ફિક્ટે/ફિખ્તે, જોહાન ગોટલિબ (જ. 19 મે 1762, રામેનો, સૅક્સોની, જર્મની; અ. 27 જાન્યુઆરી 1814, બર્લિન) : આદર્શવાદી ચિંતક અને જર્મન વૈચારિક રાષ્ટ્રવાદનો ઉદગાતા. જીવનમાં અનેક ચડાવ-ઉતાર અનુભવનાર આ ચિંતકે બર્લિનમાંની જેના યુનિવર્સિટીમાં પ્રાધ્યાપક તરીકે કારકિર્દીની શરૂઆત કરી હતી. બર્લિન યુનિવર્સિટીના પ્રથમ રેક્ટર તરીકે તેઓ ચૂંટાયા હતા. આ ચિંતક પર લેસિંગ, રૂસો, સ્પિનોઝા અને કાન્ટ જેવા વિચારકોનાં લખાણોનો પ્રભાવ હતો. તેમના નિબંધગ્રંથ ‘ઍન એટેમ્પ્ટ ઍટ અ ક્રિટિક ઑવ્ ઑલ રિવિલેશન’ની પ્રસ્તાવના કાન્ટ જેવા સમર્થ વિચારકે લખી હતી.

રાજકીય ચિંતનમાં તેમનું પ્રદાન નોંધપાત્ર ગણાય છે. રાજકીય તત્વજ્ઞાનને લગતી તેમની પોતાની કેટલીક પાયાની માન્યતાઓ હતી : દા.ત., જર્મન પ્રજા માનવજાતની આદિમ ભાષા બોલે છે, તે પ્રકૃતિની વધુ નજીક છે અને તેથી તે પ્રજા અન્ય લોકો કરતાં વધુ શ્રેષ્ઠ છે. બીજું, રાજ્ય રાજ્ય વચ્ચેના સંબંધોમાં માત્ર એક જ કાયદો – બળનો કાયદો પ્રવર્તે છે. ત્રીજું, રાજ્યની નીત્તિમત્તાનો માપદંડ વ્યક્તિની નીતિમત્તાના માપદંડથી અલગ હોય છે. આ માન્યતાઓને આધારે રાજ્યની સર્વવ્યાપક ને સર્વોચ્ચ સત્તાની તેમણે હિમાયત કરી અને જર્મન પ્રજાની એકતાને સર્વોચ્ચ ઠેરવવા તેઓ પ્રયાસશીલ રહ્યા. વળી ઉત્પાદન, વહેંચણી, માલિક-શ્રમિક-સંબંધો જેવી બાબતો નક્કી કરવાનું કાર્ય રાજ્ય હસ્તક જ હોવું જોઈએ એમ તેઓ માનતા હતા. તેમણે રાજ્ય-સમાજવાદની જોરદાર હિમાયત કરી હતી. આ વિચારો દ્વારા જર્મનીમાં નાઝીવાદ માટેની વૈચારિક ભૂમિકાનો પિંડ તેમણે બાંધ્યો એમ કહેવાય.

તેમનો પ્રસિદ્ધ ગ્રંથ ‘ફાઉન્ડેશન ઑવ્ એન્ટાયર સાયન્સ ઑવ્ નૉલેજ’ (1794) નૈતિક જ્ઞાનમીમાંસાની ચર્ચાને આવરી લે છે. આ ગ્રંથની દસ આવૃત્તિઓ પ્રગટ થઈ હતી. ‘એડ્રેસિઝ ટુ ધ જર્મન નૅશન’ (1807–08) ગ્રંથ દ્વારા નેપોલિયનના પરાજયથી ઘવાયેલા જર્મનીને બેઠું કરવા તેમણે આધુનિક રાષ્ટ્રવાદના સિદ્ધાંતની પ્રશિષ્ટ રજૂઆત કરીને જર્મન પ્રજાના ઐક્યની હિમાયત કરી હતી. ‘ડિમાન્ડ ફૉર રિટર્ન ઑવ્ ફ્રી થૉટ ફ્રૉમ યુરોપ્સ પ્રિન્સિઝ’, ‘કૉન્ટ્રિબ્યૂશન્સ’, ‘ટ્રિટાઇઝ ઑન નૅચરલ લૉ’, ‘ધ ક્લોઝ્ડ કૉમર્શિયલ સ્ટેટ’ જેવા અન્ય ગ્રંથોના પણ તેઓ રચયિતા છે.

રક્ષા મ. વ્યાસ