ફતેહપુર : ઉત્તર પ્રદેશ રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક અને શહેર. જિલ્લો : ભૌ. સ્થાન : તે આશરે 25° 26´થી 26° 14´ ઉ. અ. અને 80° 13´થી 81° 21´ પૂ. રે. વચ્ચેનો વિસ્તાર આવરી લે છે. તેની પૂર્વ-પશ્ચિમ લંબાઈ 100 કિમી. અને ઉત્તર-દક્ષિણ પહોળાઈ 40 કિમી. જેટલી છે તથા કુલ ક્ષેત્રફળ આશરે 4,152 ચોકિમી. જેટલું છે. આ જિલ્લાની ઉત્તરે ઉન્નાવ, ઉત્તર અને ઈશાન તરફ રાયબરેલી, પૂર્વમાં બેલાપ્રતાપગઢ, અગ્નિ તરફ અલાહાબાદ, દક્ષિણે બાંદા, નૈર્ઋત્ય અને પશ્ચિમે હમીરપુર તથા પશ્ચિમ અને વાયવ્યમાં કાનપુર જિલ્લાઓ આવેલા છે.
પ્રાકૃતિક રચના : જિલ્લાનો સમગ્ર વિસ્તાર ઉત્તરે ગંગા નદી અને દક્ષિણે યમુના નદીના ખીણપ્રદેશો વચ્ચે આવી જાય છે. બે નદીઓ વચ્ચે આવતો આ દોઆબનો પ્રદેશ બંને કિનારીઓ તરફ ઊંચાણવાળી કિનારીના તટબંધથી રચાયેલો છે. અહીં નજીકમાં જ પાંડુ નદી ગંગાને અને નન નદી યમુનાને મળે છે. અન્ય શાખાનદીઓમાં અરિંદ (રિંદ), બડી નદી અને છોટી નદીનો સમાવેશ થાય છે. ગંગા-યમુનાના સંગમ નજીક તે એક મેદાની પ્રદેશ રચે છે. નદીકિનારા નજીકના અસમતળ ભૂપૃષ્ઠવાળા ખદર (નદીના નૂતન કાંપથી રચાયેલો વિભાગ) વિસ્તારોને બાદ કરતાં જિલ્લાનું મોટાભાગનું ભૂપૃષ્ઠ સમતળ છે. ગંગા-યમુનાના કિનારા નજીક ઘણા ખાડા અને નાળાં બની રહેલાં છે. જિલ્લાના મધ્ય ભાગમાં કેટલાંક નાનાં નાનાં મુદતી સરોવરો (તળાવો) રચાયાં છે, તે વર્ષાઋતુ દરમ્યાન ભરાય છે, પરંતુ જાન્યુઆરી-ફેબ્રુઆરી સુધીમાં તો સુકાઈને કોરાં બની રહે છે. જિલ્લાનો સામાન્ય ઢોળાવ વાયવ્યથી અગ્નિ તરફનો છે, ઋતુભેદે જળપરિવાહ વિવિધતાવાળો બની રહે છે.
આબોહવા : આ જિલ્લાની આબોહવા એકંદરે અનુકૂળ ગણાય છે. ખીણપ્રદેશમાંથી પસાર થતા ભેજવાળા પવનો વાર્ષિક આશરે 850 મિમી. જેટલો વરસાદ આપે છે. મોસમ પ્રમાણે પશ્ચિમ તરફથી ધીમા પવનો વાતા રહે છે. વરસાદનું પ્રમાણ દર વર્ષે એકસરખું રહેતું નથી. ઉનાળા દરમિયાન ગરમીનું પ્રમાણ વધુ રહેતું હોઈ નદીકિનારા નજીકની કેટલીક ભૂમિસપાટી સૉલ્ટ પીટર(KNO3)થી બનેલા ખારા પટથી છવાઈ જાય છે. આ કારણે તે ભાગો ખેતી માટે પ્રતિકૂળ બની રહે છે.
કુદરતી વનસ્પતિ-ખેતી : આ જિલ્લામાંની વન્ય વનસ્પતિ વૃક્ષોનાં ઝુંડ પ્રકારની છે. વૃક્ષો ગીચ નથી. અહીં લીમડો, પીપળો, મહુડો, શિરીષ, આમલી, બાવળ, સીસમ તથા આંબા, જાંબુ અને જામફળી જેવાં વૃક્ષો જોવા મળે છે. ક્યાંક ક્યાંક કળણ વિભાગો પણ આવેલા છે. જિલ્લાના લગભગ 60% ભાગમાં ખેતી થઈ શકે છે. કૃષિપેદાશોમાં ઘઉં, ચોખા, જવ, જુવાર, બાજરી, કઠોળ, તેલીબિયાં, શેરડી અને કપાસ મુખ્ય છે. યમુના નદીના પટપ્રદેશમાં સારી જાતના ઘઉં થાય છે. જિલ્લાનું અર્થતંત્ર મુખ્યત્વે ખેતી પર નિર્ભર છે. 90% વસ્તી ખેતી પર તેમનો જીવનનિર્વાહ ચલાવે છે.
આ જિલ્લામાં 1,445 કિમી.ની નહેરો આવેલી છે; 14,367 ખાનગી અને 250 સરકારી પાતાળકૂવા, 17,949 પાકા, 461 પંપવાળા તથા 882 કાચા રેંટવાળા કૂવાની સગવડ હોવાથી ખેતીને સિંચાઈનો લાભ મળી રહે છે.
ખેતીની સાથે સાથે પશુપાલન પણ થાય છે. ગંગા, યમુના, અરિંદ અને બડી નદી નજીક તેમને માટેનાં ગોચરો આવેલાં છે. આ પ્રવૃત્તિ દ્વારા ડેરીની પેદાશો, ઘી, માંસ, ચામડાં મળી રહે છે અને તેમનો વેપાર પણ થાય છે. વનસંપદા, બાગાયતો તેમજ માછીમારીનો કોઈ ખાસ ફાળો નથી, તેમ છતાં જિલ્લામાં નવ જેટલી માછીમારી સહકારી મંડળીઓ પણ છે.
ઉદ્યોગ-વેપાર : વણાટકામ, કાપડ છપાઈ, વાંસની ચીજવસ્તુઓ, ધાતુકામ, માટીનાં વાસણો, ઘી સહિતની ડેરીપેદાશો જેવા નાના એકમોને બાદ કરતાં અહીં કોઈ ખાસ ઉદ્યોગો વિકસેલા નથી. બિંદકી જિલ્લાનું મુખ્ય વેપારી મથક છે. ઘઉંની સેવ, ચોખા, રાચરચીલું, ઍલ્યુમિનિયમનાં વાસણોનું ઉત્પાદન થાય છે. અનાજ, ઘઉંની સેવ, ચામડું અહીંની મુખ્ય નિકાસી ચીજો છે, જ્યારે કાપડ અને જરૂરી અનાજ બહારથી મંગાવાય છે.
પ્રવાસન-મેળા-તહેવારો : આ જિલ્લામાં જોવાલાયક કોઈ વિશિષ્ટ સ્થાનો આવેલાં નથી; પરંતુ જિલ્લાનાં જુદાં જુદાં સ્થળો પર પરંપરાગત ચાલ્યા આવતા મેળા ભરાય છે અને તહેવારોની ઉલ્લાસભેર ઉજવણી થાય છે.
પરિવહન : આ જિલ્લામાં લોકોની અવરજવર તથા માલની હેરફેર માટે રેલમાર્ગો અને સડકમાર્ગોની સગવડ સારી છે. દિલ્હી-હાવડાનો ઉત્તર વિભાગીય રેલમાર્ગની ઉત્તરે સમાંતર જતો ગ્રાન્ડ ટ્રન્ક માર્ગ, (જૂનો મોગલ માર્ગ અથવા શેરસિંહ સૂરી માર્ગ) પણ અહીંથી પસાર થાય છે, તે દિલ્હી તથા પૂર્વ તરફનાં શહેરોને જોડે છે.
વસ્તી-વસાહતો : 2011ની વસ્તીગણતરી મુજબ આ જિલ્લાની વસ્તી 26,32,684 જેટલી છે, તે પૈકી 90% ગ્રામીણ અને 10% શહેરી વસ્તી છે; પુરુષોનું પ્રમાણ 53% અને સ્ત્રીઓનું પ્રમાણ 47% જેટલું છે. શિક્ષણનું સરેરાશ પ્રમાણ 36% જેટલું છે; પ્રાથમિક, માધ્યમિક તથા ઉચ્ચશિક્ષણની સુવિધાઓ પણ છે. અહીં હિન્દી અને ઉર્દૂ બે ભાષાઓનો ઉપયોગ થાય છે. લોકો હિન્દુ (70%), મુસ્લિમ (10%) અને બાકીના ખ્રિસ્તી, શીખ, બૌદ્ધ, જૈન તેમજ અન્ય ધર્મ પાળે છે.
વહીવટી વિભાજન : આ જિલ્લાને ફતેહપુર, બિંદકી અને ખાગા નામના ત્રણ તાલુકાઓમાં તથા 13 સમાજવિકાસ ઘટકોમાં વહેંચેલો છે. જિલ્લામાં ફતેહપુર, બિંદકી, ખાગા, કિશનપુર, કોરાજહાનાબાદ અને બહુવા જેવાં શહેરો/નગરો તથા 1,516 ગામો આવેલાં છે.
ઇતિહાસ : ફતેહપુરના ભૂતકાળનો ઇતિહાસ તુર્કો, અફઘાનો, મુઘલો, મરાઠા અને અંગ્રેજોનાં આક્રમણો સાથે જોડાયેલો છે, કારણ કે તે દિલ્હી સુધી પહોંચવા માટે મોકાનું સ્થાન ધરાવતો હતો. ફતેહપુરના પ્રાચીન ઇતિહાસ સાથે રાજા હંસધ્વજ અને અશ્વત્થામાનો ઇતિહાસ જોડાયેલો છે. કનોજના શાસક મહીપાલના વખતના અસની(Asni)ના 917ના સ્તંભ પરના લખાણમાંથી જાણવા મળે છે કે તે અગાઉ અહીંના શાસકો રજપૂત રાજાઓ હતા. ભારતના સમૃદ્ધ પ્રદેશો તથા સંપત્તિ જોઈને તે લૂંટવા માટે મહમ્મદ ગઝની અહીંથી દક્ષિણનો પ્રદેશ જીતવા ફતેહપુરમાંથી પસાર થયેલો. કોટ(Kot)માં આવેલી મસ્જિદ, તેણે અહીંના સુલતાનની હત્યા કરેલી તે બાબતની યાદ અપાવે છે. 1377થી 1477 સુધીનાં સો વર્ષ આ જિલ્લો જૌનપુરના શરકી (sharqui) શાસકોના તાબા હેઠળ હતો. 1556માં તે મુઘલોના કબજામાં ગયો. અફઘાનોના આક્રમણને ખાળવા અકબરે અહીં 1584માં અલાહાબાદનો કિલ્લો બંધાવેલો. શાહજહાંના શાસનકાળ વખતે ઔરંગઝેબ અને શુજા વચ્ચે સત્તા માટે આ સ્થળે જ હરીફાઈ થયેલી. 1801માં આ પ્રદેશ પર મુઘલોની પકડ જામી.
1826માં આ જિલ્લાની ભૌગોલિક સરહદોની રચના થયેલી છે. 1857માં અહીં અંગ્રેજોના જુલમો સામે બળવો પોકારનારાઓની ક્રૂરતા ભરી હત્યા કરવામાં આવેલી. સ્વાતંત્ર્ય-સંઘર્ષોમાં પણ આ જિલ્લાનો ફાળો હતો.
શહેર : ફતેહપુર, જિલ્લા વહીવટી મથક હોવા ઉપરાંત જિલ્લાનું મહત્વનું શહેર પણ છે. ભૌ. સ્થાન : તે 25° 56´ ઉ.અ. અને 80° 48´ પૂ. રે. પર કાનપુરથી અગ્નિ દિશામાં અલાહાબાદ જતા મુખ્ય રેલમાર્ગ તથા સડકમાર્ગ પર અલાહાબાદથી વાયવ્યમાં 117 કિમી. અંતરે આવેલું છે.
આ શહેરમાં મર્યાદિત પ્રમાણમાં નાના પાયા પરના ઉદ્યોગો વિકસેલા છે. અહીં મુખ્યત્વે દાગીનાઓનું કામ વધુ પ્રમાણમાં થાય છે. આજુબાજુના વિસ્તાર માટે ખરીદ-વેચાણનું બજાર ભરાય છે, પરંતુ મુખ્યત્વે તો તે કૃષિપેદાશોના વેપારનું મથક બની રહેલું છે.
આ શહેર ઐતિહાસિક દૃષ્ટિએ કેટલીક મહત્વની મસ્જિદો અને મકબરાઓ માટે જાણીતું બનેલું છે. અહીં નાસિરુદ્દીન હૈદરનો ઇમામવાડો, અકબરના સમયની એક મસ્જિદ, નવાબ અબ્દુસ્સમદ ખાનનો મકબરો, નવાબ બાકરઅલી ખાનની મસ્જિદ તથા મકબરો આવેલાં છે. શહેરની પશ્ચિમે મુખ્ય માર્ગ પર 19મી સદીમાં ચણતરકામથી તૈયાર કરાયેલા ચાર સ્તંભ આવેલા છે.
15મી સદીમાં પશ્તુનો (પઠાણો)એ આ નગર વસાવેલું. 1801માં ઔંધના નવાબે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીને આ નગર સોંપી દીધું. ત્યાં સુધી તે ઘણાં જુદાં જુદાં શાસનો હેઠળ રહેલું.
2024ની વસ્તીગણતરી મુજબ આ શહેરની વસ્તી આશરે 2,72,000 જેટલી છે.
ગિરીશભાઈ પંડ્યા