પેરિન, ઝાં બાપ્તિસ્તે [જ. 30 સપ્ટેમ્બર 1870, લીલ (Lille), ફ્રાન્સ; અ. 17 એપ્રિલ, 1942, ન્યૂયૉર્ક] : દ્રવ્યના તૂટક બંધારણ-(discontinuous structure)ના તેમના કાર્ય માટે અને વિશેષત: વિક્ષેપન(sedimentation)ના સમતોલનની શોધ માટે, 1926ના ભૌતિકશાસ્ત્ર વિષયના નોબેલ પુરસ્કારના વિજેતા. પૅરિસની ‘ઍકોલ નૉર્માલે સુપેરિયર’ (Ecole Normale’ Superieure) શાળામાં શિક્ષણ લઈને 1908માં પૅરિસ યુનિવર્સિટીમાં જોડાયા અને ભૌતિક-રસાયણશાસ્ત્ર(physical chemistry)ના પ્રાધ્યાપક બન્યા (1910-40).
જ્યારે 1940માં જર્મનોએ તેમના દેશ ઉપર આક્રમણ કર્યું ત્યારે યુ.એસ.માં નાસી છૂટ્યા, જ્યાં તેમનું અવસાન થયું. યુદ્ધ બાદ 1948માં તેમના અવશેષોને તેમના વતનમાં તબદીલ કરી, ફ્રાન્સની દિવંગત મહાન વ્યક્તિઓની કબરોવાળા મકાન – કીર્તિમંદિર(Pantheon)માં દફનાવવામાં આવ્યા.
1895માં તેમણે પ્રસ્થાપિત કર્યું કે કૅથોડ કિરણો ઋણવિદ્યુતભારિત કણના બનેલા છે. 1906ની આસપાસ તેમણે, કલિલીય (colloidal) કણો ગુરુત્વાકર્ષણનો વિરોધ કરીને, પ્રવાહીમાં કેવી રીતે તરતા રહે છે તે નક્કી કર્યું. આવા કણોનો નિક્ષેપ કેવી રીતે બને છે તે અંગેનાં તેમનાં અવલોકનો ઉપરથી, તરતા રહેવા માટેના આઇન્સ્ટાઇનના સમીકરણનું સમર્થન કર્યું તથા પરમાણુ તેમજ અણુના કદનો તથા આપેલા કદમાં તેમની સંખ્યાનો અંદાજ મેળવી શક્યા. પ્રવાહીમાં તરતા સૂક્ષ્મ કણોની ‘બ્રાઉનિયન ગતિ’નો અભ્યાસ કર્યો અને તે દ્વારા પદાર્થના પારમાણ્વિક ગુણધર્મનું સમર્થન કર્યું. પેરિન ‘નૅશનલ સેન્ટર ઑવ્ સાયન્ટિફિક રિસર્ચ’ના નિર્માણકર્તા હતા, જેમાં પાછળથી વિજ્ઞાની ફ્રેડ્રિક ઝોલિયોએ રેડિયોઍક્ટિવિટી અંગેના પોતાના પ્રયોગો કર્યા હતા. વળી તેમણે Palais de la Denconverte, પૅરિસની ખગોળભૌતિકી વિજ્ઞાનની ઇન્સ્ટિટ્યૂટ, હોત પ્રાંતની વેધશાળા અને ‘ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ફિઝિકો-કૅમિકલ બાયૉલૉજી’ની પણ સ્થાપના કરી હતી.
એરચ મા. બલસારા