પેશીવિકૃતિશાસ્ત્ર (histopathology)

January, 1999

પેશીવિકૃતિશાસ્ત્ર (histopathology) : રોગમાં થતી પેશીની વિકૃતિઓના સૂક્ષ્મદર્શક વડે કરાતા અભ્યાસનું શાસ્ત્ર. તેને પેશી-રુગ્ણતાવિદ્યા પણ કહે છે. આ પ્રકારની વિકૃતિ કે રુગ્ણતાને પણ પેશીરુગ્ણતા (histopathogy) કહે છે. રોજબરોજની નિદાન-ચિકિત્સાલક્ષી તબીબી વિદ્યામાં પેશીનો ટુકડો મેળવીને કે શસ્ત્રક્રિયા કરીને નિદાન કરાય છે. તેનાં મુખ્ય સાત પાસાં છે : (1) પેશી-આહરણ (collection of tissue), (2) પેશી-સિદ્ધન (preparation of tissue), (3) પેશી-સુસ્થાપન (fixation of tissue), (4) પેશીપ્રક્રિયન (processing of tissue), (5) શીતપેશીપરીક્ષણ અથવા અતિશીત છેદન (frozen section), (6) પેશી-અભિરંજન (staining of tissue) અને (7) અર્થઘટન (interpretation).

શસ્ત્રક્રિયા દ્વારા પેશી મેળવવી, જીવપેશી-પરીક્ષણ (biopsy) માટે પેશીનો ટુકડો કાપી કાઢવો કે શવપરીક્ષણ (antopsy) વખતે પેશીનો ટુકડો મેળવવો વગેરે પેશી-આહરણ કર્યા પછી તેના પર પ્રક્રિયા કરીને તેને સૂક્ષ્મદર્શક વડે તપાસવા માટે તૈયાર કરાય છે. શસ્ત્રક્રિયા દ્વારા મેળવેલી પેશી કે અવયવનું સ્થૂળ નિરીક્ષણ (gross examination) કરાય છે. તે સમયે શસ્ત્રક્રિયા દ્વારા મેળવેલા નમૂનાના કયા વિસ્તારમાંથી સૂક્ષ્મદર્શક વડે નિરીક્ષણ કરવા માટે પેશી લેવી તે નક્કી કરાય છે. આ સમયે પેશીમાં બગાડ ન થાય તે માટે તેનું 10 % ફોર્માલ્ડૅહાઇડ કે અન્ય સુસ્થાપક(fixative) વડે સુસ્થાપન (fixation) કરાય છે. જો ચાલુ શસ્ત્રક્રિયા વડે પેશીનો ટુકડો મેળવીને તરત નિદાન કરવાનું હોય તો તેને અતિશીત-છેદન (frozen section)ની પ્રક્રિયા કહે છે. પેશીમાંથી પાણી દૂર કરવા આલ્કોહૉલ વડે પ્રક્રિયા કરાય છે. છેલ્લા તબક્કામાં ઝાયલિન વપરાય છે. ત્યારબાદ તેને મીણમાં સ્થાપિત કરીને તેના ટુકડા (blocks) બનાવાય છે. મીણના ટુકડાને લાંબો સમય સાચવી રાખી શકાય છે. સૂક્ષ્મકર્તક (microtome) નામના યંત્ર વડે પાતળી પોપડી જેવી પેશીની પતરીઓ મેળવાય છે અને તેમને કાચની તકતીઓ પર પાથરવામાં આવે છે. અતિશીત છેદન (frozen section) દ્વારા મેળવાયેલ પેશીની પણ અતિશીત-સ્થાપક (cryostat) નામના યંત્ર વડે પાતળી પતરીઓ મળે તેવું છેદન કરાય છે અને તેમને પણ કાચની તકતી પર પાથરવામાં આવે છે. કાચની તકતી (slides) પર સ્થાપિત કરેલી પેશી-પતરીઓને વિવિધ અભિરંજકો (staining material) વડે અભિરંજિત કરીને સૂક્ષ્મદર્શક વડે તપાસવામાં આવે છે. જુદા જુદા કોષો, તેમાં થયેલી વિકૃતિ તથા કોષોની બહારના દળમાં ફેરફારોને નોંધીને રોગનું નિદાન કરાય છે.

હાલ પેશીવિકૃતિશાસ્ત્ર વડે તબીબી નિદાન સમૃદ્ધ થયેલું છે. કૅન્સર તથા અન્ય બીજા અનેક રોગોમાં પેશીવિકૃતિઓના અભ્યાસ દ્વારા આખરી નિદાન કરાય છે.

શિલીન નં. શુક્લ