આનંદવાદ : આનંદ પરબ્રહ્મનો જ વાચક છે. रसो वै सः । એ રસ જ છે જેને પામીને વ્યક્તિ આનંદિત થાય છે. બૃહદારણ્યક ઉપનિષદમાં કહ્યું છે કે આનંદના એક અંશ માત્રના આશ્રયથી સહુ પ્રાણી જીવિત રહે છે. તૈત્તિરીય ઉપનિષદમાં પણ આનંદને જગતના સઘળા પદાર્થોનું કારણ, આધાર અને લય બતાવેલ છે.
આનંદ અભયત્વ છે. જ્યાં સુધી દ્વૈત છે ત્યાં સુધી ભય રહે છે. અદ્વૈતની અનુભૂતિમાં અભયની પ્રાપ્તિ થાય છે. આનંદ આત્માનું જ લક્ષણ છે. જ્યારે આપણે શોકાતુર કે દુઃખી હોઈએ છીએ ત્યારે આપણે સ્વસ્થ હોતા નથી. લોકો આપણી આ અવસ્થાને અસ્વાભાવિક સમજીને એનું કારણ પૂછે છે. આથી વિપરીત જ્યારે આપણે આનંદમાં હોઈઅ છીએ તો આપણે સ્વસ્થ હોઈએ છીએ. એ વખતે આપણી અવસ્થા વિશે પ્રશ્ન પૂછતું નથી, કેમ કે તે સમજે છે કે આનંદ આપણી સ્વાભાવિક અને વાસ્તવિક અવસ્થા છે. આથી ફલિત થાય છે કે દુઃખ આત્માનું ઉપલક્ષણ (આગંતુક કે પરિવર્તનશીલ ગુણ) છે અને આનંદ એ તેનું સ્વાભાવિક લક્ષણ છે.
આનંદ નિત્ય છે. તેનો અભાવ ક્યારેય થતો નથી. જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ પ્રત્યેક અવસ્થામાં આનંદનો કંઈ ને કંઈ અનુભવ થાય છે. સુષુપ્તિમાં વિષયોનો અભાવ હોય છે, તેમ છતાં આનંદનો અનુભવ થાય છે કેમ કે સૂઈને ઊઠ્યા પછી સહુને એવો જ અનુભવ થાય છે. જાગ્રત અને સ્વપ્નમાં સુખ અને દુઃખ રહે છે, પરંતુ એમના મૂળમાં તો આનંદ જ હોય છે. સુષુપ્તિમાં સુખ-દુઃખનો દ્વંદ્વ દબાઈ જાય છે અને માત્ર આનંદનો અનુભવ થાય છે. આથી આનંદ સદા નિત્ય છે અને તે અપરોક્ષ અનુભવ છે તે સિદ્ધ થાય છે.
મોટે ભાગે લોકો સુખ અને આનંદને એક માને છે, પણ તાત્વિક દૃષ્ટિએ બંનેમાં ભેદ છે. સુખ પરિવર્તનશીલ, અસ્થિર અને ક્ષણભંગુર છે. આનંદ નિત્ય અને સ્થિર છે. સુખદુઃખની અપેક્ષા રાખે છે. વસ્તુતઃ સુખ-દુઃખનું એક દ્વંદ્વ છે. આનંદ આ દ્વંદ્વથી મુક્ત છે. તે દ્વંદ્વાનુભૂતિ નહોતાં અદ્વૈતાનુભૂતિ છે. સુખને આનંદની અલ્પમાત્રા ગણવામાં આવે છે જ્યારે એની તુલનામાં આનંદને આનંદઘન કહેવામાં આવે છે. સુખનો સંબંધ શરીર અને ઇંદ્રિયો સાથે છે જ્યારે આનંદનો સંબંધ આત્મા સાથે છે. સુખ જ્ઞેય છે જ્યારે આનંદ જ્ઞાતા છે. સુખ લૌકિક છે જ્યારે આત્મા અલૌકિક કે લોકોત્તર છે. સુખ આનંદ પર નિર્ભર છે જ્યારે આનંદ સ્વયં આત્મનિર્ભર છે. અભ્યુદય સુખનું ક્ષેત્ર છે જ્યારે નિઃશ્રેયસ આનંદનું ક્ષેત્ર છે.
જેણે આનંદનો ખરો સ્વાદ ચાખ્યો છે તેને બીજું બધું ફિક્કું લાગે છે. આનંદનો સ્વાદ ગૂંગાએ ગોળ ચાખ્યા જેવો છે. આનંદ અનુભવગમ્ય છે.
આનંદ આત્માનો સ્વભાવ છે. જ્ઞાનમાર્ગ, કર્મમાર્ગ, ભક્તિમાર્ગ, પ્રાપ્તિમાર્ગ, પુષ્ટિમાર્ગ અને યોગમાર્ગ એ આનંદ પ્રાપ્ત કરવાનાં સાધન છે. આનંદની પ્રાપ્તિનું નામ જ મોક્ષ છે. કાશ્મીરી શૈવમતમાં આનંદની વિશેષ વ્યાખ્યા કરીને કહેવામાં આવ્યું છે કે સત્ અને ચિતને ગૌણ અને આનંદને જ મૂળ પદાર્થ માનવામાં આવ્યો છે.
મધ્યકાલીન સંત-સાહિત્ય, ભક્તિ-સાહિત્ય તેમજ વર્તમાન રહસ્યવાદી સાહિત્યમાં આનંદવાદના સિદ્ધાંતોની સ્થાપના વરતાય છે. બધા સંતો, ભક્તો અને રહસ્યવાદીઓનો સિદ્ધાંત આનંદવાદ જ છે. આનંદપ્રાપ્તિ જ એ બધાંનું લક્ષ્ય છે. આ વાદ અનુસાર આનંદ જ એકમાત્ર અને પરમ મૂલ્ય છે. તેને પ્રાપ્ત કરવાને માટે માનવ ચિરકાલથી પ્રયાસ કરી રહ્યો છે. આજે પણ એનો પ્રયાસ ચાલુ છે. સાહિત્ય-સર્જન પણ આ પ્રયાસનું એક અંગ છે. નવ સર્જનની પ્રેરણા, ક્રિયા અને લક્ષ્ય સઘળું આનંદ જ છે. આનંદ જ સૃષ્ટિનું પરમ ગૂઢ તત્વ છે કે માનવ આત્માનો સાર છે. તેની ઉપલબ્ધિ સહજ નથી. તેને માટે મનીષા, બુદ્ધિ, શ્રદ્ધા, પ્રેમ, કર્મ તેમજ સહકારની આવશ્યકતા છે. આ શક્તિઓના યોગ્ય ઉપયોગથી માનવ આનંદ પ્રાપ્ત કરી શકે છે અને એક એવા સમાજની રચના પણ કરી શકે છે, જ્યાં સહુને તેની જેમ જ આનંદ સુલભ હોય.
પ્રવીણચંદ્ર પરીખ