પ્લાસ્ટિક

February, 1999

પ્લાસ્ટિક : ઉષ્મા અથવા દબાણ વડે જેમને ઢાળી કે ઘાટ આપી શકાય તેવા પદાર્થો. મોટાભાગના આવા પદાર્થો સંશ્લેષિત બહુલકી (polymeric) રેઝિનો છે. જોકે કેટલાક કુદરતી પદાર્થો પર પણ તે આધારિત હોય છે; દા.ત., સેલ્યુલોઝ વ્યુત્પન્નો (derivatives), લાખ વગેરે. તેમના બે મુખ્ય વર્ગ છે : (i) ઉષ્મા-સુનમ્ય (thermoplastic) પદાર્થો, અને (ii) ઉષ્મા-ર્દઢ (thermosetting) પદાર્થો. ઉષ્મા-સુનમ્ય પદાર્થોને ગરમ કરવાથી વારંવાર નરમ બનાવી શકાય છે. ઠંડા પડતાં તે કઠણ બને છે. ઉષ્મા-ર્દઢ પદાર્થો શરૂઆતમાં નરમ હોય છે, પણ ગરમીની અસર હેઠળ તેઓ અપ્રતિવર્તી (irreversible) ફેરફાર પામી કઠણ, ર્દઢ (rigid) સ્વરૂપમાં ફેરવાય છે. પ્લાસ્ટિક પદાર્થ સંશ્લેષિત રેઝિનને વર્ણકો (pigments), સુઘટ્યતાકારકો (plasticizers), પ્રતિઑક્સિકારકો અને અન્ય સ્થાયીકારકો (stabilizers) તથા પૂરકો (fillers) વગેરે સાથે મિશ્ર કરવાથી બનાવી શકાય છે.

પ્લાસ્ટિક સામાન્ય રીતે ઊંચો અણુભાર ધરાવતા ઉચ્ચ-બહુલકો (high polymers) છે. આ બહુલકો પૈકીનાં ફ્લોરોકાર્બન રેઝિન, નાયલૉન, ફિનૉલિક રેઝિન, પૉલિએમાઇડ અને સિલિકોન જેવા પદાર્થો ગરમીનો પ્રતિરોધ કરી શકે છે. જ્યારે સેલ્યુલોઝ વ્યુત્પન્નો, પૉલિઇથિલીન, પૉલિસ્ટાયરીન, એક્રિલિક બહુલકો જેવા પદાર્થો જ્યોતમાં ધરી રાખતાં સળગી ઊઠે તેવા હોય છે. પૉલિયુરિધેન જેવા પદાર્થો વિષાળુ (toxic) ધુમાડો ઉત્પન્ન કરે છે.

ઔદ્યોગિક ટેક્નૉલૉજીને કારણે પ્લાસ્ટિકનો વપરાશ ખૂબ વધી ગયો છે અને તેમણે અગાઉ વપરાતા ઘણા પદાર્થોનું સ્થાન લઈ લીધું છે. મોટરવાહનોનાં બાહ્ય માળખાં (bodies) અને ભાગો, વહાણનાં હલ, મકાનો તથા અન્ય બાંધકામમાં, પૅકેજિંગ, કાપડ-ઉદ્યોગ, કાર્બનિક આચ્છાદનો (coatings), આસંજકો, ઇલેક્ટ્રિક અને ઇલેક્ટ્રૉનિક ભાગો, સર્જિકલ અધિરોપણો (implants) વગેરેમાં હવે પ્લાસ્ટિકનો બહોળો ઉપયોગ થાય છે.

જ. દા. તલાટી