કોરી (સિક્કાશાસ્ત્ર)

January, 2008

કોરી (સિક્કાશાસ્ત્ર) : કચ્છ અને સૌરાષ્ટ્રનાં કેટલાંક દેશી રાજ્યોનું ચલણ. કચ્છમાં જાડેજાઓનાં નાનાં રાજ્યો સ્થપાયેલાં. એને એક કરીને ઈ. સ. 1540માં ખેંગારજીએ મજબૂત રાજ્ય સ્થાપ્યું. એની રાજધાની ભુજનગરમાં હતી. ત્યાંના શાસકો રાવ કહેવાતા. તેમના સિક્કા વિશિષ્ટ મહત્વ ધરાવે છે. ચાદીની કોરી કચ્છના ચલણના એકમરૂપ હતી. એને રૂપિયા સાથે કોઈ સંબંધ નહોતો, આમ છતાં 1 રૂપિયા = અઢી કોરી ગણાતી હોવાનું પ્રતીત થાય છે. તાંબામાં ઢીંગલો, દોકડો અને ત્રાંબિયો નામના સિક્કા પ્રચલિત હતા. આમાં વિનિમયનો દર 48 ત્રાંબિયા = 24 દોકડા = 16 ઢીંગલા = 1 કોરી ગણાતો. તોલમાનના સંદર્ભમાં ત્રાંબિયો, દોકડો, ઢીંગલો, અડધી કોરી અને કોરી ક્રમશઃ ગ્રામ વજન ધરાવતા સિક્કા હતા.

ચાંદીની 1 કોરી અને કોરીના સિક્કા બધા મહારાવના નામના છપાયા હતા. 1857 પહેલાંના બધા સિક્કાઓ પૃષ્ઠ ભાગમાં ગુજરાતના છેલ્લા સુલતાન મુઝફ્ફરશાહ-3જાના સિક્કાનું ફારસી લખાણ અને હિજરી વર્ષ 978 ધરાવતા હતા જ્યારે અગ્રભાગમાં મહારાવનું નામ દેવનાગરી લિપિમાં લખેલું મળે છે. અંગ્રેજોનું આધિપત્ય સ્થપાતાં બ્રિટિશ શહેનશાહોનાં નામ ફારસીમાં અને મહારાવનું નામ દેવનાગરીમાં લખાવા લાગ્યું. છેલ્લા રાવ મદનસિંહજી (1947–48) એ ‘જયહિંદ’ લખેલા સિક્કા પ્રગટ કરી કચ્છની ટંકશાળ બંધ કરી.

દેશળજી-2જા(1819–1860)એ સોનામાં 25 કોરીના અને પ્રાગમલજી 2જા(1860–1875)એ 25, 50 અને 100 કોરીના સિક્કા પડાવેલા. તાંબામાં ત્રાંબિયો, દોકડો, ઢીંગલો કે ‘દોકડો દોઢ’ અને ‘ત્રણ દોકડાના’ સિક્કા લગભગ બધા મહારાવે પડાવેલા. વિજયરાજજી(1942–47)એ તાંબામાં ઢબુ ( કોરી કે ત્રણ દોકડા), પાયલો (= કોરી) કોરી અને આધીયો ( કોરી) નામના સિક્કા પડાવેલા.

સૌરાષ્ટ્રમાં નવાનગર(જામનગર)ના જામ રાજાઓએ કચ્છની કોરીના ચલણને અનુરૂપ પોતાના સિક્કાઓ પડાવેલા. ‘જામશાહી’ કોરી તરીકે ઓળખાતા ચાંદીના સિક્કાઓમાં અગ્રભાગમાં ફારસીમાં મુઝફ્ફરશાહ 3જાનું  નામ, હિજરી વર્ષ 978 અને પૃષ્ઠભાગમાં ‘શ્રીજામ’ લખાયું છે. જામ વિભાજી (1852–1895)એ જૂની શૈલીને સ્થાને નવી શૈલી અમલમાં મૂકી અને તદનુસાર સિક્કામાં જામનું નામ, સિક્કાનું મૂલ્ય, ટંકશાળ-નવાનગર અને સંવત લખાતું. આ શૈલી પછીના સમયમાં પણ ચાલુ રહી. સોનામાં જામ વિભાજીએ 1 કોરી અને કોરીના સિક્કા જૂની શૈલીએ પડાવેલા. એમણે નવી શૈલીમાં દોકડો, દોઢ દોકડો, બે દોકડા અને ત્રણ દોકડાએ તાંબામાં અને કોરી, કોરી અને પાંચ કોરી ચાંદીમાં છપાવેલ. જસાજી(1884–1907)એ તાંબાના   દોકડા છપાવેલા.

જૂનાગઢના બાબીવંશના નવાબોએ સોનાની અને ચાંદીની કોરી પર નાગરીમાં નવાબનું श्री दीवान બિરુદ નાગરી લિપિમાં અંકિત કરાવેલું હોવાથી એ ‘દીવાનશાહી’ કોરી તરીકે પ્રખ્યાત છે. આ રાજ્યે તાંબાના દોકડા છપાવેલા જેના પૃષ્ઠ ભાગ પર નાગરી લિપિમાં ‘સોરઠ સરકાર’ લખેલું છે.

ભાવનગરના ગોહિલવાડી રાજ્યના ઠાકોરોએ કચ્છના ચલણના અનુકરણમાં પોતાના સિક્કા પડાવેલા. આ રાજ્યના ત્રાંબિયો, દોકડો અને ઢીંગલો નામના સિક્કા મળ્યા છે જેના પૃષ્ઠ ભાગ ઉપર નાગરી લિપિમાં ‘બહાદુર’ લખેલું છે.

પ્રવીણચંદ્ર પરીખ