; જે ઝડપથી વૃદ્ધિ પામી ઉપરની સપાટી પર ફેલાય છે અને ઝાંખાં લીલાં ધાબાં કરે છે. સમય જતાં ધાબાં પીળાં બને છે. આ ચેપ નીચેની સપાટીએ ઝડપથી પ્રસરી જતાં પાન ભૂખરાં પીળાં બને છે અને કરમાઈને સુકાઈ જાય છે. થોડા દિવસોમાં નવી કૂંપળો નીકળતાં તેના ઉપર પણ આ ફૂગ આક્રમણ કરે છે અને તેની કૂંપળોમાં પાણીપોચા જખમો કરે છે અને ફૂગને લીધે તે ભાગ સફેદ દેખાય છે. આવી કૂંપળો સુકાઈ જતી હોય છે અને રોગિષ્ઠ છોડ મૃત્યુ પામે છે. બોર્ડોમિશ્રણનો છંટકાવ કરવાથી આ રોગ કાબૂમાં આવી જાય છે.
(5) સફેદ ગેરુ : આ રોગમાં આલ્બુગો કૅન્ડિડા નામની ફૂગનું આક્રમણ પાન અને ડાળી ઉપર થતાં તેના પર સફેદ રંગનાં 1થી ર મિમી. વ્યાસનાં ગોળ ચાઠાં પડે છે. આવાં ચાઠાં વૃદ્ધિ પામી એકબીજાં સાથે મળી જાય છે. ક્રમશ: રોગથી ફૂલોના ભાગમાં વિકૃતિ આવી જાય છે. જો પાકને બીજ-ઉત્પાદન માટે રાખવામાં આવે તો તેના પર શિંગ બેસતી નથી. અને કદાચ શિંગ બેસે તોપણ તે બિલકુલ બેડોળ અને પહોળી બની જાય છે. આ રોગના નિયંત્રણ માટે (1) 1 કિલો બીજને 3 ગ્રામ ફૂગનાશક દવાનો પટ આપી તેની વાવણી કરવી અને (2) રોગ જણાય કે તરત જ કૅપ્ટાન મૅન્કોઝેબનો છંટકાવ કરવો. જરૂર જણાતાં 12–20 દિવસે બીજો છંટકાવ કરવો.
હિંમતસિંહ લાલસિંહ ચૌહાણ