પોટૅશિયમ પરમૅંગેનેટ (KMnO4) : પોટૅશિયમનું તીવ્ર ઉપચયનકારી લવણ. હવા અથવા પોટૅશિયમ નાઇટ્રેટ જેવા ઉપચયનકર્તાની હાજરીમાં કૉસ્ટિક પૉટાશ અને પાયરોલ્યુસાઇટને પિગાળતાં ઘેરા લીલા રંગનો પોટૅશિયમ મૅંગેનેટ બને છે જેને દ્રાવણરૂપે જુદો પાડવામાં આવે છે.
2MnO2 + 4KOH → 2K2MnO4 + 2H2O
આ દ્રાવણમાં મંદ H2SO4 ઉમેરતાં પરમૅંગેનેટ બને છે.
2K2MnO4 + 2H2SO4 → K2SO4 + 2KMnO4 + MnO2 + 2H2O
આ ઉપરાંત મૅંગેનેટના દ્રાવણમાં ક્લોરિન વાયુ પસાર કરવાથી પોટૅશિયમ મૅંગેનેટનું ઉપચયન થતાં પરમૅંગેનેટ બને છે.
2K2MnO4 + Cl2 → 2KMnO4 + 2KCl
આધુનિક રીતમાં વિદ્યુતીય ઉપચયન પ્રક્રિયા વપરાય છે.
2K2MnO4 + 2H2O → 2KMnO4 + 2KOH + H2
આ દ્રાવણને સંકેન્દ્રિત કરતાં સ્ફટિક રૂપે પરમૅંગેનેટ મળે છે. પોટૅશિયમ પરમૅંગેનેટ જળદ્રાવ્ય છે. તેનું દ્રાવણ જાંબુડિયા રંગનું હોય છે. સાંદ્ર દ્રાવણ અપારદર્શી, પણ મંદ દ્રાવણ પારદર્શી હોય છે. KMnO4ને 250o સે. તાપમાને ગરમ કરતાં ઑક્સિજન છૂટો પડે છે. ગંધક અને કાર્બન સાથે તે સળગી ઊઠે છે. ઑક્ઝેલિક ઍસિડ સાથે પણ તે સળગી ઊઠે છે. સાંદ્ર હાઇડ્રોક્લૉરિક ઍસિડનું સામાન્ય તાપમાને KMnO4 દ્વારા ઉપચયન થતાં ક્લોરિન વાયુ બને છે.
પોટૅશિયમ પરમૅંગેનેટ જંતુનાશક તરીકે જખમ ધોવા; માટે પીવાનું પાણી શુદ્ધ કરવા; ફેરસ સલ્ફેટ, ઑક્ઝેલિક ઍસિડ, હાઇડ્રોજન પેરૉક્સાઇડ વગેરેના માત્રાત્મક (quantitative) વિશ્લેષણમાં વપરાય છે. આ ઉપરાંત તે ગંધનાશક (deodorizer), જંતુનાશક (disinfectant) અને રંગક તરીકે તથા ચામડાં કમાવવામાં, કાર્બનિક સંયોજનોના ઉત્પાદનમાં તેમજ હવા અને જળના શુદ્ધીકરણ માટે વપરાય છે.
જ. પો. ત્રિવેદી