પેનિસિલિયમ : આર્થિક રીતે અગત્યની તેમજ સજીવોમાં રોગ ઉપજાવતી ફૂગની એક પ્રજાતિ. એક વર્ગીકરણ મુજબ તેને વનસ્પતિ-સૃષ્ટિના વિભાગ માયકોટા, વર્ગ એસ્કોમાયસિટ્સ, શ્રેણી યુરોશિયેલ્સના યુરોટિયેસી કુળમાં મૂકવામાં આવે છે. હાલમાં ફૂગની ગણના મોટેભાગે વનસ્પતિ-સૃષ્ટિના થેલોફાઇટા વિભાગના યુમાયસેટ્સ ઉપવિભાગ તરીકે થાય છે.
પેનિસિલિયમના બીજરેણુધરો (conidiophores) સીધા અને ઉપલે છેડે શાખામય અને તે બ્રશ-આકારનું કણબીજ (conidia) ધારણ કરતા સાધનરૂપ હોય છે. કણબીજો એકકોષીય, શુષ્ક, ગોળાકાર, શૃંખલિત અને તલાભસારી (basipetallic) હોય છે. આ ફૂગમાં જાતીય પ્રજનન દ્વારા ધાનીબીજાણુ(ascospore) ઉત્પન્ન થાય છે. આ બીજાણુ સૂક્ષ્મ કોથળીમાં ઉત્પન્ન થાય છે તેને ધાની(ascus) કહેવામાં આવે છે. મોટાભાગની પેનિસિલિયમ ફૂગ મૃતોપજીવી (saprophytic) હોય છે, જ્યારે કેટલીક રોગજનક. ઘણી પ્રતિજૈવો(antibiotics)નું ઉત્પાદન કરે છે. તેમાંના કેટલાક તો ખોરાકી પદાર્થો, કપડાં કે ચામડી પર જીવન પસાર કરી તેમનો બગાડ કરે છે.
પેનિસિલિયમ એક્સાપન્સિકમ (P. expansicum) સફરજનના સડા માટે કારણભૂત છે. પી. ઇટાલિક્સ (P. italics) અને પી. ડિજિટેટમ (P. digitatum) લીંબુના સડા માટે જવાબદાર છે. આ ફૂગ ચામડા અને કાપડને નુકસાન કરે છે.
પેનિસિલિયમ મનુષ્યમાં પેનિસિલોસીસ નામનો રોગ ઉત્પન્ન કરે છે.
આ ફૂગ વિવિધ પ્રકારના માયકોટૉક્સીન ઉત્પન્ન કરે છે, જે અતિશય ઝેરી હોય છે.
આ ફૂગ ધાન્યમાં અને સોયાબીનમાં ઓક્રાટૉક્સીન (Ochratoxin) નામનું માયકોટૉક્સીન કે જેને નેફ્રોટૉક્સીન (Nephrotoxin) કહેવામાં આવે છે તે ઉત્પન્ન કરે છે. આ માયકોટોક્સીનવાળો ખોરાક ખાવાથી તાણ આવે છે. સીટ્રીનીન (citrinin) નામનું માયકોટૉક્સીન કિડનીને નુકસાન કરે છે અને પેટ્યુલીન(Patulin)થી ફેફસાં અને મગજમાં રક્તસ્રાવ થાય છે.
પી. નોટેટમ (P. notatum) અને પી. ક્રાયસોજીનમ (P. chrysogenum) પેનિસિલીન ઍન્ટિબાયૉટિકના ઉત્પાદનમાં વપરાય છે જે ગ્રામ ધની જીવાણુઓ પર અસર કરે છે અને તેનાથી થતા રોગો અટકાવે છે.
પી. ગ્રીસીયોફલ્વમ (P. griesiofulvum) – ગ્રીસિયોફલ્વીન ઍન્ટિબાયૉટિકના ઉત્પાદનમાં વપરાય છે. આ ઍન્ટિબાયૉટિક ફૂગથી ચામડી પર થતા રોગો અટકાવે છે.
પેનિસિલિયમની વિવિધ જાતિઓ કાર્બનિક ઍસિડ (organic asid) અને ઉત્સેચકોના ઉત્પાદનમાં વપરાય છે. તેમાં મુખ્યત્વે ફ્યૂમરિક ઍસિડ, ઓક્ઝલિક ઍસિડ, ગ્લુકોનિક ઍસિડનો સમાવેશ થાય છે. પી.રોક્યૂફોર્ટી (P. roqueforti) અને પી. કેમેમબર્ટી (P. camemberti)નો ઉપયોગ ચીઝ બનાવવામાં થાય છે.
હરિવદન હીરાલાલ પટેલ