ફાંસી (ન્યાયસહાયક તબીબીવિદ્યાના સંદર્ભે) : ભારતમાં ગુનેગારને લટકાવીને અપાતો ન્યાયિક મૃત્યુદંડ. તેને શાસ્ત્રીય પરિભાષામાં ન્યાયિક અધ:લંબન (judicial hanging) કહે છે. લટકાવીને મારી નાંખવાની દરેક ક્રિયાને ફાંસી કહેવાતી નથી. ફક્ત ન્યાયિક પ્રક્રિયાના ભાગરૂપે વ્યક્તિને લટકાવીને મારવામાં આવે તો તેને ફાંસી કહે છે. લટકાવીને મારવાની ક્રિયા થતી હોવાથી તેને અધ:લંબન (hanging)નો એક પ્રકાર ગણવામાં આવે છે. તે એક પ્રકારનું પૂર્ણ અધ:લંબન છે. તેમાં મૃત્યુદંડ પામેલી વ્યક્તિને મોઢા પર કાળું મુખઢાંકણ (mask) પહેરાવવામાં આવે છે અને તેને એક પ્લૅટફૉર્મ પર ઊભી રાખવામાં આવે છે. એ પ્લૅટફૉર્મમાં એક છદ્મદ્વારિકા (trapdoor) હોય છે જેનો આગળો ખોલવામાં આવે કે તરત જ તે છદ્મદ્વારિકાનું બારણું (પાટિયું) નીચેની તરફ ખૂલી જાય છે. ઉપરથી એક 5થી 7 મી. લાંબું દોરડું લટકાવવામાં આવે છે જે સજા પામેલી (condemned) વ્યક્તિનાં વજન, ઉંમર અને દેહબંધારણને અનુરૂપ હોય છે. તે દોરડાને નીચલે છેડે એક ગાળિયો બનાવેલો હોય છે, જે સજા પામેલ વ્યક્તિના ગળાની આસપાસ ભેરવવામાં આવે છે અને તેની ગાંઠ તેના નીચલા જડબાના ખૂણા પાસે (કાનની નીચે) બાંધવામાં આવે છે. જો ગાંઠ ચિબૂક(chin)ની નીચે હોય તો તે વધુ અસરકારક હોય છે એવું માનવામાં આવે છે. પગ નીચેના પાટિયાનો આગળો ખસેડવાથી તે નીચેની તરફ અચાનક ખૂલી જાય છે અને તેને કારણે અચાનક ઝડપથી સજા પામેલ વ્યક્તિનું શરીર દોરડાની લંબાઈ જેટલું નીચે પડે છે. અંતે અચાનક તે એક આંચકા સાથે નીચે પડતું અટકી જાય છે. ગાંઠને કારણે માથા પર એક અતિ તીવ્ર ઝટકો લાગે છે. તેને કારણે ડોકના કરોડસ્તંભના મણકાને નુકસાન થાય છે. તેથી તે મણકા તૂટે છે અને ખસી જાય છે. તેને અસ્થિભંગ-વિચલન (fracture-dislocation) કહે છે. ડોક(ગ્રીવા)ના બીજા અને ત્રીજા મણકાને ગ્રીવામણિકાઓ (cervical vertebrae) અથવા C2 અને C3 કહે છે. તેમનાં ભંગ-વિચલન થાય ત્યારે C2ના અરીય પ્રવર્ધ(odontoid process)ને કારણે લંબમજ્જા(medulla oblongata)ને ઈજા પહોંચે છે. ક્યારેક C3 અને C4ને ઈજા પહોંચે છે. ત્યારે તેમાં કરોડરજ્જુ અને તેની આસપાસનાં આવરણો (તાનિકાઓ, meninges)ને ઈજા પહોંચે છે. કોક કિસ્સામાં C1ને ઈજા પહોંચે છે. તે સમયે પણ લંબમજ્જાને ઈજા પહોચે છે. ડોકના મણકા તૂટે છે માટે ડોક ઘણી લાંબી થઈ જાય છે અને તેથી ક્યારેક લંબમજ્જા અને મજ્જાસેતુ(pons)ના જોડાણ આગળ પૂરેપૂરો આડછેદ થઈ જાય છે. આ પ્રકારની કેન્દ્રીય ચેતાતંત્રની ઈજાને કારણે વ્યક્તિ તરત બેભાન થઈ જાય છે. તેનું હૃદય અને શ્વસનકાર્ય 10થી 15 મિનિટ ચાલ્યા કરે છે અને તેના સ્નાયુઓ થોડા સમય માટે આંચકા સાથે સંકોચાયા કરે છે. આ ઉપરાંત ક્યારેક ગ્રસની (pharynx) એટલે કે કંઠ કપાઈ જાય છે. માથા તથા મગજને લોહી પહોંચાડતી શીર્ષલક્ષી ધમનીઓ (carotid arteries) પણ પૂરેપૂરી કે અધૂરી રીતે કપાઈ જાય છે.
શ્વસનકાર્યમાં રૂંધામણ(asphyxia)ને લીધે થતા મૃત્યુનાં કારણોના 4 પ્રકારો ગણાય છે : (1) અધ:લંબન (hanging), (2) કંઠસંગ્રસન (strangulation), (3) ડૂબવું અને (4) ગૂંગળામણ (suffocation). અધ:લંબન અને કંઠસંગ્રસનમાં ગળાની આસપાસ કોઈ બંધન બાંધવામાં આવેલું હોય છે. વ્યક્તિનો શ્વાસ જો અધ:લંબન, કંઠસંગ્રસન કે ડૂબવા સિવાયથી રૂંધાયો હોય તો તેને ગૂંગળામણ કહે છે. કંઠસંગ્રસનમાં શ્વસનકાર્યમાં અવરોધ કોઈ બાહ્ય બળ કરે છે. તેમાં સામાન્ય રીતે ગળાની આસપાસના બંધનના જોરથી રૂધામણ કરે છે. અધ:લંબનમાં વ્યક્તિનું પોતાનું શરીર નીચે પડે છે અને તેના નીચે પડવાથી ઉદભવતા નીચે તરફના ખેંચાણના બળને કારણે ઈજા ઉદભવે છે. આકસ્મિક રીતે, હત્યા કે આત્મહત્યાના હેતુથી કે ન્યાયિક મૃત્યુદંડ રૂપે અધ:લંબન થાય છે. ગાંઠ ગળાના પાછલા ભાગમાં લગાવવામાં આવે તો તેને સર્વસામાન્ય (typical) અધ:લંબન કહે છે. ગળાના બીજા કોઈ પણ ભાગમાં ગાંઠ લગાવાય તો તેને અસર્વસામાન્ય (atypical) અધ:લંબન કહે છે. વળી જો વ્યક્તિનું આખું શરીર લટકતું રહે તો તેને પૂર્ણ અધ:લંબન (complete hanging) કહે છે અને જો તેના શરીરનો કોઈ ભાગ કશાકને અડતો રહે તો તેને અપૂર્ણ અધ:લંબન (incomplete hanging) કહે છે. આ રીતે જોતાં ફાંસી અસર્વસામાન્ય પ્રકારનું પૂર્ણ અધ:લંબન છે, જે રૂંધામણથી મૃત્યુ નિપજાવે છે.
રવીન્દ્ર ભીંસે
શિલીન નં. શુક્લ