પૉલિયેસ્ટર : મોટા, રૈખિક (linear) કે તિર્યક-બંધવાળા (cross-linked) અણુઓ ધરાવતા કાર્બનિક પદાર્થોનો એક સમૂહ અથવા એકલકો (monomers) તરીકે ઓળખાતા અનેક નાના અણુઓ વચ્ચે એસ્ટર બંધનો (linkages) સ્થાપિત થવાથી ઉદ્ભવતા બહુલકી (polymeric) પદાર્થો. આમાં એસ્ટર-સમૂહ મુખ્ય શૃંખલામાં હોય છે. સામાન્ય રીતે પૉલિયેસ્ટર પદાર્થો સમતુલ્ય (equivalent) પ્રમાણમાં લીધેલા ગ્લાયકૉલ (બે હાઇડ્રૉક્સિલ સમૂહ ધરાવતા કાર્બનિક પદાર્થો) અને દ્વિબૅઝિક (બે કાર્બોક્સિલ સમૂહ ધરાવતા) ઍસિડમાંથી બનાવવામાં આવે છે. ઍલિફૅટિક પૉલિયેસ્ટર પ્રમાણમાં નરમ હોય છે, જ્યારે ઍરોમૅટિક વ્યુત્પન્નો પ્રમાણમાં સખત (hard) અને  બરડ (brittle) અથવા મજબૂત (tough) હોય છે. આ બંને પ્રકારના વ્યુત્પન્નોના ગુણધર્મોમાં તિર્યક-બંધન (cross-linking), સ્ફટિકીકરણ, સુઘટ્યતાકારક (plasticizer) અથવા પૂરક (filler) વડે ફેરફાર કરી શકાય છે.

બજારુ પૉલિયેસ્ટર પદાર્થો પૈકી આલ્કીડ રંગ (paint), ઇનૅમલ અને મોલ્ડિંગમાં, અસંતૃપ્ત પૉલિયેસ્ટર કે અસંતૃપ્ત આલ્કીડ ફાઇબર-ગ્લાસ સાથે જહાજનાં ખોખાં (hull) અને પૅનલો માટે; સંતૃપ્ત ઍલિફૅટિક પૉલિયેસ્ટર મધ્યસ્થ (intermediate) સંયોજન તરીકે; પૉલિઇથિલિન ટેરેપ્થેલેટ જેવા ઍરોમૅટિક પૉલિયેસ્ટર ડેક્રોન કે ટેરિલિન જેવા રેસા તેમજ ફિલ્મો બનાવવા માટે જ્યારે ઍરોમેટિક પૉલિકાર્બોનેટ તાપસુનમ્ય (thermoplastic) બહુલક તરીકે ઉપયોગમાં લેવાય છે.

રંગો, વાર્નિશ અને અસ્તરો માટેના પદાર્થોમાં વપરાતા આલ્કીડ ગ્લિસરૉલ અને ઑર્થોથેલિક ઍન્હાઇડ્રાઇડમાંથી બનાવવામાં આવે છે :

તિર્યક્બંધિત રેઝિન

અસંતૃપ્ત પૉલિયેસ્ટરનું ઉદાહરણ નીચે દર્શાવ્યું છે :

મલેઇક ઍન્હાઈડ્રાઇડ                                              ડાઇઇથિલિન ગ્લાયકૉલ

અસંતૃપ્ત પૉલિયેસ્ટર (ઘટ્ટ તૈલી પદાર્થ અણુભાર 2000થી 4000)

આવા નીચા અણુવાળા અસંતૃપ્ત પૉલિયેસ્ટર પેરૉક્સાઇડની હાજરીમાં સ્ટાઇરિન કે વિનાઇલ એકલકો સાથે સહબહુલીકરણ દ્વારા અદ્રાવ્ય તિર્યક્બંધનવાળી સંરચના આપી શકે :

ઍરોમૅટિક પૉલિયેસ્ટરમાં પૉલિઇથિલિન ટેરેપ્થેલેટ મુખ્ય છે.

ઍરોમેટિક પૉલિકાર્બોનેટ પ્રકારના સખત, મજબૂત, તાપસુનમ્ય બહુઘટકો મુખ્યત્વે બિસફિનૉલ A તથા ફૉસ્જિનમાંથી બનાવાય છે. તેમના નરમ થવાનાં તાપમાન 14૦0 સે.થી વધુ હોય છે. તેઓ ઊંચો સંઘાત-પ્રતિરોધ, પારદર્શિતા તથા વિસર્પણ(creep)-પ્રતિરોધ ધરાવે છે.

બિસફીનૉલ-A

આ બહુલક મોલ્ડિંગ માટે એકલો અથવા ગ્લાસ-પ્રબલિત પદાર્થ રૂપે કાચ તથા ધાતુને બદલે વપરાય છે. તે બાટલીઓ, તૂટે નહિ તેવી બારીઓ, વિદ્યુત-સંરક્ષક આવરણ (electrical housing), જહાજના પંખાઓ વગેરે બનાવવામાં વપરાય છે.

જ. પો. ત્રિવેદી