ફળ ચૂસનાર ફૂદું : મોસંબી, ચકોતરુ અને લીંબુની જુદી જુદી જાતનાં ફળને નુકસાન કરતું ફૂદું. તે જામફળ, કેરી, ટામેટા વગેરેમાં પણ નુકસાન કરતું જણાયું છે. ભારતનાં લીંબુ/મોસંબી વર્ગની વાડીઓ ધરાવતા લગભગ બધા જ વિસ્તારોમાં તેનો ફેલાવો થયેલો છે. ઑફિડેરિસ ફુલોનિકાના વૈજ્ઞાનિક નામથી ઓળખાતી આ જીવાતનો રોમપક્ષ શ્રેણીના નૉક્ટ્યૂઇડી કુળમાં સમાવેશ થયેલો છે. ફૂદાંની આગળની પાંખો ઘાટા ભૂખરા કે રતાશ પડતા બદામી રંગની અને લીલાં ધાબાંવાળી હોય છે. પાછળની પાંખો નારંગી કે પીળા રંગની હોઈ વચ્ચે બીજના ચંદ્ર જેવાં કાળાં ટપકાં અને પાછળની ધારે કાળી પટ્ટી હોય છે. આવું ફૂદું ફળમાં સૂંઢ ખોસી રાત્રિના સમયે રસ ચૂસે છે અને તેમ કરતાં કોહવડાવનારા સૂક્ષ્મજીવો ફળમાં દાખલ થતાં તે જલદીથી કોહવાઈ જઈ ખરી પડે છે. માદા ફૂદું વાડ પરનાં વેલા કે ગળો ઉપર લગભગ 200થી 300 ઈંડાં મૂકે છે. ઈંડાંનું 3થી 4 દિવસમાં સેવન થતાં તેના વિકાસથી નીકળેલ ઇયળો વાડના વેલાનાં પાન પર નભે છે. આવી ઇયળો થોડિયા ઇયળ જેવી મજબૂત, ઘાટા બદામી રંગની, મલમલ જેવી સુંવાળી, વિચિત્ર ચટાપટાવાળી અને છેલ્લા ખંડો ઉપર ખૂંધવાળી હોય છે. ઇયળ અવસ્થામાં આ જીવાત મોટાભાગે વાવેતરના પાકમાં નુકસાન કરતી નથી. ઇયળ 13થી 17 દિવસમાં પુખ્ત થતાં તેનું રૂપાંતર કોશેટામાં થાય છે. તે જમીન પર સુષુપ્ત અવસ્થા પસાર કરે છે અને તે અવસ્થા 13થી 18 દિવસમાં પૂરી થતાં કોશેટાની દીવાલમાંથી બહાર નીકળી ફૂદાં રૂપે ફળઝાડના બગીચામાં ફળનો રસ ચૂસી નુકસાન કરે છે. રાત્રિના સમયે પ્રકાશ-પિંજરનો અથવા કીટક પકડવાની જાળીનો ઉપયોગ કરી, ફૂદાંને પકડી તેમનો નાશ કરવાથી ઉપદ્રવ અટકાવી શકાય છે. શક્ય હોય ત્યાં ફળ ઉપર પ્લાસ્ટિકની કાણાં પાડેલ કોથળીઓ ચઢાવી દેવાથી ફૂદાં રસ ચૂસી શકતાં નથી. આ જીવાતની ઇયળ-અવસ્થા બગીચાની આજુબાજુની વાડની વનસ્પતિ પર નભે છે, જેથી તેવી જગ્યાઓએ જંતુઘ્ન દવાનો છંટકાવ કરવાથી જીવાતની વસ્તી વધતી અટકાવી શકાય છે.
પરબતભાઈ ખી. બોરડ