ફુલેવર : દ્વિદળી વર્ગના બ્રેસિકેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Brassica oleracea Linn. var. bocrytis (હિં., બં. ફુલકપી; મ. ગુ. ફુલકોબી; અં. કૉલીફ્લાવર) છે. ફુલેવર કૉલવટર્સ નામના જંગલી કોબીની જાતિના વંશજમાંથી આવેલ છે. ફુલેવરનો ઉદભવ સાયપ્રસ અને ભૂમધ્ય સમુદ્રના કિનારાના પ્રદેશોમાં થયો હોવાનું મનાય છે. આકૃતિવિજ્ઞાન(morphology)ની ર્દષ્ટિએ શાક માટે વપરાતો ગોટો છોડના મુખ્ય પ્રકાંડને છેડે આવેલી સંખ્યાબંધ અલ્પવિકસિત (કુંઠિત વિકાસવાળી) શાખાઓ ઉપર આવેલી અણવિકસિત પુષ્પમંજરી છે. સામાન્ય રીતે આ ગોટાનો રંગ સફેદ હોય છે, પરંતુ ગરમીમાં આ ગોટાનો રંગ આછો ગુલાબી જોવા મળે છે.

ફુલેવર

તે ભારતમાં શિયાળુ ઋતુમાં થતો પાક છે. મેદાની પ્રદેશોમાં ખેત-ઉત્પાદન તરીકે સપ્ટેમ્બરથી મે માસ સુધી ફુલેવર મળે છે. ફુલેવરના ગોટા સપ્ટેમ્બરથી નવેમ્બર સુધી મેળવવા માટે વહેલી પાકતી જાતો, નવેમ્બરથી જાન્યુઆરી સુધી મેળવવા માટે મધ્યમ પાકતી જાતો અને જાન્યુઆરીથી એપ્રિલ સુધી મેળવવા માટે મોડી પાકતી જાતોનું વાવેતર કરવામાં આવે છે. વધારે ગરમી કે વધારે ઠંડીમાં ફુલેવરના ગોટા બંધાતા નથી અથવા તેનો રંગ બદામી થઈ જાય છે. ફુલેવરના છોડ ઉછેરવા માટે બીજમાંથી ધરુ તૈયાર કરી 30થી 40 દિવસના રોપને 30 × 30 કે 45 × 30 સેમી.ના અંતરે ફેરરોપણી કરવામાં આવે છે. તેને ખાતર, પાણી, નીંદામણ, દવા આદિની કાળજીપૂર્વકની ખેતી-માવજતો આપવામાં આવે છે. ફુલેવરનો પાક 90થી 120 દિવસમાં તૈયાર થાય છે, જે પાકવા માટે જાત પ્રમાણે વધુ-ઓછો સમયગાળો લે છે.

ફુલેવરના કુમળા ગોટા શાક તથા કચુંબર તરીકે વપરાય છે.

રાજેન્દ્ર ખીમાણી