પૅસી ફ્રેડરિક

January, 1999

પૅસી, ફ્રેડરિક (. 20 મે 1822, પૅરિસ; . 12 જૂન 1912, પૅરિસ) : શાંતિ માટેના સર્વપ્રથમ નોબેલ પુરસ્કારના સહવિજેતા (1901), ફ્રેન્ચ અર્થશાસ્ત્રી તથા આંતરરાષ્ટ્રીય લવાદપ્રથાના હિમાયતી. બીજા વિજેતા સ્વિટ્ઝર્લૅન્ડના ઝ્યાં આંરીદ્યુના(રેડક્રૉસના સ્થાપક) હતા. 1846-49 દરમિયાન ફ્રેન્ચ કાઉન્સિલ ઑવ્ સ્ટેટના લેખાપરીક્ષક (auditor) તરીકે પૅસીએ સેવાઓ આપેલી.

ત્યારબાદ તેમણે તેમનો મોટાભાગનો સમય લેખો લખવામાં અને વ્યાખ્યાનો આપવામાં વિતાવ્યો હતો. ઓગણીસમી સદીના બ્રિટિશ અર્થશાસ્ત્રીઓ કૉબડેન અને બ્રાઇટની ઉદારમતવાદી પરંપરામાં ઊછરેલા ફ્રેડરિક પૅસી આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે મુક્ત વ્યાપારના હિમાયતી હતા.

ક્રિમિયાના યુદ્ધ (185૩-56) દરમિયાન તેમણે શાંતિ માટેની ઝુંબેશ શરૂ કરી હતી. ફ્રેન્ચ સામયિક ‘લ તાં’(Le Temps)માં લેખો લખીને લક્સમ્બર્ગના પ્રશ્ને ફ્રાન્સ અને પ્રશિયા વચ્ચેનું સંભવિત યુદ્ધ ટાળવામાં તેઓ સફળ થયા હતા. શાંતિના ક્ષેત્રે પોતાના સઘન પ્રયાસોના ભાગ રૂપે તેમણે 1867માં લીગ ઇન્ટરનેશનલ દ લા પૅક્સની સ્થાપના કરી હતી. પાછળથી આ સંસ્થા ‘સોસાઇતે ફ્રાન્સેઇસ પુર લ’ આર્બિત્રાજ આંતરી લે નાશિયોં’ (Societe Francaise Pour L’ Arbitrage entire les Nations) નામથી જાણીતી થઈ. 1870-71ના ફ્રેન્ચ-જર્મન યુદ્ધ બાદ, અલ્સાસે-લૉરેન માટે તેમણે સ્વાધીનતા તથા કાયમી તટસ્થતાની જોરદાર હિમાયત કરી હતી.

ફ્રેડરિક પૅસી

ફ્રેન્ચ ચેમ્બર ઑવ્ ડેપ્યુટીઝના સભ્ય તરીકે તેમણે ફ્રાન્સ અને નેધરલૅન્ડ્ઝ વચ્ચે ફ્રેન્ચ ગિયાના અને સુરીનામ વચ્ચેના સરહદના પ્રશ્ને આંતરરાષ્ટ્રીય લવાદની સફળતાપૂર્વક તરફેણ કરી હતી. ઇન્ટરનેશનલ પાર્લમેન્ટરી યુનિયનની સ્થાપનામાં પણ તેમણે સક્રિય ભાગ ભજવ્યો હતો.

રક્ષા મ. વ્યાસ