ફંક્શનાલિઝમ (ઉપયોગિતાવાદ) : પાશ્ચાત્ય સ્થાપત્યના સંદર્ભમાં પ્રચલિત ઉપયોગિતાવાદી વિભાવના. આમાં મકાનોના મૂળભૂત ઉપયોગને મકાનોની ડિઝાઇનના આધારરૂપ રાખી મકાનોનું આયોજન કરવામાં આવે છે જેથી એ ઇમારતોનું સમગ્ર માળખું અને તેની રચના મૂળભૂત ઉદ્દેશને બર લાવનારાં બની રહે છે. ઓગણીસમી સદી દરમિયાન આ વિચારસરણીનો પાશ્ચાત્ય સ્થાપત્યકળાને ક્ષેત્રે ઉદય થયો. પશ્ચિમમાં સ્થાપત્ય એક વ્યવસાય તરીકે પ્રસરેલ હોઈ એમાં મકાનની ડિઝાઇન પરત્વે વૈયક્તિક ર્દષ્ટિબિંદુ ઘણો ભાગ ભજવે છે. તેને અનુલક્ષીને ઉપયોગિતાવાદી અભિગમનો વિકાસ થયો. સમાન વિચારધારા ધરાવતા સ્થપતિઓએ આ ઉપયોગિતાવાદી વિચારસરણીનો ફેલાવો કર્યો. ઓગણીસમી સદીમાં પ્રગટેલો આ વાદ આર્થિક તેમજ ઔદ્યોગિક ક્ષેત્રે પ્રવર્તતા ઉપયોગિતાવાદ સાથે સંકળાયેલો હતો. વસ્તુત: યાંત્રિક સગવડોને કારણે ફ્રાંસના કુશળ સ્થપતિઓ અને ઇજનરોએ આ અભિગમને અનુરૂપ ઉત્તમ સ્થાપત્યોનું નિર્માણ કર્યું. લોખંડના બુનિયાદી ઉપયોગથી રચાયેલાં અને ઓગણીસમી સદીના ભવ્ય યંત્રયુગની ઝાંખી કરાવે તેવાં મકાનો પૈકી પૅરિસ-પ્રદર્શનને લગતી ઇમારત અને ઍફિલ ટાવરનાં બાંધકામ એનાં ઉલ્લેખનીય ર્દષ્ટાંત છે. સમય જતાં આ પ્રકારની સ્થાપત્ય-પરિપાટી યુરોપ, અમેરિકા તેમજ ઇંગ્લૅન્ડમાં ખૂબ પ્રચાર પામી.
રવીન્દ્ર વસાવડા