ફાળકે, દાદાસાહેબ (જ. 30 એપ્રિલ 1870; ત્ર્યંબકેશ્વર, નાસિક પાસે, મહારાષ્ટ્ર; અ. 16 ફેબ્રુઆરી 1944) : પૂરું નામ ધુંડીરાજ ગોવિંદ ફાળકે. ભારતના પ્રથમ ચલચિત્ર ‘રાજા હરિશ્ચંદ્ર’નું સર્જન કરનાર ભારતીય ચલચિત્ર-ઉદ્યોગના પિતામહ. મુંબઈના કૉરોનેશન થિયેટરમાં 13 એપ્રિલ 1913ના દિવસે ‘રાજા હરિશ્ચંદ્ર’ પ્રદર્શિત થયું તે વખતે દાદાસાહેબની ઉંમર 43 વર્ષની હતી. પછીનાં 20 વર્ષો તેઓ ચલચિત્ર ઉદ્યોગમાં સક્રિય રહ્યા. એ દરમિયાન તેમણે 98 ચિત્રો અને 30 જેટલાં લઘુચિત્રોનું નિર્માણ કર્યું.
ફાળકેએ મુંબઈની જે. જે. સ્કૂલ ઑવ્ આર્ટ્માં 1885માં પ્રવેશ મેળવીને ચિત્રકળાનું શિક્ષણ લીધું હતું. એ પછી વડોદરાના ખ્યાતનામ કલાભવનમાં પ્રવેશ લઈને ચિત્રકળાની સાથોસાથ ફોટોગ્રાફી પણ શીખ્યા. 1903માં ભારત સરકારના પુરાતત્વ વિભાગમાં નકશાકાર તથા તસવીરકારની નોકરી શરૂ કરી, પણ 1905માં સ્વદેશી આંદોલનથી પ્રભાવિત થઈને નોકરી છોડી દીધી. પછી આર્થિક સંકડામણ અને બીમારીને કારણે ચારે તરફ નિરાશા અને હતાશાથી ઘેરાઈ ગયા. 1910ના અરસામાં તેમણે એક વિદેશી ચલચિત્ર ‘લાઇફ ઑવ્ ક્રાઇસ્ટ’ જોયું. આ ચિત્રથી તેઓ એવા પ્રભાવિત થયા કે તદ્દન ભારતીય પરિવેશ અને ભારતીય સંસ્કૃતિના નિરૂપણ સાથે ભગવાન કૃષ્ણનું આવું ચિત્ર બનાવવાનો તેમને વિચાર આવ્યો.
ફોટોગ્રાફી તો તેઓ જાણતા જ હતા; પણ સિનેમેટોગ્રાફીની તેમને કોઈ જાણકારી નહોતી. પહેલાં તો તેમણે ચલચિત્ર-કળા અંગેનું જેટલું મળ્યું એટલું સાહિત્ય વાંચી લીધું, પછી મિત્રો પાસેથી કરજ લઈને 1 ફેબ્રુઆરી 1912ના દિવસે લંડન ગયા. ત્યાં ‘બાયસ્કોપ’ સાપ્તાહિકના તંત્રી સાથે મેળાપ થતાં તેમની પાસેથી ઘણું જાણવા મળ્યું. લંડનમાં ચલચિત્ર-સર્જક સેસિલ હેપવર્થ સાથે મેળાપ થયો. તેમના સ્ટુડિયોમાં ચલચિત્રનિર્માણનાં વિવિધ પાસાં જોવા મળ્યાં. 1 એપ્રિલ 1912ના રોજ વિલિયમસન કૅમેરા તથા અન્ય સામગ્રી સાથે તેઓ ભારત પાછા આવ્યા. પહેલાં તો ‘ગ્રોથ ઑવ્ એ પ્લાન્ટ’ નામનું એક લઘુચિત્ર બનાવ્યું. પછી ચલચિત્ર બનાવવાનું પોતાનું સપનું સાકાર કરવા મથવા લાગ્યા.
પત્નીનાં ઘરેણાં ગીરવે મૂકીને તેમણે ચલચિત્રનું આયોજન શરૂ કર્યું. પ્રથમ ચિત્ર ‘રાજા હરિશ્ચંદ્ર’ના જીવન પરથી બનાવવાનું નક્કી કર્યું. તારામતીની ભૂમિકા માટે કોઈ સ્ત્રી તૈયાર ન થતાં હોટલમાં કામ કરતા અણ્ણા સાળુંકે નામના યુવાનને તે ભૂમિકા માટે તૈયાર કર્યો. હરિશ્ચંદ્રની ભૂમિકા માટે ડી.ડી. દાબકે અને બાળકલાકાર તરીકે પોતાના પુત્ર બાલચંદ્રને તૈયાર કર્યા. આ ચિત્રના નિર્માણથી માંડીને પ્રચારક સુધીની તમામ જવાબદારી ફાળકેએ એકલા હાથે નિભાવી હતી. ચિત્ર પ્રદર્શિત કરતા પહેલાં ખાસ આમંત્રિતો માટે એક શોનું પણ આયોજન કર્યું હતું. ચિત્રના નિર્માણની સાથોસાથ ચિત્રનિર્માણની પ્રક્રિયા રજૂ કરતું એક લઘુચિત્ર પણ બનાવ્યું હતું. ‘રાજા હરિશ્ચંદ્ર’ને તમામ વર્ગમાંથી સારો આવકાર મળ્યો. ચિત્ર 23 દિવસ દર્શાવાયું.
પ્રથમ ચિત્રની સફળતાથી પ્રેરાઈને ફાળકેએ બીજું ચિત્ર ‘મોહિની ભસ્માસુર’ બનાવ્યું. 1914ના જાન્યુઆરીમાં તે પ્રદર્શિત થયું. એ જ વર્ષે જૂનમાં ‘સત્યવાન સાવિત્રી’ પ્રદર્શિત કર્યું. આ ત્રણ ચિત્રોની સફળતાને કારણે વિદેશથી તેમને દિગ્દર્શન માટે પ્રસ્તાવો આવવા માંડ્યા, પણ એ તેમણે નકારી કાઢ્યા.
પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન ભારતમાં ચલચિત્ર-નિર્માણ લગભગ ઠપ થઈ ગયું. પણ, ફાળકે હિંમત ન હાર્યા. એ ગાળામાં તેમણે કેટલાંક લઘુચિત્રોની સાથોસાથ ‘લંકાદહન’નું નિર્માણ કર્યું. આ ચિત્રની સફળતા બાદ 1918માં ફાળકેએ નાસિક જઈને ભાગીદારીમાં ‘હિન્દુસ્તાન ફિલ્મ કંપની’ અને એક સ્ટુડિયોની સ્થાપના કરી. ત્યાં તેમણે ‘કૃષ્ણજન્મ’નું નિર્માણ કર્યું. બાળકૃષ્ણની ભૂમિકા તેમની પૌત્રી મંદાકિનીએ ભજવી. એ પછી‘કાલિયમર્દન’ બનાવ્યું. બંને ચિત્રો સફળ થયાં, પણ ભાગીદારો સાથે ખટરાગ થતાં 1919માં નિવૃત્ત થઈને બનારસ જતા રહ્યા. જોકે આર્થિક સંકડામણને કારણે તેઓ ફરી ચલચિત્રનિર્માણ તરફ વળ્યા. 64 વર્ષની ઉંમરે તેમને અન્ય નિર્માતાઓના ચિત્રનું દિગ્દર્શન કરવાની ફરજ પડી. તેમની તબિયત પણ લથડી ચૂકી હતી. 1932માં ‘સેતુબંધન’નું દિગ્દર્શન કર્યું. એ પછી કોલ્હાપુર સિનેટોન માટે બોલપટ ‘ગંગાવતરણ’નું દિગ્દર્શન કર્યું. ત્યાં સુધીમાં ભારતીય ચિત્રઉદ્યોગ ધમધમતો થઈ ગયો હતો, પણ આ ઉદ્યોગનો પાયો નાખનાર ફાળકેની ઉપેક્ષા થવા માંડી હતી.
16 ફેબ્રુઆરી 1944ના રોજ આર્થિક બેહાલી વચ્ચે તેમણે આખરી શ્વાસ લીધો. ભારત સરકારે દાદાસાહેબ ફાળકેની સ્મૃતિમાં 1970માં ‘દાદાસાહેબ ફાળકે પારિતોષિક’ શરૂ કર્યું, જે ચલચિત્ર-ઉદ્યોગમાં નોંધપાત્ર પ્રદાન કરનારને દર વર્ષે આપવામાં આવે છે. સરકારે 30 એપ્રિલ 1971ના રોજ ફાળકેની સ્મૃતિમાં એક ટપાલટિકિટ પણ બહાર પાડી હતી.
હરસુખ થાનકી