પૅન્ટોગ્રાફ (સર્વમાપલેખી)

January, 1999

પૅન્ટોગ્રાફ (સર્વમાપલેખી) : નકશાને નાનો કે મોટો બનાવવા માટે વપરાતું સાધન. સમાંતરબાજુ ચતુષ્કોણ અને બે ત્રિકોણની એકરૂપતાના સિદ્ધાંત પર આ ઉપકરણ રચાયું છે. તેનો ઉપયોગ હાથ વડે (manually) કરવાનો હોય છે. તે સ્વયંસંચાલિત (automatic) નથી હોતું.

પેન્ટોગ્રાફ

સામાન્ય રચના : આકૃતિમાં દર્શાવ્યા મુજબ આ ઉપકરણ ધાતુના ચોરસ આડછેદવાળા ચાર સળિયાઓનું બનેલું હોય છે. તેમાંના બે લાંબા અને બે ટૂંકા સળિયાની જોડ મિજાગરા જેવા સાંધાથી એવી રીતે જોડેલા હોય છે કે ઉપકરણને ગમે તે સ્થિતિમાં રાખવામાં આવે તોપણ ચારેય સળિયા વડે સમાંતરબાજુ ચતુષ્કોણ રચાય. આ ઉપકરણ નાનાં પૈડાં પર ટેકવવામાં આવેલું હોય છે, જેનાથી તેને નકશા પર સહેલાઈથી ઇચ્છિત દિશામાં ફેરવી શકાય છે.

સિદ્ધાંત : ઉપકરણના એક લાંબા સળિયા CAના છેડે અનુરેખણ બિંદુ A ગોઠવેલું હોય છે. આ A બિંદુ જે નકશાને નાનો કરવાનો હોય તેના પર ફેરવવાનું હોય છે. ઉપકરણના બીજા લાંબા સળિયા CHના ભાગ DH ઉપર સરકતું ચોકઠું E ગોઠવેલું હોય છે. આ ચોકઠા પર એક સૂચક રેખા (marking line) અંકિત કરેલી હોય છે. સૂચક રેખાને સળિયા DH ઉપરના અંકન સામે ગોઠવીને જડી શકાય છે. ચોકઠા Eની સાથે ઉપકરણની ઊર્ધ્વાધર ધરી (vertical axis) જડી શકાય છે, જેને ધુરાગ્ર (pivot) તરીકે સ્થિર રાખવાની હોય છે. ધરીને ઊર્ધ્વાધર પકડી રાખવા માટે તેને ધાતુના ત્રિકોણાકાર વજન સાથે જડવામાં આવે છે. લાંબા સળિયા CH સાથે જડેલા DG સળિયા પર ધાતુનું બીજું સરકતું ચોકઠું F ગોઠવેલું હોય છે. આ ચોકઠા પર પણ સૂચક રેખા અંકિત કરેલી હોય છે. સૂચક રેખાને સળિયા DG ઉપરના અનુરૂપ (corresponding) અંકન સામે ગોઠવીને ચોકઠાને જડી શકાય છે. આ ચોકઠાની સાથે પેન્સિલ રાખવાની વ્યવસ્થા હોય છે. એ પેન્સિલ ઉપર હલકું વજન પણ રાખેલું હોય છે. એ પેન્સિલ અનુરેખણ બિંદુ Aને જે રીતે ફેરવવામાં આવે તે જ રીતે, પરંતુ નક્કી કરેલ નાના પ્રમાણમાં નકશો દોરી આપે છે. ઉપકરણના સાંધા B અને Dનાં સ્થાનમાં કોઈ ફેરફાર કરવાનો હોતો નથી.

ભૌમિતિક સમજૂતી : ઉપકરણની રચના ખામીરહિત હોય અને તે ચોકસાઈથી ગોઠવેલું હોય ત્યારે ઉપકરણની ઊર્ધ્વાધર ધરી E, પેન્સિલ F અને અનુરેખણ બિંદુ A  એ ત્રણેય હંમેશાં એક સીધી રેખામાં રહે છે અને DF અને CA સમાંતર રહે છે. તેથી ત્રિકોણ FDE અને CEA સમરૂપ બને છે.

F અને A સીધી રેખામાં જ ખસે છે, તેથી નકશાને સપ્રમાણ નાનો કરી શકાય છે.

અનુરેખણ બિંદુ A અને પેન્સિલ F અરસપરસ બદલી શકાય છે. તેથી ઉપરના વર્ણનમાં આવી અરસપરસ બદલી કર્યા પછી, નાના નકશા પર અનુરેખણ કરવાથી મોટો નકશો દોરી શકાય છે. જોકે નકશો બનાવવાના મૂળભૂત સિદ્ધાંતને ધ્યાનમાં રાખતાં અને આ ઉપકરણમાં આવેલ ઘણા સાંધાને લીધે નકશો મોટો કરવામાં ત્રુટિ (error) આવવાનો સંભવ રહે છે.

આકૃતિમાં દર્શાવ્યા મુજબ, પેન્સિલની સાથે દોરી બાંધેલી હોય છે. તેનો છેડો અનુરેખણ બિંદુની પાસે રાખવામાં આવે છે. અનુરેખણ કરતી વખતે રેખા/બિંદુ Aનું જે હલનચલન નવા તૈયાર થતા નકશામાં સમાવવાનું ન હોય. તેને રોકવાનું હોય ત્યારે કાગળ ઉપરથી પેન્સિલને ઊંચકવા માટેની દોરીને ખેંચી રાખવામાં આવે છે.

પૅન્ટોગ્રાફ મિલિંગ મશીનમાં એક ઉપકરણ તરીકે પણ વપરાય છે; જેમાં નાના નમૂનામાંથી મોટા મોલ્ડનું મશીનિંગ કરી શકાય છે.

વિદ્યુત લોકોમોટિવ, એન્જિનના છાપરા ઉપર ગોઠવેલ અને શિરોપરી (overhead) વીજદોરડામાંથી વિદ્યુત-પ્રવાહ મેળવવા માટે વપરાતા સાધનને પણ પૅન્ટોગ્રાફ કહે છે.

બિપીન પંડિત