પૉર્ટ જેન્ટીલ : આફ્રિકા ખંડના પશ્ર્ચિમ ભાગમાં ઍટલાન્ટિક મહાસાગરને કિનારે આવેલા ગેબોં (Gabon) દેશના બેન્ડજે પ્રદેશ તથા ઉગૂવે દરિયાઈ પ્રાંતનું મુખ્ય બંદર અને ઔદ્યોગિક મથક. ભૌ. સ્થાન : ૦o 43′ દ. અ. અને 8o 47′ પૂ. રે. તે ઉગૂવે નદીના મુખ પર આવેલું છે અને ઍટલાન્ટિક મહાસાગરમાં પ્રવેશેલી લોપેઝની ભૂશિરથી આરક્ષિત છે. તે હવાઈ માર્ગ દ્વારા પૅરિસ સાથે, પશ્ચિમ આફ્રિકાનાં મુખ્ય મથકો સાથે તથા ગેબોંનાં મહત્ત્વનાં નગરો સાથે જોડાયેલું છે.

પૉર્ટુગીઝ સાગરખેડુ લોપો ગોન્સાલ્વીઝ 1473માં લોપેઝની ભૂશિરની આજુબાજુમાં આવેલી બધી જ જગાઓને ખૂંદી વળેલો. 19મી સદીના અંત સુધીમાં તો અહીં ઘણાં વ્યાપારી મથકો સ્થપાઈ ચૂક્યાં હતાં અને આ સ્થળેથી ઓકોમે લાકડાં(ગેબોંમાં થતા મેહૉગનીનાં લાકડાં)ની નિકાસ થતી હતી. ઓઝોરી અને પૉઇન્તે ક્લેરેટ નજીક દૂરતટીય (off-shore) તેલખોજ થવાથી 1956માં આ સ્થળના વ્યાપારી અને ઔદ્યોગિક વિકાસમાં વેગ આવ્યો. અહીં ખનિજતેલ માટે બંદર બાંધવામાં આવ્યું, ખનિજતેલની રિફાઇનરી નાખવામાં આવી તથા પૉઇન્તે ક્લેરેટ ખાતે કર્મચારીઓને કેળવવા માટેની તાલીમી શાળા ખોલવામાં આવી.

લાકડાં વહેરવાનો ઉદ્યોગ, પ્લાયવૂડ તથા વિનિયર બનાવવાનો ઉદ્યોગ અહીંના મુખ્ય ઉદ્યોગ ગણાય છે. લાકડાંની પ્રાપ્તિ માટે મોટામાં મોટો સ્રોત ગણાતા ઓકોમે ગણાય છે ત્યાંથી તથા ઉગૂવે નદી પરના ન’જોલે (N’djole) અને લૅમ્બારેનીમાંથી મેળવાતાં એબોની અને કેવાન્ઝિગો લાકડાં તેમજ અન્ય પેદાશોને નિકાસ માટે આ બંદરે લાવવામાં આવે છે. અન્ય ઉદ્યોગોમાં દારૂ ગાળવાની ભઠ્ઠીઓ, બાંધકામનો ઉદ્યોગ, ઉદ્યોગોને વાયુ પૂરો પાડવાનો રાસાયણિક એકમ, રાચરચીલાનાં કારખાનાં, એકમોનો ઉપરાંત વહેલનું તેલ, માછલી, ચોખા અને પામતેલના એકમોનો સમાવેશ થાય છે.

આ શહેરમાં માધ્યમિક શાળા, આધુનિક હૉસ્પિટલ, રોમન કૅથલિક તથા પ્રૉટેસ્ટંટ દેવળો તેમજ મસ્જિદો આવેલાં છે. (2૦13) મુજબ તેની વસ્તી આશરે 1,36,462 છે.

ગિરીશભાઈ પંડ્યા