પેડિમેન્ટ (2) : ઇમારતના સ્થાપત્યના આગળના ભાગના શિખર પરની ત્રિકોણવાળી રચના. પાશ્ચાત્ય શૈલીના સ્થાપત્યમાં આનો ભાવાર્થ અલગ અલગ શૈલીઓમાં અલગ અલગ થાય છે. પ્રશિષ્ટ સ્થાપત્યમાં કાંગરીથી સંકળાયેલ સ્તંભશીર્ષ ઉપરની દીવાલનો ત્રિકોણાકાર ભાગ; રેનેસાં સ્થાપત્યશૈલીમાં કોઈ પણ છતના છેડાની બાજુઓ ત્રિકોણાકાર અથવા વર્તુળની ચાપના આકારનો ભાગ. ગૉથિક શૈલીના સ્થાપત્યમાં છતની બાજુનો ઢળતો ત્રિકોણાકાર ભાગ પણ પેડિમેન્ટ તરીકે ઓળખાય છે. પેડિમેન્ટની રચના અને તેના પરની કલાકૃતિ અને નકશીકામથી ઇમારતનો પ્રભાવ પડતો અને તેથી બાહ્ય દર્શનમાં તેનું ઘણું જ મહત્વ હતું. દેવળોની ઇમારતો પર આ ભાગની રચનાને ખૂબ જ મહત્વ અપાતું. તેથી ઘણુંખરું શ્રેષ્ઠ કલાકૃતિઓથી તેનું આયોજન થતું.
રવીન્દ્ર વસાવડા