પેરામારીબો : દક્ષિણ અમેરિકાના ઉત્તરતરફી ઈશાન ભાગમાં આવેલા સુરીનામ દેશનું પાટનગર, સૌથી મોટું શહેર અને મુખ્ય બંદર. ભૌગોલિક સ્થાન : 5o 50′ ઉ. અ. અને 55o 10′ પ. રે. તે આટલાન્ટિક મહાસાગરના કિનારાથી અંદર તરફના ભૂમિભાગમાં લગભગ 20 કિમી.ને અંતરે સુરીનામ નદી પર આવેલું છે.

મહાસાગર નજીકની નદીનાળમાં ઉદભવતી નાની ભરતી દરમિયાન 5 મીટર ખુલ્લા થતા ઊંચાણવાળા ભાગમાં ઉપલયુક્ત ખરાબા પર આ બંદર શરૂ થયેલું. આ ભાગ રેતીની આડશો પૂરતો મર્યાદિત રહેતો હોવા છતાં અહીં 6 મીટર ઊંડાઈનો જળવિભાગ પણ છે.

સુરીનામ રાષ્ટ્રના શાસનતંત્રનું મધ્યસ્થ કાર્યાલય, પેરામારીબો

આ શહેર બંદરથી અંદર તરફના ભૂમિવિસ્તારમાં વિસ્તરેલું છે. શહેરમાં પહોળા માર્ગોવાળી શેરીઓમાં બંને બાજુ ફૂલ-ઝાડની હારબંધ ગોઠવણી નજરે પડે છે. અહીંનાં ઘણાં મકાનો લાકડામાંથી બનાવેલાં છે. સુરીનામ પહેલાં ડચ સંસ્થાન રહેલું હોવાથી અહીં ઘણી ડચ વસાહતોનું સ્થાપત્ય તથા નહેર-રચના વિશિષ્ટપણે અલગ તરી આવે છે. આ શહેરમાં ઍલ્યુમિનિયમ, પ્લાયવૂડ, રંગો, માર્ગરીન, ચોખામાંથી બનાવાતા બિયર માટેની ભઠ્ઠીઓ, સિમેન્ટ વગેરેનાં કારખાનાંનો વિકાસ થયેલો છે. પ્રવાસના સ્થળ તરીકે પણ તેનું મહત્ત્વ છે.

પેરામારીબોમાં સુરીનામ સંગ્રહાલય, વિશાળ પુસ્તકાલય, વનસ્પતિ-ઉદ્યાનો તથા સરકારી ઇમારતો આવેલાં છે. અહીં ઘણાં સિનેમાગૃહો તથા થિયેટરો પણ છે. આ શહેરમાં સુરીનામ યુનિવર્સિટી (1968), સુરીનામ કૃષિસંશોધન કેન્દ્ર (1965), મેડિસિન કૉલેજ (1969), માધ્યમિક શાળાઓ તથા અનેક હૉસ્પિટલો છે. 17મી સદીનો એક ‘ઝીલેન્ડિયા કિલ્લો’ (Fort Zeelandia) અહીં નજીકમાં જ આવેલો છે. ધોરી માર્ગો તથા રેલમાર્ગોથી તે આજુબાજુનાં અન્ય મથકો સાથે જોડાયેલું છે. અહીંથી 40 કિમી અંતરે દક્ષિણ તરફ આંતરરાષ્ટ્રીય કક્ષાનું હવાઈ મથક આવેલું છે. સુરીનામ દેશની લગભગ 50% વસ્તી આ શહેરમાં રહે છે. 2012 મુજબ તેની વસ્તી 2.40 લાખ જેટલી છે.

આ સ્થળ મૂળ ઇન્ડિયન લોકોથી વસેલું ગામ હતું. 1640માં તે ફ્રેન્ચ વસાહત બન્યું. 1651માં પરહામ(Parham – કેરિબિયન સમુદ્રના ટાપુ એન્ટીગુઆ અને બાર્બ્યુડાનું નગર)ના લૉર્ડ વિલોગ્બી દ્વારા સ્થપાયેલી અંગ્રેજ વસાહતનું સ્થળ પણ બનેલું. અહીં બંધાયેલા બ્રિટિશ કિલ્લાની આજુબાજુ આ સ્થળ ક્રમે ક્રમે વિકસતું ગયું. ત્યારપછી 1816માં અહીં ડચ હકૂમત શરૂ થઈ. 1863માં ગુલામીની પ્રથાનો અંત આવવાથી, ઘણા ગુલામો છૂટા થવાથી અહીં આવીને વસ્યા. તે પછીથી અહીંની વસ્તી ધીમે ધીમે વધતી ગયેલી છે. બીજા વિશ્વયુદ્ધ બાદ તેનો ઔદ્યોગિક વિકાસ પણ થયો છે.

ગિરીશભાઈ પંડ્યા