ફિલ્મ ઍન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ઇન્ડિયા

February, 1999

ફિલ્મ ઍન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ઇન્ડિયા : ફિલ્મનું નિર્માણ કરવાથી માંડીને છબીકલા, સંપાદન અને સાઉન્ડ-રેકૉર્ડિંગ જેવાં મહત્વનાં પાસાંની સુગ્રથિત અને વ્યવસ્થિત તાલીમ આપતી સરકારી સંસ્થા. સ્થાપના ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ઇન્ડિયા નામથી 1960માં કરાઈ. પ્રભાત ફિલ્મ્સનો સ્ટુડિયો તેણે કામમાં લીધો. એસ. કે. પાટિલ ફિલ્મ તપાસ સમિતિએ કરેલી ભલામણ પછી દસ વર્ષે પુણેમાં આ સંસ્થાની રચના થઈ. 1974માં ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયની નાણાકીય સહાય સાથે આ સંસ્થા સ્વાયત્ત બની. દેશમાં દૂરદર્શનના વિકાસના આયોજનને ધ્યાનમાં લઈને ટેલિવિઝનનો વિભાગ ઉમેરાયો.

ખ્યાતનામ ચિત્રસર્જક ઋત્વિક ઘટક, આ સંસ્થામાં અધ્યાપક તથા ઉપાચાર્ય (1966–67) તરીકે જોડાયા તે પછી સંસ્થાની પ્રતિષ્ઠામાં ખૂબ વધારો થયો. પહેલાં અહીં ત્રણ માસના ટૂંકા ગાળાના અભ્યાસક્રમોનું આયોજન કરાયું હતું. આ અભ્યાસક્રમોમાં ફિલ્મઉદ્યોગમાં કાર્યરત ટેક્નિશિયનોને આધુનિક ઉપકરણો અને તેના ઉપયોગની જાણકારી આપવામાં આવતી હતી. જુલાઈ 1961થી સંસ્થામાં નિયમિત અભ્યાસક્રમો શરૂ થયા.

પૅરિસની જગવિખ્યાત ‘સિલેક્ટ’ (CILECT) સંસ્થા સાથે તે સંકળાયેલી છે અને યુનેસ્કોના પ્રાદેશિક તાલીમકેન્દ્ર તરીકે પણ તેને માન્યતા મળેલી છે. સંસ્થા સાથે ટેલિવિઝન પાંખ 1974થી જોડાઈ. એ પછી તેને હાલનું નામ ‘ફિલ્મ ઍન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ઇન્ડિયા’ અપાયું.

આ સંસ્થામાં ફિલ્મનિર્માણનાં વિવિધ પાસાંને લગતું શિક્ષણ આપવા માટે પૂર્ણકાલીન શિક્ષકો ઉપરાંત દેશવિદેશના નિષ્ણાતોની સેવા લેવામાં આવે છે. સંસ્થામાં ફિલ્મ અને ટેલિવિઝનવિભાગોમાં પ્રવેશનાં ધોરણો જુદાં જુદાં છે. ફિલ્મવિભાગમાં સામાન્ય લોકોને નિર્ધારિત શરતો મુજબ પ્રવેશ મળે છે, પણ ટેલિવિઝનવિભાગમાં માત્ર દૂરદર્શનના કર્મચારીઓને જ તાલીમ માટે મોકલવામાં આવે છે. તેમના માટે 15થી 20 સપ્તાહના અભ્યાસક્રમો છે; જેમાં પટકથા-લેખન, છબીકલા, ધ્વનિ અને પ્રકાશ-વ્યવસ્થા તથા ધ્વનિ-અંકનનો સમાવેશ થાય છે. શબાના આઝમી અને નસિરુદ્દીન શાહથી માંડીને અત્યારના બીજા ઘણા ખ્યાતનામ કલાકારો અને કસબીઓ આ સંસ્થાની દેણ છે.

હરસુખ થાનકી