પૉઇકિલિટિક કણરચના (poikilitic texture) : અસમ દાણાદાર કણરચનાનો એક વિશિષ્ટ પ્રકાર. તેમાં નાના કે મોટા કણો કે સ્ફટિકો કોઈ પણ પ્રકારની દિશાકીય ગોઠવણી વિના મોટા સ્ફટિકોની અંદર રહેલા હોય છે; દા. ત., પિક્રાઇટ જેવા અગ્નિકૃત ખડકમાં નાના કદના ઑલિવીન સ્ફટિકો મોટા પરિમાણવાળા ઑગાઇટ કે હૉર્નબ્લેન્ડ સ્ફટિકોમાં જોવા મળે છે. અગાઉ સ્ફટિકીકરણ પામેલા ઑલિવીન પર પછીથી તૈયાર થતા ઑગાઇટ કે હૉર્નબ્લેન્ડ પ્રક્રિયા કરીને પરિવેષ્ટિત કિનારીઓ રચે છે.
આ શબ્દ વિશેષે કરીને અગ્નિકૃત ખડકોની કણરચના માટે વપરાય છે. આવા જ પ્રકારની કણરચના પુન:સ્ફટિકીકરણની ક્રિયા દ્વારા જ્યારે વિકૃત ખડકમાં જોવા મળે ત્યારે તેને પૉઇકિલોબ્લાસ્ટિક કણરચના કહે છે.
ગિરીશભાઈ પંડ્યા