પ્લાસ્ટર ઑવ્ પૅરિસ : ચિરોડી(gypsum)ના નિસ્તાપનથી મેળવાતો સફેદ, બારીક પાઉડર. જિપ્સમ અને પ્લાસ્ટર ઑવ્ પૅરિસ બંનેને થિયોફ્રેસ્ટસે ચૉક (chalk) તરીકે ઓળખાવ્યાં હતાં. જિપ્સમ(CaSO4 · 2H2O)નું 120° સે. થી 180° સે. (કેટલીક વાર 250° સે. પણ) તાપમાને ભસ્મીકરણ (calcination) થતાં તેમાંનું 75% જેટલું સ્ફટિકજળ ઊડી જઈ પ્લાસ્ટર ઑવ્ પૅરિસ, કૅલ્શિયમ સલ્ફેટ હેમિહાઇડ્રેટ (CaSO4 · ½H2O) બને છે. પહેલાંના વખતમાં પૅરિસમાં જિપ્સમનો ઉપયોગ પ્લાસ્ટર અને સિમેન્ટ બનાવવા માટે થતો હોવાથી તે આ નામે ઓળખાય છે.
ચૂર્ણિત પ્લાસ્ટર ઑવ્ પૅરિસમાં પાણી મિશ્ર કરી પેસ્ટ કે રગડો બનાવી તેને જામવા દઈ સૂકવવામાં આવે છે ત્યારે ભસ્મીકરણની પ્રક્રિયાથી ઊલટી પ્રક્રિયા થાય છે અને જિપ્સમના સ્ફટિકોનો અંતર્ગ્રથન (interlocking) પામેલો ઘન પદાર્થ ઉપલબ્ધ થાય છે. તે સાધારણ મજબૂતાઈ ધરાવે છે, પણ જામી જવા દરમિયાન તેનું સંકોચન ઓછું (પરિમાણોમાં નહિવત્ ફેરફાર) થવાને કારણે તે બીબાં (molds), પૂતળાં કે મૉડેલ બનાવવામાં ઉપયોગી થાય છે. જલયોજનની આ પ્રક્રિયા માટે 100 કિગ્રા. પ્લાસ્ટર ઑવ્ પૅરિસ માટે 18.6 કિગ્રા. પાણીની જરૂર પડે છે. આથી વધુ પાણી હોય તો મિશ્રણ વધુ તરલ (fluid) બને છે અને બાષ્પીભવનને કારણે વસ્તુ છિદ્રાળુ બને છે. આને કારણે તેના સામર્થ્યમાં પણ ઘટાડો થાય છે. સિરૅમિક ઢાળણ (casting) માટેના પ્લાસ્ટર ઑવ્ પૅરિસનાં બીબાં પાણી શોષી લે તેવાં થોડાં છિદ્રાળું હોવાં જરૂરી હોવાથી આવે વખતે મજબૂતાઈને ભોગે યોગ્ય છિદ્રાળુતા મેળવવા પાણીનું પ્રમાણ થોડું વધારે રાખવામાં આવે છે.
પ્લાસ્ટરને જામવા માટેનો સમય, તેની અંતિમ મજબૂતાઈ અને રેડી શકાય તેવો રગડો બનાવવા માટે જરૂરી પાણીના પ્રમાણ પ્રમાણે વિવિધ જાતનાં પ્લાસ્ટર વિવિધ ઉપયોગ માટે બનાવવામાં આવે છે. આ માટે જિપ્સમના ભસ્મીકરણ વખતનું તાપમાન અને દબાણ નિયંત્રિત કરવામાં આવે છે અને પ્લાસ્ટરમાં અન્ય પદાર્થો પણ ઉમેરવામાં આવે છે. પ્લાસ્ટર ઑવ્ પૅરિસને જિપ્સમ સિમેન્ટના નામે પણ ઓળખવામાં આવે છે. તેમાં ઉમેરવામાં આવેલા પદાર્થો પ્રમાણે તેને જુદાં જુદાં નામ મળે છે; દા.ત., કીનનો સિમેન્ટ (ફટકડી તથા ઍલ્યુમિનિયમ સલ્ફેટ), મૅક(Mack)નો સિમેન્ટ (સોડિયમ કે પોટૅશિયમ સલ્ફેટ), માર્ટિનનો સિમેન્ટ (પોટૅશિયમ કાર્બોનેટ) અને પેરિયન સિમેન્ટ (બૉરૅક્સ).
પ્લાસ્ટર ઑવ્ પૅરિસનો ઉપયોગ મુખ્યત્વે ટાઇલ્સ, ખાસ પ્રકારનાં માટીનાં વાસણો, રમકડાં, ભીંત અને છતના સુશોભનમાં તથા દાંતનાં ચોકઠાં બનાવવામાં થાય છે. તૂટેલાં હાડકાં સાંધવા માટે વાપરવામાં આવતા પ્લાસ્ટરમાં પણ તેનો ઉપયોગ થાય છે.
કલ્પેશ સૂર્યકાન્ત પરીખ