ફિલ્મ ટૅકનૉલૉજી
ફિલ્મના નિર્માણની પ્રવિધિ. ફિલ્મકળા બીજી કળાઓથી જુદી એ રીતે પડે છે કે તેમાં યાંત્રિક સાધનોનો બહોળો ઉપયોગ કરવામાં આવે છે. બીજી કેટલીક લલિત કળાઓમાં પણ હવે યાંત્રિક સાધનોનો ઉપયોગ શરૂ થયો છે પણ એ સાધનો વિના પણ કળાકૃતિ તો સર્જી જ શકાય છે. પણ યાંત્રિક સાધનો વિના ફિલ્મ કોઈ કાળે બનાવી શકાતી નથી. ફિલ્મ મહત્વનાં ત્રણ પાસાંઓ પર આધારિત છે : છબીકલા, ધ્વનિ અને સંકલન. કૅમેરા વડે ફિલ્મની પટ્ટી પર કોઈ ર્દશ્યને ઝડપી લઈને, તેની સાથે ર્દશ્યને અનુરૂપ ધ્વનિને સાંકળીને તેને સંકલિત સ્વરૂપમાં પ્રોજેક્ટરની મદદથી પડદા પર દર્શાવવામાં આવે છે. ફિલ્મનિર્માણના દરેક તબક્કે યાંત્રિક સાધનો અને ટેકનિકનો ઉપયોગ દિગ્દર્શક પરંપરાગત રીતે અથવા પોતાની આગવી શૈલી પ્રમાણે કરે છે.
ફિલ્મકળાને વાસ્તવની કળા કહેવામાં આવે છે, કારણ કે કૅમેરા જે જુએ છે તેને પ્રેક્ષકો સમક્ષ રજૂ કરે છે. જોકે ફિલ્મકળાને ‘ભ્રમણાની કળા’ (art of illusion) પણ કહે છે, કારણ કે તે પડદા પર એક કાલ્પનિક જગત ખડું કરે છે.
દિગ્દર્શક ફિલ્મની વાર્તાને રજૂ કરવા માટે, તેનાં અમુક ચોક્કસ ર્દશ્યોને વધુ પ્રભાવક બનાવવા માટે, કોઈ એક પાત્રને વધુ ઉપસાવવા માટે, ફિલ્મ દ્વારા પોતે જે સંદેશો આપવા માગે છે તે પ્રેક્ષકો સુધી બરાબર પહોંચે તે માટે રંગો, પ્રકાશ, દર્શન અને કૅમેરાના વિવિધ કોણનો ઉપયોગ કરે છે. વાર્તાને વધુ સારી રીતે કહેવા માટે પણ તે ચોક્કસ શૈલીનો ઉપયોગ કરે છે.
ફિલ્મનો કૅમેરા સામાન્ય કૅમેરા જેવો જ હોય છે. બંનેની કામગીરી વચ્ચેનો ફરક સ્વયંસ્પષ્ટ છે. સામાન્ય કૅમેરા એક વખતે એક જ ર્દશ્ય ઝડપે છે, જ્યારે ફિલ્મનો કૅમેરા ફિલ્મની પટ્ટી પર દર સેકંડે ચોવીસ ચિત્રો ઝડપી લે છે. દરેક ચિત્રને ચોકઠું (frame) કહે છે. આ રીતે આખી ફિલ્મ ઊતરી જાય પછી લૅબોરેટરીમાં તેની રાસાયણિક પ્રક્રિયા કર્યા બાદ દિગ્દર્શક જે રીતે વાર્તા કહેવા માગે છે તે રીતે તેનાં ર્દશ્યોનું ક્રમશ: સંકલન કર્યા બાદ તે તૈયાર થઈ જતાં તેને પ્રોજેક્ટર દ્વારા પડદા પર પ્રદર્શિત કરવામાં આવે છે.
ચલચિત્ર હાલતુંચાલતું દેખાય છે તેની પાછળ શરીરનો ર્દષ્ટિસાતત્યનો ગુણ કામ કરે છે. આંખ જે ર્દશ્ય સામે મંડાય તેની છાપ નેત્રપટ પર પડે છે અને આંખ બીજી વસ્તુ કે બીજા ર્દશ્ય પર મંડાય એટલે નેત્રપટ ઉપર આ નવી છાપ પણ પડે છે. દરેક છાપ કે પ્રતિબિંબ નેત્રપટ ઉપર 1⁄16 સેકંડ સુધી રહે છે. એટલે, જો નેત્રપટ ઉપર 1⁄16 સેકંડ કરતાં વહેલું નવું પ્રતિબિંબ પડે તો તે પૂર્વના પ્રતિબિંબના વિલયન પછી જ નેત્રપટ પર સ્વીકારાય છે. આથી પાછળનું પ્રતિબિંબ આગળના પ્રતિબિંબ સાથે ભળી જતું ભાસે છે. ચિત્રપટમાં દોડતા ઘોડાનાં સેકંડના 24 પ્રમાણે ઝડપેલાં છૂટાં ર્દશ્યો પડદા પર એક પછી એક એ જ ઝડપે પ્રક્ષિપ્ત થાય છે તેથી આંખમાં આગળનું શ્ય ભૂંસાય તે પહેલાં નવું ર્દશ્ય આવી પહોંચતું હોવાથી દોડતા ઘોડાના એક હાલતાચાલતા સળંગ શ્યનો અનુભવ થાય છે.
ફિલ્મના કૅમેરામાં જે ઝડપે ચિત્રો લેવાયાં હોય એ જ ઝડપે એટલે કે દર સેકંડે 24 ચિત્રના હિસાબે તેને પ્રોજેક્ટરમાંથી પસાર કરવામાં આવે છે. એ વખતે દરેકેદરેક ચોકઠું પ્રકાશની સામે આવીને જરા વાર ત્યાં જ રહે છે. પડદા પર એક સેકંડે આ રીતે 24 ચિત્રો ક્રમથી ખચકાતાં આવે છે. એ 24 ચોકઠામાં ઝડપાયેલાં ચિત્રો હાલતાંચાલતાં લાગે છે. આ ક્રિયા એકધારી ચાલતી જ રહે છે. પ્રોજેક્ટરમાં ફિલ્મની પટ્ટી જોકે ખૂબ ઝડપથી ફરતી લાગે છે.
રાસાયણિક પ્રક્રિયામાંથી પસાર થયા બાદ ફિલ્મને આખરી રૂપ સંકલન-કક્ષમાં અપાય છે. અહીં જ ફિલ્મ એક કૃતિ બને છે. ફિલ્મની વાર્તાને અસરકારક રીતે રજૂ કરવાની કેટલીક ટેકનિકોનો સંકલન-કક્ષમાં જ ઉપયોગ કરવામાં આવે છે.
ઘણા દિગ્દર્શકો ફિલ્મમાં અમુક ઘટનાઓને સીધી રીતે દર્શાવવાને બદલે પ્રતીકો દ્વારા દર્શાવે છે. કોઈ એક નિશ્ચિત સમયગાળો પસાર થતો દર્શાવવા માટે કે કોઈ એક ક્રિયાને ઝડપભેર થતી દર્શાવવા માટે સંગ્રથિત ચિત્ર(montage)નો ઉપયોગ કરવામાં આવે છે. કલાકો વીતતા દર્શાવવા માટે ઘડિયાળના ચંદાને ઉપરાઉપરી ત્રણ-ચાર વાર દર્શાવીને તે દ્વારા વીતી રહેલા સમયનો ખ્યાલ અપાય છે, કે વીતી રહેલા દિવસો દર્શાવવા માટે તારીખમાં પાનાં ફડાતાં કે એક પછી એક તારીખો ઝડપથી બદલાતી દર્શાવાય છે. વાર્તાને ઝડપભેર આગળ વધેલી દર્શાવવા માટે પણ તેનાં એક પછી એક ર્દશ્યો, પછી તે છબીના સ્વરૂપમાં પણ હોય, સ્થિર ચિત્રના સ્વરૂપમાં પણ હોય, એક પછી એક ઝડપભેર પડદા પર આવી જતાં હોય છે. રશિયન દિગ્દર્શક સર્ગી આઇઝેન્સ્ટાઇને પ્રથમ વાર સંગ્રથિત ચિત્રનો ઉપયોગ કર્યો હતો.
ફિલ્મમાં કેટલીક વાર એક જ ર્દશ્ય પર બીજું ર્દશ્ય પણ રજૂ કરવામાં આવે છે. એ વખતે બીજું ર્દશ્ય ધીમે ધીમે ઊભરે અને પ્રથમ ર્દશ્ય ધીમે ધીમે ઝાંખું થતું જાય. આ પદ્ધતિને અધ્યારોપ (superimpose) પદ્ધતિ કહે છે.
પ્રેક્ષકોને એક ર્દશ્યમાંથી બીજા ર્દશ્યમાં લઈ જવા માટે ભાસ-લોપ(fade in – fade out)પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. એક ર્દશ્ય પૂરું થાય એટલે ધીમે ધીમે તે ઝાંખું થઈને અર્દશ્ય થઈ જાય છે, તેને ર્દશ્ય-લોપ (fade out) કહે છે. તે સાથે જ નવું ર્દશ્ય ધીમે ધીમે ઊભરે છે તેને ર્દશ્ય-ભાસ (fade in) કહે છે.
ફિલ્મમાં કોઈ પાત્ર ભૂતકાળમાં બનેલી કોઈ ઘટના યાદ કરતું હોય એ ર્દશ્યો પડદા પર રજૂ થાય તેને અતીતાવલોકન (flash back) કહે છે. એક ફિલ્મમાં એકથી વધુ અતીતાવલોકન પણ હોય. કોઈ વાર આખી વાર્તા જ અતીતના સ્મરણ રૂપે કહેવાતી હોય છે. મેહબૂબખાન દિગ્દર્શિત ‘મધર ઇન્ડિયા’ (1957), હૃષીકેશ મુખરજી દિગ્દર્શિત ‘આનંદ’ (1970), યશ ચોપડા દિગ્દર્શિત ‘દીવાર’ (1975) ફિલ્મો આખેઆખી અતીતાવલોકન રૂપે રજૂ કરાઈ છે. આવા બીજા દાખલા પણ છે. દિગ્દર્શક ગુલઝાર પોતાની ફિલ્મોમાં આ પ્રયુક્તિનો વિશેષ ઉપયોગ કરવા માટે જાણીતા છે. તેમની ‘અચાનક’ (1973), ‘આંધી’ (1975), અને બાસુ ભટ્ટાચાર્ય દિગ્દર્શિત ‘આવિષ્કાર’ (1973) તેનાં ઉદાહરણો છે.
ફિલ્મમાં કોઈ પાત્ર ભવિષ્યની કોઈ ઘટના અંગે કલ્પના કરે અને એ ર્દશ્યો પડદા પર રજૂ થાય તેને ભાવિ-અવલોકન (flash forward) કહે છે. પાત્રને કોઈ સપનું આવે અને એ સપનાનાં ર્દશ્યો પડદા પર રજૂ કરવામાં આવે તેને સ્વપ્નઘટનાક્રમ (dream sequence) કહે છે.
ર્દશ્યને વધુ અસરકારક બનાવવા માટે ઘટનાને ધીમી ગતિએ ઘટતી દર્શાવાય છે, જેમાં પાત્રો ધીમી ગતિએ ચાલતાં કે દોડતાં હોય, વૃક્ષ કે મકાન ધીમી ગતિએ જમીન પર પડતું હોય. આ પદ્ધતિને મંદગતિ (slow motion) કહે છે. દિગ્દર્શક જે ર્દશ્યને મંદગતિમાં રજૂ કરવા માગતો હોય તેનું ચિત્રીકરણ જ એ રીતે કરવામાં આવે છે. એ માટે કૅમેરાની ગતિ એક સેકંડની 24 ર્દશ્યની હોય છે તે વધારી દેવામાં આવે છે. આ ગતિ કેટલી વધારવી તેનો આધાર દિગ્દર્શક ર્દશ્યને કેટલી ધીમી ગતિએ રજૂ કરવા માગે છે તેના પર હોય છે. પડદા પર ર્દશ્ય ધીમી ગતિનું હોવાથી તેને ‘મંદગતિ’ નામ અપાયું છે. પણ આ ર્દશ્ય ઝડપતી વખતે કૅમેરામાં ફિલ્મની પટ્ટી નિયત ગતિ કરતાં વધુ ઝડપથી ફરતી હોય છે. આ રીતે ઝડપેલાં શ્યોને પ્રોજેક્ટર નિયતગતિએ – એક સેકંડના 24 ચોકઠાંને હિસાબે જ રજૂ કરે છે. મંદગતિદર્શન વખતે પ્રોજેક્ટરના વેગમાં કોઈ ફરક પડતો નથી. ‘મંદગતિ’ની જેમ ‘તીવ્રગતિ’ પણ એક પદ્ધતિ છે. તેમાં સ્વાભાવિક ગતિ કરતાં ઝડપભેર ગતિ થતી દર્શાવાય છે. આવાં ર્દશ્યો ઝડપતી વખતે કૅમેરાની ગતિ એક સેકંડે 24 ર્દશ્યને બદલે ઓછી કરી નાખવામાં આવે છે. કેટલી ઓછી કરવી એ દિગ્દર્શક નક્કી કરતો હોય છે. આવાં ર્દશ્યો પડદા પર રજૂ કરતી વખતે પ્રોજેક્ટરની ગતિમાં કોઈ ફરક પડતો નથી.
પડદા પર એક ર્દશ્યમાં ઘણોબધો વિસ્તાર દેખાતો હોય છે. આ વિસ્તાર ધીમે ધીમે નાનો થતો જાય અને કોઈ એક ચીજ કેન્દ્રમાં લાવવામાં આવે એ ક્રિયાને ર્દશ્યસંકીર્ણન (zooming) કર્યું કહે છે. મૂળ ર્દશ્યમાં કોઈ વ્યક્તિ કે ચીજને દૂરથી દર્શાવવામાં આવે તેને દૂર-અંતર-ર્દશ્ય (long shot) કહે છે. અત્યંત દૂરથી દર્શાવાય તેને અતિદૂર-અંતર-ર્દશ્ય (extreme long shot) કહે છે. પડદા પર પૂરા કદનાં પાત્રો દેખાય તેને મધ્યમઅંતર-ર્દશ્ય (mid shot) કહે છે. પડદા પર માત્ર ચહેરો દેખાય તેને નિકટ-ર્દશ્ય (close up) કહે છે. માત્ર ચહેરાને પણ વધુ નજીકથી દર્શાવાય તેને અતિનિકટ-ર્દશ્ય (tight close up) કહે છે.
ફિલ્મમાં કોઈ ર્દશ્ય સ્થિર થઈ જાય તેને સ્થિર ર્દશ્ય (freeze shot) કહે છે. સ્થિર ર્દશ્યનો ઉપયોગ ટાઇટલો દર્શાવતી વખતે વધુ કરવામાં આવે છે.
ફિલ્મની વાર્તા અને પાત્રોને દિગ્દર્શકની કલ્પના મુજબ અસરકારક રીતે રજૂ કરવા માટે ઉપર્યુક્ત પદ્ધતિઓનો ક્રમશ: વિકાસ થયો છે. ફિલ્મના માધ્યમને વધુ ને વધુ અસરકારક બનાવવા આવી પદ્ધતિઓ શોધાતી જાય છે. ઈ. સ. 1895માં ચલચિત્રનો પ્રારંભ થયો ત્યારે પડદા પર હાલતાંચાલતાં ચિત્રો રજૂ કરવાં એ જ નવાઈની વાત હતી. ફ્રાન્સના લુમિયર બંધુઓએ જે ચિત્રો બનાવ્યાં હતાં એ એક નિશ્ચિત અંતરેથી લેવાયેલાં ર્દશ્યો હતાં. તેનું ન તો કોઈ આયોજનપૂર્વક શૂટિંગ કરાયું હતું કે ન તો તેની કોઈ પટકથા હતી. આ શૈલીનો ઉપયોગ કરીને બનાવેલાં ચિત્રોને વાસ્તવિક ચિત્ર (actual film) કહે છે. ઘણાં દસ્તાવેજી ચિત્રોમાં આજે પણ આ શૈલીનો ઉપયોગ કરવામાં આવે છે.
ભારતનું પ્રથમ સવાક ચિત્ર ‘આલમઆરા’ 1931માં નિર્માણ પામ્યું હતું અને અમેરિકામાં 1927માં ‘ધ જાઝ સિંગર’ પ્રથમ સવાક ચિત્ર હતું. જોકે ચિત્રપટની સાથે ધ્વનિનું સંયોજન કરવાના પ્રયાસો પ્રથમ ચલચિત્રનું નિર્માણ થયું એ અરસામાં જ શરૂ થઈ ગયા હતા. ટૉમસ આલ્વા એડિસન તથા અન્યોએ કરેલા પ્રારંભિક પ્રયોગો બાદ પ્રકાશવીજ કોષ(photoelectric cell)નો ઉપયોગ કરીને ફિલ્મની પટ્ટી પર જ સીધેસીધો ધ્વનિ અંકિત કરવાની પ્રક્રિયા હાથ ધરાઈ હતી. 1904માં એડિસનના એક ભૂતપૂર્વ સહાયક યુજિન લાઉસ્તે(Eugene Lauste) ફિલ્મની પટ્ટી પર ધ્વનિનું અંકન કરતું સાધન વિકસાવ્યું હતું પણ તે પરિવર્ધક પ્રણાલી (amplifying system) વિકસાવી શક્યો નહોતો. એ પછી 1923માં અમેરિકન વિજ્ઞાની લી દ ફૉરેસ્ટે ધ્વનિયુક્ત ચિત્રપદ્ધતિ (phonofilm system) વિકસાવી.
1926માં અમેરિકી નિર્માણસંસ્થા વૉર્નર બ્રધર્સે વેસ્ટર્ન ઇલેક્ટ્રિક નામની કંપની સાથે ભાગીદારીમાં વાઇટાફોન કંપની શરૂ કરી. 1926ના ઑગસ્ટમાં વાઇટાફોન કંપનીએ ‘ડૉન જુઆન’ ચિત્ર માટે તૈયાર કરેલ સાઉન્ડ સિસ્ટમનું ન્યૂયૉર્કમાં નિદર્શન કર્યું. ચિત્ર માટેનું ધ્વનિઅંકન જુદી રેકર્ડો પર તૈયાર કરાયું હતું. દરેક રેકર્ડની અવધિ ચિત્રના એક રીલના પ્રક્ષેપણ અવધિ જેટલી હતી. ચિત્રનું પ્રક્ષેપણ થાય ત્યારે પાત્રોના હોઠના હલનચલન સાથે અવાજનું બરાબર સંયોજન થાય એની ખૂબ કાળજી રાખવા છતાં આ નિદર્શનને ધાર્યા મુજબની સફળતા મળી નહોતી. એ દિવસોમાં વૉર્નર બ્રધર્સની આર્થિક સ્થિતિ ખૂબ કફોડી હતી. પણ ચલચિત્રને અવાજ મળશે તો ચિત્રઉદ્યોગમાં નવી ક્રાંતિ આવશે અને કંપની પણ તરી જશે એમ વિચારીને આ સંસ્થાએ ચલચિત્ર માટે ધ્વનિ-પ્રણાલી વિકસાવવાના પ્રયોગો પડતા મૂક્યા નહિ. વાઇટાફોનને જ વધુ વિકસિત કરીને 1927ના ઑક્ટોબરમાં તેમણે ‘ધ જાઝ સિંગર’ ચિત્ર પ્રદર્શિત કર્યું. આ ચિત્ર સફળ થતાં તે ચલચિત્રોના ઇતિહાસમાં પ્રથમ બોલપટ તરીકે સ્થાન પામ્યું. પણ વાઇટાફોનમાં અવાજની રેકર્ડ તૈયાર કરાતી હતી એ સિસ્ટમના સ્થાને થોડા જ સમયમાં ફિલ્મની પટ્ટી પર ધ્વનિ અંકિત કરવાની બે પદ્ધતિ પ્રચલિત બની : (i) પરિવર્તનશીલ ક્ષેત્ર ધ્વનિપથ (variable area soundtrack) અને (ii) પરિવર્તનશીલ ઘનતા ધ્વનિપથ (variable density soundtrack). આ બંને પદ્ધતિમાં ફિલ્મની પટ્ટીની બાજુમાં રેખાઓમાં પરિવર્તિત કરાયેલા ધ્વનિના તરંગોની છબી અંકિત કરી દેવામાં આવતી. ફિલ્મનું પ્રક્ષેપણ કરાતું હોય ત્યારે પ્રકાશવીજ કોષ દ્વારા તેનું અવાજમાં પરિવર્તન કરાતું.
ધ્વનિઅંકન માટે વિશેષ સાધન વપરાય છે. ધ્વનિગ્રાહક (mike) સમક્ષના ધ્વનિતરંગોથી તેનો પડદો ધ્રુજારી અનુભવી તેના તારમાં વહેતા એકધારા વીજપ્રવાહમાં તરંગો ઉત્પન્ન કરે છે. હવે અગાઉથી ચુંબક-પટ્ટી ઉપર ધ્વનિઅંકન કરેલું હોવાથી તેના તરંગો ધ્વનિઅંકન-ઉપકરણના ગૂંચળા(coil)ને વત્તાઓછા અંશે ઘુમાવે છે. તે જ પ્રમાણે તેની ધરી સાથે જોડેલું એક નાનું દર્પણ આગળપાછળ ફરે છે. એક વીજળીગોળા પરથી તેના પર પડતું પ્રકાશકિરણ દર્પણના આંદોલન પ્રમાણે વધઘટ થતું ફિલ્મ-પટ્ટી પર પડે છે. પટ્ટી આગળ એક ખાંચ જેવા દ્વારનો પડદો હોય છે. તેમાંથી આંકા રૂપે પ્રકાશ-પટ્ટી ઉપર ધ્વનિની છબી પાડે છે.
પ્રકાશવીજ કોષ એક અદભુત સાધન છે. દેખાવે તે એક નાનો વીજળીગોળો છે. તેની અંદરના તંતુ કે પતરી પ્રકાશસંવેદી પદાર્થનાં બનાવેલાં હોય છે. તેના તંતુમાં વહેતા એકધારા મંદ વીજપ્રવાહમાં બહારથી પડતા પ્રકાશની તીવ્રતા અનુસાર દાબમાં વધઘટ થઈ તરંગો ઉત્પન્ન થાય છે. આ તરંગો પરિવર્ધકમાં થઈ પ્રબળ બનીને પડદા પાછળના ધ્વનિક્ષેપકો(speaker)માં જઈ ત્યાંના ચુંબકોની શક્તિમાં વધઘટ કરે છે. તેથી ધ્વનિક્ષેપકનો પડદો ધ્રુજારી અનુભવીને મૂળ ધ્વનિના તરંગો વાયુમાં વહેતા મૂકે છે.
ફિલ્મની પટ્ટી પર જ ધ્વનિનું મુદ્રણ કરવાની આ પદ્ધતિમાં ફિલ્મની પ્રિન્ટો બનાવતી વખતે જ ધ્વનિપટ્ટી ફિલ્મની ડાબી તરફની ધાર પર અંકિત કરી લેવામાં આવે છે. આ કામગીરી માટે ર્દશ્યના ચિત્રાંકન વખતે એક ધ્વનિવર્ધક (microphone) એ રીતે રાખવામાં આવે છે કે તે પાત્રોનો અવાજ પકડી શકે એટલું નજીક હોય, પણ તે શ્યમાં ન આવી શકે તેટલું દૂર હોય. ધ્વનિઆલેખકના કક્ષમાં ટેપરેકર્ડરની સાથે વીજળીના તાર વડે તે જોડાયેલું હોય છે. ચિત્રાંકન શરૂ થાય ત્યારે કૅમેરા જેટલી જ ઝડપ રેકર્ડરની હોય છે.
ચિત્રવાળી અને ધ્વનિવાળી બે નેગૅટિવ ફિલ્મોને જોડવાના કામમાં ‘ક્લૅપ’ મહત્વનું કાર્ય કરે છે. સામાન્ય કાળા પાટિયા પર ચિત્રનું નામ, ર્દશ્યનો નંબર, શૉટ અને ટેક(take)ના નંબર લખી લેવામાં આવે છે. આ પાટિયાને મથાળે એક હાથો બેસાડેલો હોય છે. આ પાટિયાને ‘ક્લૅપ’ કહે છે. દરેક શૉટ લેતી વખતે આ ક્લૅપ કૅમેરાની સામે લાવવામાં આવે છે. દિગ્દર્શકની સૂચના મુજબ ધ્વનિગ્રાહક, કૅમેરા અને પ્રકાશ ચાલુ કરવામાં આવે છે. એ પછી ‘ક્લૅપ’ આપનાર ‘ક્લૅપર બૉય’ ર્દશ્યનો નંબર, શૉટ અને ટેક જાહેર કરીને ફટાક અવાજ સાથે પાટિયા સામે મથાળે જોડાયેલો હાથો પાટિયા સાથે પછાડે છે. આ ફટાક અવાજ ધ્વનિપટ્ટી પર સ્પષ્ટ નિશાન સાથે અંકાઈ જાય છે. ચિત્ર અને ધ્વનિપટ્ટીઓને સમાન ક્રમમાં ગોઠવતી વખતે એ નિશાનનો આધાર લેવામાં આવે છે.
છબીઘરમાં પ્રોજેક્ટરમાંથી ફિલ્મની પટ્ટી પસાર થતી હોય ત્યારે ધ્વનિપટ્ટીમાંથી પણ પ્રકાશનું કિરણ પસાર થાય છે. તેને લીધે પ્રકાશ-વીજકોષની સહાયથી ધ્વનિ પુન: ઉત્પન્ન થાય છે.
બીજા વિશ્વયુદ્ધ પછી 1950ના દસકામાં ચલચિત્રોની ધ્વનિપ્રણાલીમાં વધુ એક ક્રાંતિકારી શોધ થઈ. ટેપરેકર્ડરની શોધ સાથે ફિલ્મના ધ્વનિનું રેકર્ડિંગ કરવા માટે ચુંબકપટ્ટીનો ઉપયોગ શરૂ થયો. સંવાદ, ગીત, પાર્શ્વસંગીત વગેરેનું જુદા જુદા ધ્વનિપથ પર રેકર્ડિંગ અંકન કરી છેલ્લે તેનું અસરકારક રીતે મિશ્રણ કરાવા માંડ્યું. આ પ્રણાલીની મદદથી ધ્વનિ વધુ સ્પષ્ટ બનાવી શકાયો.
અત્યાર સુધી પડદો વિશાળ બનવા છતાં અને તેની પાછળ ધ્વનિક્ષેપકો શક્તિશાળી બનવા છતાં તે લગભગ મધ્યભાગેથી જ ધ્વનિ પ્રસારણની વ્યવસ્થા ધરાવતો હતો. પણ હવે ધ્વનિ પ્રસારતી ચુંબકપટ્ટીની સગવડ થતાં ઘન ધ્વનિપદ્ધતિ (stereophonic sound system) આવી. તેમાં ધ્વનિના ઘટકો – બોલાયેલા શબ્દો, પાર્શ્વસંગીત, ગીતનું સંગીત–ને તેમની આવૃત્તિ તથા સ્થાન પ્રમાણે છૂટાં પાડીને પટ્ટી ઉપર ભિન્ન ધ્વનિપથ ઉપર અંકિત કરવાની શોધ થઈ. આ રીતે જુદો ધ્વનિ તેના ધ્વનિપથને જોડીને પડદા પાછળ તેમજ છબીઘરમાં અન્યત્ર ગોઠવેલાં ધ્વનિક્ષેપકોમાંથી જ પ્રસરે તેવી રચના શક્ય બની. આથી ધ્વનિની સંવેદના વધારે વાસ્તવિક લાગવા માંડી. પડદા પર પાત્ર બોલતું બોલતું ડાબેથી જમણે જાય તેમ ધ્વનિ તેને અનુસરતો અનુભવી શકાયો. ગાજવીજ જેવા ર્દશ્યમાં આખું છબીઘર તેના ધ્વનિથી ભરાઈ જાય તેવું શક્ય બન્યું. વિશેષ તો ગીતસંગીતની ખૂબીઓ દર્શાવવાનું સરળ બન્યું.
‘ડૉલ્બી’ ધ્વનિપ્રણાલીનો ઉપયોગ 1970ના દસકામાં શરૂ થયો. આ પ્રણાલીની વિશેષતા એ છે કે ચિત્રનિર્માણ સમયે ધ્વનિઅંકનકાર્યમાં વિક્ષેપ કરતા બિનજરૂરી અવાજોની તે બાદબાકી કરી શકે છે. અમેરિકાના સાનફ્રાન્સિસ્કો ખાતેની ડૉલ્બી લૅબોરેટરીઝ ઇન્કૉર્પોરેટેડ દ્વારા આ પ્રણાલીની શોધ કરાઈ હતી. 1965માં રે ડૉલ્બીએ આ પ્રણાલીને વિકસાવ્યા બાદ ફિલ્મોમાં તેનો ઉપયોગ 1972માં શરૂ થયો. આ પ્રણાલી ધરાવતી પ્રથમ ફિલ્મ ‘ક્વાયટ રેવૉલ્યૂશન’ હતી. પણ આ પ્રણાલીનો સૌથી વધુ અસરકારક ઉપયોગ 1977માં ‘સ્ટાર વૉર્સ’ ફિલ્મમાં કરાયો હતો. એ પછી દુનિયાભરમાં આ પ્રણાલી પ્રચલિત થઈ. છબીઘરોમાં આ પદ્ધતિનો ઉપયોગ કરવા માટે ખાસ વ્યવસ્થા કરવી પડે છે.
‘ડીટીએસ’ તરીકે ઓળખાતી અંકિક ધ્વનિપ્રણાલી (digital theatre system) વધુ આધુનિક ધ્વનિપ્રણાલી છે. 1990ના દસકામાં પ્રચલિત બનેલી આ પદ્ધતિ ભારતમાં 1996માં આવી. છ ધ્વનિપથ ધરાવતી આ પદ્ધતિમાં છબીઘરમાં ડાબી બાજુ, જમણી બાજુ, વચ્ચે, પાછળ એ રીતે ગોઠવેલાં ધ્વનિક્ષેપકો સાથે જોડાયેલી છ વાહિનીઓ હોય છે. ડીટીએસ ધ્વનિપથ ફિલ્મમાં પટ્ટી પર અંકિત કરેલો હોતો નથી, પણ અલાયદી સીડી-રોમમાં હોય છે. ફિલ્મની પટ્ટી જ્યારે પ્રોજેક્ટર દ્વારા ચાલે છે ત્યારે સીડી-રોમમાંના સાઉન્ડટ્રૅકનું તેની સાથે સંકલન કરવામાં આવે છે. આ કામ ફિલ્મ પરના ખાસ ‘સમય સંકેતપથ’ની મદદથી કરવામાં આવે છે. આ કામ એટલી સૂક્ષ્મતાથી થાય છે કે પ્રિન્ટમાં કટ હોય કે ર્દશ્યો ઊલટસૂલટ થઈ ગયાં હોય તોપણ ધ્વનિપથ તેને અનુરૂપ જ ચાલે છે. અંકિક ધ્વનિને પગથિયાંવાળી સીડી સાથે સરખાવી શકાય. તેમાં ધ્વનિની તીવ્રતા તથા આનુષંગિક લક્ષણો અત્યાર સુધી પ્રચલિત ઢાળ જેવા આરોહ-અવરોહના બદલે નિશ્ચિત એકમોમાં વહેંચીને સીડીનાં પગથિયાંની જેમ આલેખવામાં આવે છે. આથી સ્વરની સૂક્ષ્મતા તથા તેની ભિન્નતા સચવાય છે અને સ્વર વધારે નૈસર્ગિક સ્વરૂપમાં સંભળાય છે.
ફિલ્મ બનાવવા માટે ઉપયોગમાં લેવાતી પટ્ટી સેલ્યુલોઇડ પ્રકારના પ્લાસ્ટિકની બનેલી હોય છે. તે પાતળી, પારદર્શી અને લચીલી (flexible) હોય છે. તેની એક બાજુની સપાટી લીસી અને ચળકતી હોય છે, જ્યારે બીજી બાજુની સપાટી ઉપર પ્રકાશ-સંવેદનશીલ રસાયણોના દ્રાવણનો સ્તર હોય છે. તે જિલેટિનમાં ચાંદીના ક્ષારો મેળવીને બનાવેલું હોય છે. કૅમેરા દ્વારા લેવાતાં ર્દશ્યોની છાયાઓ તેના પર અંકિત થાય છે. ચલચિત્ર માટે વ્યાપક ઉપયોગમાં આવતી 35 મિમી. પહોળી પટ્ટીના 30 સેમી.ના ટુકડામાં 16 ચોકઠાં હોય એવું માપ પ્રચલિત છે. દરેક ચોકઠું 19 મિમી. ઊંચું હોય છે. ચોકઠું એ આખી ફિલ્મનો સૌથી નાનો એકમ ગણાય છે. દરેક ચોકઠું કોઈ એક ર્દશ્યને આવરી લેતું હોય છે. પણ જ્યારે એક સેકંડમાં આવાં 24 ચોકઠાં પ્રોજેક્ટરમાંથી પસાર થાય છે ત્યારે એ ર્દશ્ય પડદા પર હાલતુંચાલતું લાગે છે. પટ્ટી પર બંને બાજુ ધાર પાસે છિદ્રો હોય છે. તે એવી રીતે કે દરેક ચોકઠાની બંને બાજુએ ચાર-ચાર ચોરસ કાણાં આવે છે. ફિલ્મની પટ્ટીનું આ માપ 1899માં ઈસ્ટમૅન કૉડાક કંપનીએ ફિલ્મની પટ્ટીનું નિર્માણ કર્યું ત્યારે જ નિર્ધારિત કર્યું હતું; કારણ કે એડિસનની પ્રયોગશાળામાં કાર્ય કરતા સાથી ડબ્લ્યૂ. કે. એલ. ડિક્સને આ માપ સૂચવ્યું હતું. આ માપને અમેરિકાની ‘સોસાયટી ઑવ્ મોશન પિક્ચર એન્જિનિયર્સે’ 1917માં પ્રમાણિત માપ તરીકે સ્વીકાર્યું હતું. મૂક ફિલ્મોના સમયમાં ફિલ્મના ચિત્રાંકન વખતે કૅમેરામાંથી 35 મિમી. ફિલ્મની પટ્ટી દર સેકંડે 16 ચોકઠાંના હિસાબે ખસતી હતી, પણ બોલપટનો યુગ શરૂ થતાં પટ્ટીની ઝડપ 24 ચોકઠાં દર સેકંડે અપનાવવામાં આવી હતી.
રંગીન ફિલ્મની પટ્ટી પર રસાયણોના પાંચ થર હોય છે, જેમાંનો કોઈ એક મૂળ રંગ પ્રત્યે સંવેદનશીલ હોય છે. સૌથી ઉપરના વાદળી સંવેદી થરની નીચે પીળું ફિલ્ટર હોય છે જે વાદળી પ્રકાશને એ પછીના નીચેના થર સુધી પહોંચતાં અટકાવે છે. એ થર લીલા અને વાદળી રંગ પ્રત્યે સંવેદનશીલ હોય છે. સૌથી નીચેનો થર લાલ અને વાદળી રંગ પ્રત્યે સંવેદનશીલ હોય છે.
35 મિમી. ફિલ્મ મોંઘી હોવાને કારણે ખર્ચ ઘટાડવા નિર્માતાઓ પ્રમાણમાં સસ્તી 8 મિમી. અને 16 મિમી. ફિલ્મનો ઉપયોગ કરે છે. 16 મિમી. ફિલ્મનો ઉપયોગ તો વ્યાવસાયિક ફિલ્મ બનાવનારા પણ કરતા રહ્યા છે. પણ સમય જતાં 8 મિમી. ફિલ્મ ને સુપર 8 મિમી. ફિલ્મનો ઉપયોગ થવા માંડ્યો હતો. આવી ફિલ્મો શૈક્ષણિક હેતુસર બનાવાતી હોય છે. વધુ પહોળા ર્દશ્યપટ માટે 70 મિમી. ફિલ્મનો પણ ઉપયોગ પ્રચલિત છે.
1950 પહેલાં ફિલ્મની પટ્ટીમાં સેલ્યુલોઝ નાઇટ્રેટનો ઉપયોગ કરાતો હતો. તે અત્યંત જ્વલનશીલ હોઈ પટ્ટીને સાચવવી ખૂબ મુશ્કેલ બની રહેતી હતી. એ જમાનામાં ફિલ્મ સ્ટુડિયોમાં આ કારણસર આગ લાગવાના અનેક બનાવ બન્યા હતા. પણ 1950 પછી ફિલ્મમાં સેલ્યુલોઝ એસિટેટનો ઉપયોગ થાય છે.
ફિલ્મ અને પડદા પર પડતી છાયાની પહોળાઈના તેની ઊંચાઈ સાથેના પ્રમાણને ‘આસ્પેક્ટ રેશિયો’ કહે છે. મૂક ફિલ્મ માટે ‘આસ્પેક્ટ રેશિયો’ 1.33 : 1 (અથવા 4 : 3) હતો. આ પ્રમાણનો પ્રથમ ઉપયોગ એડિસનના ઉપકરણ દ્વારા કરાયો હતો; પણ જ્યારે ફિલ્મની પટ્ટી સાથે ધ્વનિપટ્ટી ઉમેરવામાં આવી ત્યારે પડદા પર પડતું ર્દશ્ય લગભગ ચોરસ જેવું થતું હતું. તે અનુકૂળ ન જણાતાં ‘ધ એકૅડેમી ઑવ્ મોશન પિક્ચર આર્ટ્સ ઍન્ડ સાયન્સીઝે’ 1932માં ફ્રેમને ઉપરથી અને નીચેથી થોડી ઢાંકી દઈને 1.33 : 1નું પ્રમાણ અપનાવ્યું.
1950 પછી વધુ પહોળા ર્દશ્યપટનો પ્રયોગ થતાં પહોળા પડદા માટે પહેલાં 2.55 : 1નો આસ્પેક્ટ રેશિયો હતો, પણ ફિલ્મની પટ્ટી સાથે ધ્વનિપટ્ટી જોડી શકાય તે માટે આ પ્રમાણ 2.35 : 1નું કરાયું. એ પછી 70 મિમી. ફિલ્મ માટે 2.2 : 1નો આસ્પેક્ટ રેશિયો રખાયો.
‘સિનેમાસ્કોપ’માં એનામૉર્ફિક ર્દક્-કાચનો ઉપયોગ કરાય છે. ટ્વેન્ટિએથ સેન્ચ્યુરી ફૉકસ કંપનીએ 1953માં પ્રથમ વાર ‘ધ રોબ’ ફિલ્મમાં આ પદ્ધતિનો ઉપયોગ કર્યો હતો. મૂળ ફ્રાન્સના હેન્રી ખ્રેત્યાં(Henri Chretien)એ લશ્કરી ટૅન્ક માટે આ કાચ બનાવ્યો હતો, જે ટૅન્કમાંથી જોનારને સામેનું 180 અંશનું ર્દશ્ય બતાવી શકે. આ કાચના આધારે ફૉકસ કંપનીએ વિકસાવેલો કાચ ર્દશ્યને બંને પડખેથી સંકડાવીને 35 મિમી.ની સાદી પટ્ટી ઉપર અંકિત કરે છે અને પછી પ્રોજેક્ટરમાં આ જ પ્રકારનો બીજો ઊલટો કાચ ર્દશ્યને મૂળ માપમાં પહોળું કરીને પડદા પર દર્શાવે છે. પણ ક્રિયામાં ર્દશ્ય કોઈ રીતે વિકૃત થતું નથી. ‘પાનાવિઝન’ પદ્ધતિ આવી એક દર્શનપદ્ધતિ છે.
70 મિમી. ફિલ્મ ચલચિત્ર બનાવવા માટે ઉપયોગમાં લેવાતી સૌથી પહોળી ફિલ્મ છે. વધુમાં વધુ પ્રચલિત 35 મિમી. ફિલ્મ કરતાં તે બમણી પહોળી છે. અમેરિકા અને પશ્ચિમ યુરોપના દેશોમાં 70 મિમી. ફિલ્મ બનાવવા 65 મિમી. ફિલ્મની નેગૅટિવનો ઉપયોગ કરાય છે. જોકે તાજેતરનાં વર્ષોમાં 35 મિમી. નેગૅટિવનો 70 મિમી. માટે ઉપયોગ કરવાનું પ્રચલન વધ્યું છે.
પડદા પર રજૂ થતી ફિલ્મ દ્વિપરિમાણીય હોય છે એટલે કે તે માત્ર લંબાઈ (ફિલ્મના ર્દશ્યના સંદર્ભમાં ઊંચાઈ) અને પહોળાઈ જ દર્શાવે છે; જ્યારે માણસની આંખ કુદરતી રીતે લંબાઈ અને પહોળાઈ ઉપરાંત ઊંડાઈ પણ જોઈ શકે છે. ઊંડાઈ એ ર્દશ્યનું ત્રીજું પરિમાણ છે. ફિલ્મને પણ છબીઘરમાં આ ત્રણેય પરિમાણો સાથે રજૂ કરવાના પ્રયોગો થતા રહ્યા છે. આવી ફિલ્મોને ત્રિપરિમાણી ચિત્ર (three dimensional film) કહે છે, જે થ્રી-ડી ફિલ્મ તરીકે વધુ જાણીતી બની છે. છબીઘરમાં આવી ફિલ્મો જોવા માટે ખાસ પ્રકારનાં ચશ્માં પહેરવાં પડે છે, પણ માણસની ખુલ્લી આંખને ત્રિપરિમાણીય કુદરતી ર્દશ્ય જોવા માટે કોઈ ચશ્માંની જરૂર પડતી નથી, કારણ કે આંખ એ રીતે જ બનેલી છે.
માણસ કોઈ પણ ર્દશ્યને બે આંખે જુએ છે. આંખોના બંને ડોળા વચ્ચે સરેરાશ 6.25 સેમી. અંતર હોય છે. પરિણામે બંને આંખ એક જ ર્દશ્યને સહેજ જુદા જુદા કોણથી જુએ છે. આ બંને ર્દશ્યો નેત્રતંતુ દ્વારા મગજમાં પહોંચતાં ત્યાં બંને ર્દશ્યોની મિલાવટ થતી વખતે તેમાં ઊંડાઈનું ત્રીજું પરિમાણ ઉમેરાય છે અને માણસ ર્દશ્યને પૂરેપૂરું ત્રિપરિમાણીય રીતે જોઈ શકે છે. તેની સરખામણીમાં કોઈ પણ ર્દશ્યને ફિલ્મની પટ્ટી પર ઝીલવા માટે ઉપયોગમાં લેવાતા કૅમેરામાં માત્ર એક જ કાચ હોય છે એટલે પડદા પર દેખાતાં ફિલ્મનાં ર્દશ્યો જાણે એક જ આંખ વડે લેવાયેલાં હોય છે. પડદા પર ફિલ્મને ત્રિપરિમાણીય રીતે રજૂ કરવા માણસની બે આંખની જેમ જ બે કાચવાળા કૅમેરાનો ઉપયોગ કરવામાં આવે છે.
ત્રિપરિમાણ ફિલ્મોનો પ્રયોગ ઘણાં વર્ષોથી કરાઈ રહ્યો છે. સૌપ્રથમ વાર એક ઇટાલિયન સાન્તે બોનાલ્ડોએ 1936માં ‘નાઝે વેગાબોન્દ’ નામની પ્રથમ ત્રિપરિમાણ ફિલ્મ બનાવી હતી, પણ એ વખતે ચશ્માંને બદલે પ્રેક્ષકોએ બંને આંખો સામે સતત બે ફિલ્ટરો પકડી રાખવાં પડતાં હતાં. કેટલાંક વર્ષો પછી આ ફિલ્ટરો ચશ્માં રૂપે આવ્યાં.
ત્રિપરિમાણ ફિલ્મનું ચિત્રાંકન બે લેન્સ ધરાવતા કૅમેરા વડે લાલ તથા ભૂરા રંગોમાં કરાય છે. એક લેન્સ ભૂરા રંગને અને બીજો લેન્સ લાલ રંગને ફિલ્મ પર અંકિત કરે છે. છબીઘરમાં આ બંને રંગોનું એકસાથે પ્રક્ષેપણ કરવામાં આવે છે. પ્રેક્ષકે જે ચશ્માં પહેરેલાં હોય તેમાં એક ફિલ્ટર લાલ રંગનું અને બીજું ભૂરા રંગનું હોય છે. જે તે ફિલ્ટર વિરોધી રંગની છાપને ચાળી નાખે છે અને બે આંખની જેમ બે લેન્સ વડે લેવાયેલાં ર્દશ્યો એકબીજાંમાં એ રીતે ભળી જાય છે કે ઊંડાણનું ત્રીજું પરિમાણ જોઈ શકાય છે. થ્રી-ડી ફિલ્મો પણ રંગીન બનવા માંડી એટલે ફિલ્ટરવાળાં ચશ્માંને સ્થાને પોલેરોઇડ ચશ્માં આવી ગયાં. ભારતમાં 1984માં મૂળ તમિળ ભાષામાં ‘માય ડિયર કુટ્ટીચેતન’ નામની પ્રથમ ત્રિપરિમાણ ફિલ્મ બની હતી, જેનું હિંદી રૂપાંતર ‘છોટા ચેતન’ નામે રજૂ કરવામાં આવ્યું હતું. હોલિવુડમાં ઘણી ત્રિપરિમાણ ફિલ્મોનું નિર્માણ થયું છે; પણ એવું જોવાયું છે કે આવી ફિલ્મોનો વચ્ચે વચ્ચે એક દોર આવી જાય છે. આજે પણ ત્રિપરિમાણ ફિલ્મો એક નવીનતા તરીકે જ પ્રેક્ષકો જોવા જાય છે. મોટેભાગે ચમત્કારી ર્દશ્યો ધરાવતાં કથાનકો જ ત્રિપરિમાણ ફિલ્મો માટે પસંદ કરાતાં રહ્યાં છે. 1986માં હિંદીની પ્રથમ ત્રિપરિમાણ ફિલ્મ ‘શિવા કા ઇન્સાફ’ બની. એ પછી 1998માં ‘છોટા ચેતન’ને જ ફરી એક વાર કથાનકમાં થોડા સુધારા સાથે રજૂ કરવામાં આવી હતી.
ત્રિપરિમાણ ફિલ્મના ચિત્રાંકન માટે ‘સ્ટિરિયોવિઝન’ તથા ‘એરિવિઝન’ એમ બે જાતના કૅમેરાનો ઉપયોગ થાય છે. બંનેની પ્રવિધિ થોડા અંશે જુદી છે. પણ મૂળ સિદ્ધાંત તો એ જ છે. ‘છોટા ચેતન’નું નિર્માણ ‘સ્ટિરિયોવિઝન’ કૅમેરા વડે અને ‘શિવા કા ઇન્સાફ’નું નિર્માણ ‘એરિવિઝન’ કૅમેરા વડે કરાયું હતું.
ફિલ્મોમાં ર્દશ્યોને વધુ અસરકારક બતાવવા માટે, ચમત્કારો બનતા દર્શાવવા માટે, ટ્રિક-ફોટોગ્રાફીનો ઉપયોગ આરંભનાં વર્ષોથી જ કરાતો રહ્યો છે. આવી ટ્રિક-ફોટોગ્રાફીનો ઉપયોગ કરીને ઉપજાવાતી અસરને વિશેષ ર્દશ્યરચના (special effects) કહે છે. એ માટે ઉપયોગમાં લેવાતી જુદી જુદી પ્રયુક્તિઓને વર્ષોથી વિજ્ઞાનની નવી નવી શોધોનો લાભ મળતો રહ્યો છે. હવે વિશેષ ર્દશ્યરચના માટે કમ્પ્યૂટરનો પણ વ્યાપક ઉપયોગ થાય છે.
વર્ષો પહેલાં માત્ર ધાર્મિક, ઐતિહાસિક, ચમત્કારી કથાનકો ધરાવતી ફિલ્મોમાં વિશેષ ર્દશ્યરચનાનો ઉપયોગ કરાતો, પણ હવે બધા પ્રકારની ફિલ્મોમાં વિશેષ ર્દશ્યરચનાનો ઉપયોગ કરાવા માંડ્યો છે.
વિશેષ ર્દશ્યરચના માટેની જે કેટલીક જાણીતી પ્રયુક્તિઓ છે તેમાં એક છે પશ્ચ પ્રક્ષેપણ (back projection). ફિલ્મના ચિત્રાંકન વખતે અગાઉથી લીધેલાં શ્યોનું પારદર્શક પડદા પર પાછળથી પ્રક્ષેપણ કરવામાં આવે છે. પડદાની આગળ અદાકારો અભિનય કરે છે. આ રીતે સ્ટુડિયોમાં જ શૂટિંગ કરીને અદાકારો જંગલમાં અથવા અન્યત્ર હોય એવું દર્શાવી શકાય છે. આજે પણ આ પ્રયુક્તિનો ઉપયોગ કરવામાં આવે છે.
સન્મુખ પ્રક્ષેપણ (front projection) પ્રયુક્તિ પશ્ચ-પ્રક્ષેપણથી વિપરીત છે. તેમાં પડદા પર આગળની બાજુથી પ્રક્ષેપણ કરવામાં આવે છે. પડદાની સામે અદાકાર પણ હોય છે. તેના શરીર પર ફિલ્મનો પ્રક્ષેપિત ભાગ ન પડે તે માટે અરીસાનો ઉપયોગ કરવામાં આવે છે. ‘સુપરમૅન’ ફિલ્મમાં સુપરમૅન ઊડતો હોય ત્યારે પશ્ચાદભૂમાં દેખાતાં શહેરનાં કે અન્ય ર્દશ્યો સન્મુખ પ્રક્ષેપણ પ્રયુક્તિથી દર્શાવેલાં હોય છે.
વિજ્ઞાનકથાઓ પર આધારિત ચિત્રો જેવાં કે ‘2001 : એ સ્પેસ ઓડિસી’ (1968), ‘સ્ટારવૉર્સ’ (1977) અને એ પછીનાં વર્ષોમાં બનેલી અનેક ફિલ્મોમાં અવકાશી યુદ્ધ દર્શાવવા માટે બીજા ગ્રહોના જીવોનું પૃથ્વી પર આક્રમણ થતું દર્શાવવા માટે અને એ પ્રકારનાં અન્ય ર્દશ્યો માટે ચિત્રવિચિત્ર આકારનાં પ્રાણીઓને જીવતાંજાગતાં દર્શાવવા વિશેષ ર્દશ્યરચનાનો અસરકારક ઉપયોગ કરાતો રહ્યો છે.
ગતિનિયંત્રણ (motion control) પ્રયુક્તિનો ઉપયોગ ‘સ્ટારવૉર્સ’માં ખૂબ સુંદર રીતે કરાયો છે. લડાઈનાં ર્દશ્યો વખતે આ ફિલ્મમાં જુદાં જુદાં પ્રાણીઓની પ્રતિમાઓ મોટેભાગે સ્થિર રખાઈ હતી અને કૅમેરાને ગતિમાં રખાયા હતા. ‘2001 : એ સ્પેસ ઓડિસી’માં આવાં જ ર્દશ્યો વખતે પ્રતિમાઓને હલનચલન કરતી રાખીને તથા કૅમેરા સ્થિર રાખીને ચિત્રાંકન કરાયું હતું, જે વધુ સમય લેનારું તથા ખર્ચાળ હતું.
ફિલ્મમાં પ્રાણીઓ દર્શાવવા માટે બનાવેલી પ્રતિમાઓને હલનચલન કરતી દર્શાવવા અટકગતિ (stop motion) પ્રયુક્તિનો ઉપયોગ કરાય છે. દરેક પ્રતિમાને હલનચલન કરતાં જુદી જુદી સ્થિતિમાં એક એક ચોકઠું ઝડપીને પછી એ ર્દશ્યોને જ્યારે નિશ્ચિત ગતિમાં પડદા પર પાડવામાં આવે છે ત્યારે તે સળંગ અને હાલતાંચાલતાં જણાય છે.
કોઈ ફિલ્મમાં પચાસ વર્ષ પહેલાંનું મુંબઈ દેખાડવું હોય તો તેનું ચિત્રાંકન આધુનિક મુંબઈમાં કરવું મુશ્કેલ બની જાય; પણ અત્યારના મુંબઈનાં ર્દશ્યોને ઢાંકી દઈને તેના સ્થાને પચાસ વર્ષ પહેલાંના મુંબઈનાં ર્દશ્યો પશ્ચાદભૂમાં દર્શાવવાની પ્રયુક્તિને ઢાંકપિછોડો કે આવરણ (matte painting) કહે છે. 1930ના દાયકાથી આ પ્રયુક્તિનો ઉપયોગ કરાય છે.
ફરતા ઢાંકપિછોડા(travelling matte)ની પ્રયુક્તિનો ઉપયોગ ‘સુપરમૅન’ ફિલ્મમાં ખૂબ કરાયો છે. ઊડતો સુપરમૅન દૂરથી નાનો દેખાતો હોય તે ધીમે ધીમે મોટો થતો નજીક આવતો જાય. તે જ વખતે પશ્ચાદભૂમાં દેખાતાં ર્દશ્યો પણ બદલાતાં રહેતાં હોય. આવાં ચિત્રાંકન ફરતા કે સરકતા ઢાંકપિછોડાની પ્રયુક્તિ વડે કરવામાં આવે છે.
વાદળી પડદા (blue screen) પ્રયુક્તિ વડે પણ આવી અસરો પેદા કરી શકાય છે.
વિશેષ ર્દશ્યરચના માટે કમ્પ્યૂટરનો ઉપયોગ હવે વધી ગયો છે. જુદી જુદી ક્રિયા માટે જુદા જુદા સૂચનાક્રમ(software)નો ઉપયોગ થાય છે. બધા જ પ્રકારની અસર પેદા કરી શકાય એવો એક પણ સૂચનાક્રમ નથી. ‘ટાઇટેનિક’(1998)માં દરિયાનાં મોજાંથી માંડીને દરિયામાં તરતા હિમશૈલ દર્શાવવા અને ટાઇટેનિકના બે ભાગ થઈને તેને ડૂબતી દર્શાવવા સુધીની ર્દશ્યરચના માટે જુદી જુદી 15 કંપનીઓના સૂચનાક્રમનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
કમ્પ્યૂટર પર આધારિત વિશેષ ર્દશ્યરચનાના અસરકારક ઉપયોગની શરૂઆત સ્ટિવન સ્પીલબર્ગે ‘જુરાસિક પાર્ક’ ફિલ્મમાં પહેલી વાર કરી. ડાયનોસૉર પ્રાણીઓની પ્રતિમામાં જીવ નાખવાનું કામ ‘રોબૉટિક્સ’ પ્રવિધિ વડે કરાયું હતું. આ પ્રવિધિમાં સુપર કમ્પ્યૂટરની મદદથી પ્રતિમાની ચાલ તથા હાવભાવનું નિયંત્રણ કરાય છે. જ્યાં પ્રતિમાનો ઉપયોગ સંભવ ન હોય ત્યાં કમ્પ્યૂટર ચેતનારોપણ(animation)ની મદદ લેવાય છે. ‘જુરાસિક પાર્ક’ ફિલ્મમાં એક પાત્ર (જેફ ગોલ્ડબ્લમ) પાછળ ડાયનોસૉર દોડતું હોય એવું એક ર્દશ્ય છે. આ ર્દશ્યમાં પ્રતિમાનો નહિ, ચેતનારોપણનો ઉપયોગ કરાયો છે. પહેલાં અભિનેતાને દોડતો દર્શાવ્યા પછી કમ્પ્યૂટરના સિલિકોન ગ્રાફિક્સ દ્વારા ડાયનોસૉરનું ચિત્રકામ કરી દેવાયું હતું.
ક્યારેક એક જ કલાકારને બેવડી ભૂમિકામાં રજૂ કરવામાં આવે છે. પહેલાં એક જ ર્દશ્યમાં બંનેને સાથે ભાગ્યે જ દેખાડી શકાતા. આવું ર્દશ્ય આવતું ત્યારે જોનારને ખ્યાલ પણ આવી જતો કે બે જુદા જુદા સમયે લેવાયેલાં ર્દશ્યો ભેગાં કરાયાં છે. પણ કમ્પ્યૂટરની મદદથી એક જ કલાકારને બેથી વધુ સંખ્યામાં એકસરખી કે જુદી જુદી વેશભૂષામાં દર્શાવી શકાય છે. તમિળ ફિલ્મ ‘જીન્સ’(1997)માં બે અભિનેતાઓને બેવડી ભૂમિકામાં આ પ્રયુક્તિથી રજૂ કરાયા હતા.
હિંદી ફિલ્મોમાં પણ પહેલાં માત્ર ધાર્મિક અને ચમત્કારી ફિલ્મોમાં વિશેષ ર્દશ્યરચનાનો ઉપયોગ કરાતો હતો. હવે તે સામાન્ય બની ગયું છે. ‘ગુલામ’(1998)માં આમીરખાનને પાટા પર પૂરપાટ ધસી આવતી ગાડી સામે દોડતો દર્શાવાયો છે. છેક છેલ્લી ઘડીએ તે પાટા પરથી નીચે ઊતરી જાય છે. આ ર્દશ્યમાં વાદળી પડદા પ્રક્રિયા પ્રયુક્તિનો ઉપયોગ કરાયો છે. પાટા પર વાદળી રંગનો પડદો મૂકીને તેની સામે પાત્રને દોડતો દર્શાવાયા બાદ ગાડીનું પણ એ જ રીતે ચિત્રાંકન કરીને બંને ર્દશ્યોને જોડી દેવાયાં હતાં.
‘હમ દિલ દે ચૂકે સનમ’ (1999)ના એક ર્દશ્યમાં આકાશમાં અસંખ્ય પતંગો ઊડતી દર્શાવાઈ છે. એ પણ કમ્પ્યૂટરની કમાલ હતી. ત્રણ-ચાર પતંગો ઊડતી હોય એવો શૉટ લીધા બાદ બહુસંચારણ (multi- plexion) પ્રયુક્તિ વડે ત્રણ-ચાર પતંગોને અસંખ્ય બનાવી દેવાઈ હતી.
હરસુખ થાનકી