કેજરીવાલ, અરવિંદ

January, 2024

કેજરીવાલ, અરવિંદ (જ. 16 ઑગસ્ટ 1968, સિવાની, હરિયાણા) : દિલ્હીના મુખ્યમંત્રી, આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક, આવકવેરા વિભાગના પૂર્વજૉઇન્ટ કમિશનર, રેમન મેગ્સેસે ઍવૉર્ડ વિજેતા, સામાજિક કાર્યકર.

અરવિંદ કેજરીવાલના પિતા ઇલૅક્ટ્રિકલ એન્જિનિયર હતા. પિતાની નોકરીઓ બદલાતી હોવાથી અરવિંદ કેજરીવાલનો શાળાનો અભ્યાસ હિસાર, સોનિપત, ગાઝિયાબાદ જેવાં શહેરોમાં થયો હતો. 1985માં આઈઆઈટી-જેઈઈની પરીક્ષા પાસ કરીને તેમણે આઈઆઈટી કાનપુરમાં એડમિશન લીધું હતું. મિકૅનિકલ એન્જિનિયરિંગની ડિગ્રી મેળવ્યા બાદ તેમણે જમશેદપુરની ટાટા સ્ટીલમાં નોકરી શરૂ કરી હતી. સિવિલ સર્વિસ પરીક્ષાની તૈયારી કરવા માટે 1992માં નોકરીમાંથી રાજીનામું આપી દીધું. 1995માં અરવિંદ કેજરીવાલ સિવિલ સર્વિસ પરીક્ષા પાસ કરીને ઇન્ડિયન રેવન્યૂ સર્વિસમાં આસિસ્ટન્ટ કમિશનર તરીકે જોડાયા.

અરવિંદ કેજરીવાલ

2000ના વર્ષમાં અરવિંદ કેજરીવાલે ઉચ્ચ અભ્યાસના હેતુથી બે વર્ષની રજા લીધી હતી. નોકરીમાં ફરીથી જોડાયા બાદ તેમણે 18 મહિના સુધી જૉઇન્ટ કમિશનર તરીકે કાર્ય કર્યું હતું. 2006માં તેમણે નોકરીમાંથી રાજીનામું આપી દીધું હતું. નોકરીમાંથી રજા પર ઊતર્યા તે સમયગાળામાં  કેજરીવાલે વિવિધ સામાજિક પ્રવૃત્તિ પણ હાથ ધરી હતી. ખાસ તો ભ્રષ્ટાચાર વિરુદ્ધ ઝુંબેશ આદરી હતી. દિલ્હીમાં પરિવર્તન નામનું એક સંગઠન બનાવીને તેમણે આરટીઆઈના કાયદા માટે જાગૃતિ લાવવાનું કામ કર્યું હતું. આ સંગઠનના માધ્યમથી તેમણે દિલ્હીમાં થતા સરકારી ભ્રષ્ટાચારનો પર્દાફાશ કર્યો હતો. ખાસ તો પબ્લિક ડિસ્ટ્રિબ્યુશન સિસ્ટમ(પીડીએસ)ને વધુ અસરકારક બનાવવા માટે તેમણે લડત ચલાવી હતી.

એ પહેલાં મધર ટેરેસાને મળ્યા હતા અને તેમનાથી પ્રભાવિત થઈને કેજરીવાલે વિવિધ સામાજિક સંગઠનોમાં સેવાકીય કાર્યો પણ આદર્યાં હતાં. મિશનરીઝ ઑફ ચેરિટી, રામકૃષ્ણ મિશન અને નેહરુ યુવા કેન્દ્રમાં તેઓ સક્રિય હતા. નોકરીમાંથી રાજીનામું આપ્યા બાદ કેજરીવાલ સામાજિક કાર્યો તરફ વળ્યા. ભ્રષ્ટાચારમુક્ત ભારતની તેમની દેશવ્યાપી ઝુંબેશને ખૂબ સારો પ્રતિસાદ મળ્યો હતો. આરટીઆઈના કાયદા માટે તેમણે જે ઝુંબેશ ચલાવી તેને ધ્યાનમાં રાખીને 2006માં તેમને એશિયાનો નોબેલ ગણાતો પ્રતિષ્ઠિત રેમેન મેગ્સેસે ઍવૉર્ડ અપાયો.

2010થી અરવિંદ કેજરીવાલ જન લોકપાલ આંદોલનમાં સક્રિય થયા હતા. જાણીતા સમાજસેવક અન્ના હઝારેના નેતૃત્વમાં પાટનગર દિલ્હીમાં સરકાર સામે જે સત્યાગ્રહ શરૂ થયો હતો, તેમાં અરવિંદ કેજરીવાલની ખૂબ જ મહત્વની ભૂમિકા હતી. આંદોલનની રૂપરેખાનો યશ તેમને આપવામાં આવે છે. અન્ના હઝારે, અરવિંદ કેજરીવાલ, મનિષ સિસોદિયા, કિરણ બેદી, યોગેન્દ્ર યાદવ, કુમાર વિશ્વાસ સહિતના સામાજિક કાર્યકરોએ ઇન્ડિયા અગેઇન્સ્ટ કરપ્શન નામનું એક ગ્રૂપ બનાવ્યું હતું. આ આંદોલનકારીઓએ જન લોકપાલ બિલની માગણી મૂકી હતી, જેના કારણે સરકારે એ બિલનો ડ્રાફ્ટ તૈયાર કર્યો હતો. એ આંદોલન લાંબો વખત બે-ત્રણ તબક્કે ચાલ્યું હતું.

અરવિંદ કેજરીવાલે 2021માં રાજકીય પક્ષ આમ ‘આદમી પાર્ટી’ની રચના કરી હતી. 2013માં દિલ્હીની વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવારો ચૂંટણી લડ્યા હતા. એ ચૂંટણીમાં દિલ્હીની 70 વિધાનસભાની બેઠકોમાંથી આમ આદમી પાર્ટીને 28 બેઠકો મળી હતી, ભારતીય જનતા પાર્ટીનો 31 બેઠકોમાં વિજય થયો હતો. કેજરીવાલે કૉંગ્રેસના આઠ સહિત કુલ 10 ધારાસભ્યોના સમર્થનથી સરકાર બનાવી હતી. અરવિંદ કેજરીવાલની એ ટર્મ માત્ર 49 દિવસની રહી હતી. જન લોકપાલ બિલ વિધાનસભામાં મંજૂર ન થયું એ કારણ આગળ ધરીને કેજરીવાલે રાજીનામું આપી દીધું હતું. 2015માં દિલ્હી વિધાનસભાની ફરી ચૂંટણી યોજાઈ હતી. જેમાં 70માંથી 67 બેઠકો મેળવીને અરવિંદ કેજરીવાલ મુખ્યમંત્રી બન્યા હતા. એ જ વર્ષે તેમણે જન લોકપાલ બિલને વિધાનસભામાં પાસ કરાવ્યું હતું. જોકે બિલને રાષ્ટ્રપતિની મંજૂરી મળી ન હતી. અરવિંદ કેજરીવાલનો મુખ્યમંત્રીનો કાર્યકાળ ઉપગવર્નર સાથે વિવાદ માટે પણ જાણીતો બન્યો હતો. ઉપગવર્નર અને મુખ્યમંત્રી વચ્ચેનો વિવાદ સુપ્રીમ  કોર્ટ સુધી પહોંચ્યો હતો.

દિલ્હીમાં સરકારી પ્રાથમિક શિક્ષણ અને સ્વાસ્થ્ય સુવિધા બહેતર બનાવવાનો યશ અરવિંદ કેજરીવાલને મળે છે. તે ઉપરાંત દિલ્હીમાં અમુક યુનિટ નિઃશુલ્ક વીજળી અને પાણીની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. 2020માં દિલ્હીમાં થયેલી વિધાનસભાની ચૂંટણીમાં અરવિંદ કેજરીવાલના નેતૃત્વમાં આમ આદમી પાર્ટીએ 70માંથી 62 બેઠકોમાં વિજય મેળવ્યો હતો. એ સાથે જ અરવિંદ કેજરીવાલ સતત ત્રીજી વખત દિલ્હીના મુખ્યમંત્રી બન્યા હતા અને બીજી સંપૂર્ણ ટર્મ માટે ચૂંટાઈ આવ્યા હતા.

શિક્ષણ-સ્વાસ્થ્ય-પાણી-વીજળીના મુદ્દે તેમણે દિલ્હી મૉડલનો અન્ય રાજ્યોમાં પણ પ્રચાર કર્યો હતો. છત્તીસગઢ, હરિયાણા, ઝારખંડ, કર્ણાટક, મહારાષ્ટ્ર, મેઘાલય, નાગાલૅન્ડ, ઓડિશા, રાજસ્થાન, તેલંગણા, ઉત્તરાખંડ, ઉત્તરપ્રદેશ જેવાં રાજ્યોમાં આમ આદમી પાર્ટીના ઉમેદવારો ચૂંટણી લડી ચૂક્યા છે, પણ ધારી સફળતા મળી ન હતી. ગોવાન વિધાનસભાની ચૂંટણીમાં બે બેઠકો મળી હતી. અરવિંદ કેજરીવાલના દિલ્હી મૉડલને પંજાબમાં આવકાર મળ્યો છે. 2022માં યોજાયેલી પંજાબ વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને 117માંથી 92 બેઠકોમાં ઐતિહાસિક વિજય મળ્યો છે. દિલ્હી પછી પંજાબ બીજું એવું રાજ્ય છે, જ્યાં અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટી સત્તામાં આવી છે.

હર્ષ મેસવાણિયા