ફુન્તશોલિંગ

February, 1999

ફુન્તશોલિંગ : ભુતાનમાં આવેલું નગર. ભૌગોલિક સ્થાન : 26° 53’ ઉ. અ. અને 89° 23’ પૂ. રે. ઉત્તરથી દક્ષિણ તરફ વહેતી રૈડક અને ઍમો નદીઓની વચ્ચે સરખા અંતરે તે ભુતાન અને પશ્ચિમ બંગાળની સરહદે આવેલું છે. ભારતમાંથી ભુતાનમાં પ્રવેશ માટેનું પ્રવેશ-ચકાસણી નાકુ ફુન્તશોલિંગ ખાતે આવેલું છે. ભુતાનનું પાટનગર થિમ્ફુ અને ફુન્તશોલિંગ બંને દિલ્હી સાથે ટેલેક્સ માટેની સંચાર-સુવિધા ધરાવે છે. 1975માં પૂરા કરવામાં આવેલાં 195 કિમી. લાંબા માર્ગથી સંકળાતાં તે ભારત-ભુતાનનું પ્રવેશદ્વાર બની રહ્યું છે. આ નગરમાં હિન્દુ મંદિરો, ઉદ્યાનો તથા બહારથી આવતા પ્રવાસીઓ માટે આધુનિક સગવડો ધરાવતી હોટેલો આવેલી છે. અહીંથી ભુતાનના પ્રવાસન અંગેની જરૂરી તમામ માહિતી મળી રહે છે.

ગિરીશભાઈ પંડ્યા