પોઈ : બહુવર્ષાયુ પ્રકારની વનસ્પતિ. શાસ્ત્રીય નામ Basella rubra Linn. કુળ : બસેલસી. (ગુ. હિં. મ. બં. : પોઈ; તે. બટસલા; કન્નડ. બસાલે; મલ. બસાલા; અં. Indian spinach.)

તેની દાંડી તેમજ પર્ણો આછા જાંબલી પડતા અથવા લીલા રંગનાં, ભરાવદાર, માંસલ હોય છે. પર્ણો 10થી 15 સેમી. લાંબાં અને ટોચ ઉપર અણીદાર હોય છે.

આ વનસ્પતિની બે જાતિઓ Basella alba અને Basella cordifolia વર્ણવવામાં આવે છે; પરંતુ તે Basella rubraની ઉપજાતો છે.

આ વનસ્પતિ પર્વતીય પ્રદેશ સિવાય ભારતમાં બધાં સ્થળોએ કૂંડામાં અથવા ઘરની આજુબાજુ ઉછેરવામાં આવે છે. બંગાળ, આસામ અને દક્ષિણ ભારતમાં લાલ પાન અને લીલાં પાનવાળી પોઈ સામાન્ય છે; જ્યારે પંજાબ અને મધ્યપ્રદેશ આદિમાં લીલાં પર્ણોવાળી જાત વધુ પ્રમાણમાં જોવા મળે છે. આ વનસ્પતિનું પ્રવર્ધન બીજ, મૂળ તેમજ પ્રકાંડ દ્વારા થઈ શકે છે. છોડની બે હાર વચ્ચે સામાન્ય રીતે એક મીટર અંતર રાખવામાં આવે છે. તેને ઘણી વખત માટીના ઢગલા અથવા વાંસના કે બીજા આધારના માંડવા બનાવી ચડાવવામાં આવે છે. તે 80થી 90 દિવસમાં તૈયાર થઈ જાય છે.

તેની કુમળી દાંડી અને પર્ણો ભાજી તરીકે વપરાય છે. આ વનસ્પતિ પ્રોટીન 1.2 %, કૅલ્શિયમ 0.15 % તથા દર સો ગ્રામમાં લોહતત્વ 1.4 મિગ્રા., વિટામિન એ 3250 આઇ. યુ., વિટામિન બી-1 40 આઇ. યુ. ઉપરાંત વિટામિન બી-2 પણ  ધરાવે છે.

એક અહેવાલ મુજબ ચીનમાં લાલ પોઈમાંથી બનાવેલ રંગ સીલ કરવામાં તેમજ હોઠ રંગવામાં વપરાય છે. તે જેલીને રંગ કરવામાં પણ વપરાય છે; પરંતુ તેનો વધુ પડતો ઉપયોગ યોગ્ય નથી. થોડો ચૂનો ઉમેરવાથી ઊજળો રંગ તૈયાર થાય છે. તેની કેટલીક જાતોનાં ફળ ઘાટો વાદળી રંગ ધરાવે છે, જે ખોરાકને રંગ આપવા કેટલીક વખત વપરાય છે.

પાનમાં રહેલા મ્યુસિલેજને કારણે તેને વાટીને, તેની પોટલી કરી લેપમાં વપરાય છે. બાળકોને તથા સગર્ભા સ્ત્રીને બંધકોષમાં તેનાં પાનનો રસ આપવામાં આવે છે. શીળસના ઉપાય તરીકે પણ તે વાપરી શકાય છે.

પ્રભાતસિંહ ભગવાનસિંહ પરમાર