ફર્મિયમ

February, 1999

ફર્મિયમ : આવર્તકોષ્ટકમાંની ઍક્ટિનાઇડ શ્રેણીનું અગિયારમું અને માનવસર્જિત અનુયુરેનિયમ અથવા પરાયુરેનિયમ તત્વો પૈકીનું આઠમું રાસાયણિક તત્વ. સંજ્ઞા : Fm. તે કુદરતમાં મળી આવતું નથી. 1952માં યુ.એસ. દ્વારા દક્ષિણ પેસિફિક મહાસાગરમાં હાઇડ્રોજન-બૉંબનો પ્રથમ વિસ્ફોટ કરવામાં આવ્યો ત્યારે તેના વિકિરણધર્મી (radioactive) ભંગારમાં અમેરિકન વૈજ્ઞાનિક આલ્બર્ટ ધીઑર્સો અને તેમના સાથીદારોએ પરમાણુભાર–255 ધરાવતું તત્વ હોવાનું નોંધ્યું હતું. હાઇડ્રોજન-બૉંબના વિસ્ફોટ દરમિયાન તેમાં બાકી રહેલ યુરેનિયમ સતત ન્યૂટ્રૉન સ્વીકારીને 255Uમાં રૂપાંતરિત થાય છે. તેમાંથી સાંકળપ્રક્રિયા દ્વારા β–કણોનું ઉત્સર્જન થવાથી ફર્મિયમનો સમસ્થાનિક 255Fm બન્યો હતો. નિયંત્રિત નાભિકીય શૃંખલાપ્રક્રિયા સૌપ્રથમ ઉત્પન્ન કરનાર વૈજ્ઞાનિક એનરિકો ફર્મીના નામ પરથી તત્વનું નામ ફર્મિયમ આપવામાં આવ્યું છે.

ફર્મિયમના અન્ય સમસ્થાનિકો ભારે તત્વોના સમસ્થાનિકો પર સાયક્લોટ્રૉન અથવા રૈખિક પ્રવેગકો (linear accelerators) દ્વારા પ્રવેગિત બનાવેલા ઑક્સિજન અથવા અન્ય ભારે તત્વોના આયનોનો મારો ચલાવવાથી ઉત્પન્ન કરી શકાય છે. વધારે પ્રમાણમાં ફર્મિયમ મેળવવા માટે પ્લૂટોનિયમ જેવા ભારે સમસ્થાનિકોને ન્યૂટ્રૉન વડે કેટલાંક વર્ષો સુધી નાભિકીય ભઠ્ઠી(nuclear reactors)માં વિકિરિત કરવામાં આવે છે. તત્વનો સમસ્થાનિક ક્રમિક (successive) ન્યૂટ્રૉન પ્રગ્રહણ (capture) અને β-ઉત્સર્જન દ્વારા ફર્મિયમ અને અન્ય ઍક્ટિનાઇડ તત્વોમાં ફેરવાય છે.

અલગીકરણ : આયનવિનિમય ક્રોમેટૉગ્રાફીની મદદથી ફર્મિયમનું અન્ય ઍક્ટિનાઇડ તત્ત્વોમાંથી અલગીકરણ થઈ શકે છે. આયનવિનિમય રેઝિન ધરાવતા સ્તંભ ઉપર ઍક્ટિનાઇડ તત્વો શોષાય છે. ત્યારબાદ ઍક્ટિનાઇડ તત્વો સાથે સંકીર્ણ ક્ષાર બનાવી શકે તેવાં સંયોજનોનું દ્રાવણ સ્તંભમાંથી પસાર કરવામાં આવે છે. દરેક તત્વની સંકીર્ણ ક્ષાર બનાવવાની ક્ષમતા જુદી જુદી હોવાથી તત્ત્વોનું અલગીકરણ થઈ શકે છે. નિષ્કર્ષણ માટે HDEHP [હાઇડ્રોજન ડાઇ (2–ઇથાઇલહેક્ઝાઇલ-ફૉસ્ફોરિક ઍસિડ] નિષ્કર્ષણ ક્રોમેટૉગ્રાફીનો પણ ઉપયોગ થાય છે.

ફર્મિયમના કેટલાક ભૌતિક ગુણધર્મો નીચે પ્રમાણે છે :

પરમાણુઅંક 100
ઇલેક્ટ્રૉન-વિન્યાસ [Rn]5f127s2
સ્થાયી સમસ્થાનિકનો પરમાણુભાર 257
ઉષ્મીય વાહકતા (Wcm–1 K–1, 25° સે.) (0, 1)
પ્રથમ આયનીકરણ વિભવ (eV) 6.50

ફર્મિયમ 244થી 259 સુધીના પરમાણુભાર ધરાવતા 18 જેટલા સમસ્થાનિકો ધરાવે છે. તે બધા જ વિકિરણધર્મી છે. તેમનો અર્ધઆયુષ્ય સમય થોડી સેકંડોથી કેટલાક દિવસો સુધીનો હોય છે; દા.ત., 258Fmનો 380ms અને 257Fmનો 80 દિવસ છે. પરિણામે પ્રયોગશાળામાં પણ તે અલ્પ પ્રમાણમાં મેળવી શકાયું છે. ફર્મિયમના સમસ્થાનિકોનું સતત નાભિકીય વિખંડન થઈ α–કણો ઉત્સર્જિત થાય છે.

ફર્મિયમના રાસાયણિક ગુણધર્મો ઍક્ટિનાઇડ શ્રેણીનાં તત્વોના ગુણધર્મો જેવા છે. જલીય દ્રાવણમાં તેની સ્થાયી ઉપચયનસ્થિતિ +3 છે, પરંતુ પ્રબળ અપચયનકારી સંજોગોમાં કેટલીક વાર +2 ઉપચયન-સ્થિતિ ધરાવતા ક્ષાર પણ પ્રાપ્ત થાય છે.

ચિત્રા સુરેન્દ્ર દેસાઈ