ફિલ્મ સોસાયટી : પ્રયોગશીલ તેમજ દેશવિદેશમાં સારી ગણાતી ફિલ્મોની અભિરુચિ ધરાવતા પ્રેક્ષકોનું મંડળ. વિશ્વના દેશોમાં ફિલ્મનો જેમ જેમ વિકાસ થતો ગયો તેમ તેમ સિનેમાને ગંભીરતાથી જોનારા પ્રેક્ષકોનો એક વર્ગ ઊભો થતો ગયો. બીજી બાજુ પ્રયોગશીલ ફિલ્મોનું પણ નિર્માણ થવા માંડ્યું. જોકે આવી ફિલ્મો થિયેટરો સુધી પહોંચી શકતી નહિ. આથી પ્રયોગશીલ ફિલ્મો તથા દેશવિદેશમાં બનતી સારી ફિલ્મો જોવાની પ્રેક્ષકોના એક વર્ગની ઉત્સુકતાએ ફિલ્મ સોસાયટીને જન્મ આપ્યો.

1920માં લંડનમાં ફિલ્મ સોસાયટીનો પ્રારંભ થયો. ભારતમાં બીજા વિશ્વયુદ્ધ દરમિયાન અમેરિકન ફિલ્મ સોસાયટીની સ્થાપના કરાઈ હતી; પણ યુદ્ધના સંજોગોમાં આ સોસાયટી લાંબું ટકી શકી નહિ. એ પછી 1942માં મુંબઈમાં ભારતીય ફિલ્મોના એક હંગેરિયન ચાહક ફ્રાન્સ બર્કોએ બૉમ્બે ફિલ્મ સોસાયટીની સ્થાપના કરી. કલકત્તામાં આઝાદી બાદ ફિલ્મ સોસાયટીની રચના થઈ. તેના સ્થાપકોમાં સત્યજિત રાય એક હતા.

મુંબઈ–કલકત્તાની સરખામણીમાં દિલ્હીમાં ફિલ્મ સોસાયટીનો પ્રારંભ થોડો મોડો થયો. બ્રિટિશ ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટ સાથે જોડાયેલાં એક મહિલા મેરી સીટન ભારત સરકારના આમંત્રણથી દિલ્હી આવ્યાં હતાં. સરકારે પ્રૌઢશિક્ષણ અંગે પરામર્શ કરવા બોલાવેલા નિષ્ણાતો પૈકીનાં તેઓ એક હતાં; પણ દિલ્હીમાંના રોકાણ દરમિયાન મેરી સીટને પોતાનાં પરિચિતો સાથે મળીને દિલ્હી ફિલ્મ સોસાયટીની સ્થાપના કરી.

ધીમે ધીમે દેશનાં ઘણાં શહેરોમાં ફિલ્મ સોસાયટીઓ સ્થપાતી ગઈ. 1959માં કલકત્તા ફિલ્મ સોસાયટીએ તમામ સોસાયટીઓનું એક અખિલ ભારતીય સંગઠન બનાવવાનો પ્રયાસ કરતાં કલકત્તા, મુંબઈ, મદ્રાસ, દિલ્હી અને રૂડકીની ફિલ્મ સોસાયટીઓએ અખિલ ભારતીય સ્તરે મહાસંઘની સ્થાપના કરી. તેના અધ્યક્ષ તરીકે સત્યજિત રાયની વરણી કરાઈ. મહાસંઘની સ્થાપના થવાને કારણે દેશમાં મોજૂદ તમામ સોસાયટીઓ વચ્ચે સંકલન સધાતાં ફિલ્મ સોસાયટી આંદોલનને વેગ મળ્યો.

1970 અને 1980ના દાયકામાં ફિલ્મ સોસાયટીઓની પ્રવૃત્તિઓ તેની ચરમ સીમાએ હતી. ગુજરાતમાં પણ અમદાવાદ સહિત મોટાં શહેરોમાં ફિલ્મ સોસાયટીઓ શરૂ થઈ. અમદાવાદમાં તો એકસાથે ત્રણ ત્રણ ફિલ્મ સોસાયટીઓ અસ્તિત્વ ધરાવતી થઈ. ઘણાં મોટાં શહેરોમાં આવું બન્યું હતું. મહાસંઘ સાથે 400 જેટલી ફિલ્મ સોસાયટીઓ સંકળાયેલી હતી. એકલા દિલ્હીમાં જ એક ડઝન ફિલ્મ સોસાયટીઓ હતી. અખિલ ભારતીય મહાસંઘે ફિલ્મ સોસાયટીઓ વચ્ચે સારી રીતે સંકલન રહે તે માટે ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમમાં ચાર પ્રાદેશિક શાખાઓ શરૂ કરી.

દેશમાં ટેલિવિઝનનો પ્રસાર વધવા સાથે અને વિડિયોનો યુગ શરૂ થતાં ફિલ્મ સોસાયટી આંદોલનનાં વળતાં પાણી શરૂ થયાં. જે ફિલ્મો માત્ર ફિલ્મ સોસાયટીમાં જોવા મળતી હતી, તેમાંની મોટા ભાગની ટેલિવિઝન અને વિડિયો પર ઉપલબ્ધ થવા માંડતાં સભ્યસંખ્યા ઘટતી ગઈ. બીજી બાજુ, ફિલ્મઉદ્યોગ પણ મંદીમાં સપડાવાને કારણે દેશમાં ઘણાં છબીઘરો ભાંગવા માંડ્યાં. ફિલ્મ સોસાયટીઓને વાજબી દરે છબીઘરો મળવાં પણ મુશ્કેલ થવા માંડ્યાં. પરિણામે, મહાનગરોમાં ફિલ્મ સોસાયટી આંદોલન ચાલુ રહેવા છતાં અમદાવાદ જેવાં શહેરોમાં તે લગભગ મૃતપ્રાય થઈ ગયું છે. અમદાવાદમાં 1960થી શરૂ થયેલું આ આંદોલન 1970 અને 1980ના દસકામાં ખૂબ વેગ પકડી ચૂક્યું હતું. એન.આઇ.ડી., ઇસરો, આઇ.આઇ.એમ., પી.આર.એલ. વગેરે સંસ્થાઓની પોતાની ફિલ્મ સોસાયટીઓ હતી. આ ઉપરાંત ‘તરંગ’ તથા ‘ઇન્ટરનેશનલ’ ફિલ્મ સોસાયટીઓમાં સભ્ય બનવા ફિલ્મ- રસિયાઓ પડાપડી કરતા હતા. 1977માં ન્યૂ ફિલ્મ સોસાયટી શરૂ થયેલી જે હજી પણ ચાલે છે, પરંતુ ઓછી સભ્યસંખ્યાને કારણે તેની પ્રવૃત્તિઓ મર્યાદિત થઈ ગઈ છે.

1975માં ગુજરાતમાં બાર જેટલી ફિલ્મ સોસાયટીઓ હતી, જેમાં અમદાવાદમાં છ અને પાટણ, રાજકોટ, વડોદરા, દમણ અને ભાવનગરમાં એક એક ફિલ્મ સોસાયટી હતી; પણ હવે અમદાવાદમાં ત્રણ અને દમણ તથા વડોદરામાં એક એક સોસાયટી અસ્તિત્વ ધરાવે છે. વળી થોડાક સમય પૂરતું મહેન્દ્ર મેઘાણી દ્વારા ‘ફિલ્મમિલાપ’ની પ્રવૃત્તિયે શરૂ થયેલી, પણ એ લાંબી ચાલી શકી નહિ.

હરસુખ થાનકી