પૉલિક્લોરિનેટેડ બાઇફિનાઇલ (PCB)

January, 1999

પૉલિક્લોરિનેટેડ બાઇફિનાઇલ (PCB) : બાઇફિનાઇલ(અથવા ડાઇફિનાઇલ)ના ક્લોરિનયુક્ત લગભગ 2૦9 સમઘટકોના કુટુંબ માટેનું જાતિગત (generic) નામ.

બાઇફિનાઇલ અણુ (C6H5-C6H5) દસ વિસ્થાપનશીલ હાઇડ્રોજન ધરાવે છે અને તેથી તેમાં 1થી માંડીને 1૦ ક્લોરિન-પરમાણુ દાખલ કરી શકાય છે. સંયોજનમાં એક કે વધુ ક્લોરિન-પરમાણુ હોય તોપણ તેને પૉલિક્લોરિનેટેડ બાઇફિનાઇલ્સ તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે.

PCB ઓગણીસમી સદીના ઉત્તરાર્ધમાં શોધાયાં હતાં તથા 1929થી અમેરિકન ઉદ્યોગમાં વપરાવા લાગ્યાં. બધા જ ઔદ્યોગિક દેશો PCB વાપરે છે; કારણ કે તે રાસાયણિક રીતે સ્થાયી તથા ઉષ્મા-પ્રતિકારક છે; વળી તેની સળગી ઊઠવાની શક્યતા ઓછી છે; તેનો પરાવૈદ્યુતાંક ઊંચો છે. PCBનું મિશ્રણ રંગહીન, ઘટ્ટ પ્રવાહી, પાણીમાં અદ્રાવ્ય તથા ઊંચા તાપમાને વિઘટન પામ્યા વિના સ્થાયી રહે છે. તેમની ઘનતા 1.4થી 1.5 ગ્રા./ઘસેમી. જેટલી હોય છે. આ ગુણધર્મોને લીધે PCB પર્યાવરણ માટે જોખમી બન્યાં છે. મૉનો તથા ડાઇક્લોરોબાઇફિનાઇલ્સનો સૂર્યપ્રકાશમાં અર્ધજીવનકાળ 6 દિવસ હોય છે; પરંતુ વધુ ક્લોરિનયુક્ત સમઘટકો વાતાવરણમાં વિઘટન પામતાં નથી.

PCBનો મુખ્ય ઉપયોગ ટ્રાન્સફૉર્મર, કૅપેસિટર્સ, ઇલેક્ટ્રૉ-મૅગ્નેટ, સરકિટ-બ્રેકર્સ, વૉલ્ટેજ-રેગ્યુલેટર તથા સ્વિચ જેવાં ઇલેક્ટ્રિક સાધનોમાં થાય છે. હવે PCB ધરાવતાં ઇલેક્ટ્રિક સાધનો બનાવવાનું અમેરિકાએ બંધ કર્યું છે, પણ 1981માં અમેરિકામાં વપરાતાં ઇલેક્ટ્રિક સાધનો પૈકી 4૦%માં PCB વપરાતું. PCB આ ઉપરાંત ઉષ્મા-સ્થાનાંતરણ (heat transfer) અને હાઇડ્રૉલિક પ્રણાલીઓમાં, પ્લાસ્ટિસાઇઝરો તરીકે તથા લુબ્રિકેટિંગ તેલમાં વપરાય છે.

PCBના ઉપયોગથી વિશ્વના પર્યાવરણ ઉપર ખૂબ ખરાબ અસર પડી રહી છે. જાનવરોમાં, છોડવાઓમાં, જમીનમાં તથા પાણીમાં બધે જ PCBની હાજરી જણાઈ છે. ઉત્તર તથા દક્ષિણ ધ્રુવીય બરફમાં પણ તેની હાજરી વર્તાઈ છે. જીવમંડળ (biosphere) દ્વારા PCB પાણીમાં પ્રવેશે છે અને અવસાદ(sediments)માં જાય છે. PCB માછલીઓમાં પણ મળી આવ્યું હોવાથી કેટલાક દેશોએ PCB ધરાવતા દરિયાઈ ખોરાક ઉપર પ્રતિબંધ મૂક્યો છે. ઘણાંખરાં સજીવોમાં PCB મળી આવ્યાં છે. આ ઘટના ખોરાકી શૃંખલા(food chain)માં જૈવ-સંચય (bio accumulation) અને જૈવ-આવર્ધન(bio-magnification)ને આભારી છે. આ ઉપરાંત મરઘાં, ડુક્કરો, પશુઓમાં પણ PCBનું ઊંચું પ્રમાણ મળી આવ્યું છે. એક અંદાજ મુજબ એકલા અમેરિકામાં જ રાસાયણિક ઉદ્યોગો દ્વારા વાર્ષિક 45,૦૦૦ કિલોગ્રામ PCB ઉત્પન્ન થાય છે.

PCB ફેફસાં, અન્નનળી, ત્વચા વગેરે દ્વારા માનવ-શરીરમાં પ્રવેશી મેદસ્વી (adipose) સ્નાયુઓમાં એકઠું થાય છે. માનવમાં મુખ્યત્વે તે ખોરાક દ્વારા પ્રવેશે છે. તેના લીધે ખીલ (chloracne), ચામડીના રંગની વિકૃતિ, લીવરની દુષ્ક્રિયા (dysfunction), પ્રજનન ઉપર વિપરીત અસર — એમ જાતજાતના રોગો થાય છે. વળી તેથી કૅન્સર જેવી બીમારી થતી જણાઈ છે. PCBનો નાશ કરવા માટે ઘન અને પ્રવાહી PCBને બાળી મૂકવાં એ શ્રેષ્ઠ રીત છે. લગભગ 8૦૦o સે. તાપમાને તે બળે છે અને 1૦૦૦o સે. તાપમાને સંપૂર્ણ રીતે નાશ પામે છે. PCB વડે પ્રદૂષિત પ્રવાહીનું પ્રદૂષણ દૂર કરવા ક્લોરિનયુક્ત અણુ સાથે પ્રક્રિયા કરે તેવા રાસાયણિક પ્રક્રિયકો વાપરી શકાય; દા. ત., સોડિયમ ધાતુ બાઇફિનાઇલ અણુમાંથી ક્લોરિન-પરમાણુઓ દૂર કરવા વપરાય છે. 1979માં યુ.એસ.માં સરકારે PCBનું ઉત્પાદન બંધ કરાવ્યું છે.

જ. પો. ત્રિવેદી