કવિ કલ્પદ્રુમ (સાહિત્યસાર)

January, 2024

કવિ કલ્પદ્રુમ (સાહિત્યસાર) : રામદાસ (રાજકુમાર) દ્વારા રચિત કાવ્યશાસ્ત્રનો ગ્રંથ. તેની રચના ઈ. સ. 1844માં આગ્રામાં થઈ હતી. આ ગ્રંથ કાવ્યશાસ્ત્રના વ્યાપક સિદ્ધાંતોને આધારે રચાયેલો છે અને એમાં ધ્વનિ સિદ્ધાંત મુખ્યત્વે સ્વીકારાયો છે. મમ્મટના કાવ્યપ્રકાશની જેમ આ ગ્રંથમાં શાસ્ત્રનાં બીજાં અંગોનું પણ વિવેચન કરવામાં આવ્યું છે. આ રચનામાં કવિ-આચાર્યે સંસ્કૃત તેમજ હિંદીના શાસ્ત્રગ્રંથોના અનુશીલનનો પરિપાક આપ્યો છે. શૈલી સરળ અને સ્પષ્ટ છે અને બધા શાસ્ત્રીય વિષયોના વિવેચનમાં લેખકની વિદ્વત્તા પ્રગટ થાય છે. કાવ્ય-હેતુ, કાવ્ય-ફળ, ભાષા-ભેદ, કાવ્યપ્રકાર, શબ્દાર્થભેદ, રસનાં અંગ, અલંકાર, ગુણ તથા દોષ, વગેરે બધા વિષયોનું વિવેચન ધ્વનિના સિદ્ધાંતોને આધારે સુસ્પષ્ટ શૈલીમાં થયેલું આ ગ્રંથમાં જોવા મળે છે. આથી આ ગ્રંથ હિંદી રીતિ-પરંપરાનો મહત્વપૂર્ણ ગ્રંથ ગણાયો છે.

પ્રવીણચંદ્ર પરીખ