પેટ્રિશિયન : પ્રાચીન રોમમાં વિશેષાધિકારો ભોગવતા શ્રીમંતોનો વર્ગ. રોમમાં ઈ. સ. પૂ. છઠ્ઠી સદીના પ્રારંભે (ઈ. સ. પૂ. 509) રાજાશાહી શાસનનો અંત આણીને પ્રજાસત્તાક સરકારની સ્થાપના કરવામાં આવી. આ સમયે રોમમાં મુખ્ય બે સામાજિક વર્ગો : (1) પેટ્રિશિયન તથા (2) પ્લેબિયન હતા. પેટ્રિશિયનમાં વહીવટકર્તાઓ, ઉમરાવો, ઉદ્યોગપતિઓ, મોટા વેપારીઓ વગેરેનો સમાવેશ થતો હતો, જ્યારે પ્લેબિયન વર્ગ ખેડૂતો, કારીગરો, મજૂરો, નાના વેપારીઓ વગેરેનો બનેલો હતો.
પેટ્રિશિયન વર્ગ નાની લઘુમતીમાં હતો, જ્યારે પ્લેબિયન વર્ગ બહુમતીમાં હતો. તોપણ પેટ્રિશિયન રાજકીય, આર્થિક તથા સામાજિક ક્ષેત્રે સર્વોચ્ચ સ્થાન ભોગવતા હતા. વહીવટમાં ઉચ્ચ હોદ્દાઓ તેમને હસ્તક હતા. રાજ્યની મોટાભાગની જમીન તથા ઘણાખરા ઉદ્યોગો તેમને હસ્તક હતા. એટલે તેઓ ખૂબ સમૃદ્ધ બન્યા હતા અને વૈભવ-વિલાસથી જીવન જીવતા હતા. જ્યારે પ્લેબિયનોને હસ્તકની જમીન ઘણી ઓછી હતી તેમજ તેમની પાસે ઘણા નાના ઉદ્યોગો હતા. એટલે તેઓ ગરીબ સ્થિતિમાં હતા. સામાજિક ક્ષેત્રે પેટ્રિશિયનો પ્લેબિયનો સાથે લગ્નસંબંધ બાંધતા નહિ કે તેમની સાથે અન્ય સામાજિક વ્યવહાર કરતા નહિ. રોમમાં આવી ભારે રાજકીય, આર્થિક તેમજ સામાજિક અસમાનતાને લીધે પેટ્રિશિયન તથા પ્લેબિયન વચ્ચે વર્ગવિગ્રહનાં મૂળ નખાયાં અને આ વિગ્રહે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યા પછી જ પ્લેબિયનોને પેટ્રિશિયનોના સમાન હક પ્રાપ્ત થયા.
શરૂઆતમાં રાજ્યવહીવટ પર પેટ્રિશિયનો તથા તેમની સંસ્થાઓનો સંપૂર્ણ અંકુશ હતો. રાજ્યના મુખ્ય વહીવટી વડાઓ (કૉન્સલ) પેટ્રિશિયનો હતા. રાજાશાહી યુગની કૉમિશિયા ક્યુરિયેટા રોમની સૌપ્રથમ રાજકીય સભા હતી, જે માત્ર પેટ્રિશિયન લોકોની બનેલી હતી. તે પછી પ્રજાતંત્ર યુગમાં અસ્તિત્વમાં આવેલી રાજકીય સભા-સેનેટ પણ પેટ્રિશિયન વર્ગના લોકોની બનેલી હતી. તેમાં છેવટે 300 સભ્યો હતા; જેમનો રાજ્યવહીવટ પર સારો એવો અંકુશ હતો.
રાજ્યમાં પ્લેબિયનોની મોટી સંખ્યા હોવા છતાંયે તેમને રાજકીય, સામાજિક વગેરે હકો નહિ મળવાથી તેમણે પેટ્રિશિયનો સામે અહિંસક તેમજ બંધારણીય ઢબે જંગ શરૂ કર્યો; જેનાથી વર્ગવિગ્રહ ઉગ્ર બન્યો. પેટ્રિશિયનો સમય પારખી ગયા અને તેમણે માત્ર પ્લેબિયનોની બનેલી ટ્રિબ્યૂનના નામે રાજકીય સભા સ્થાપવાની મંજૂરી આપવી પડી. સમય જતાં પેટ્રિશિયનોએ સેનેટ જેવા જ અને જેટલા જ અધિકારો ટ્રિબ્યૂનને આપવાનું પણ સ્વીકાર્યું. તેમણે બે કૉન્સલમાંથી એક ટ્રિબ્યૂન દ્વારા ચૂંટાય તેવી પ્લેબિયનોની માગણી પણ સ્વીકારી. પરિણામે રોમનું રાજ્યતંત્ર ખરેખર પ્રજાનું તંત્ર બન્યું. આમ, પેટ્રિશિયનોની વ્યવહારુ બુદ્ધિ, તેમજ પ્લેબિયનોની અસહકારની ચળવળે રોમમાં વર્ગો વચ્ચે રાષ્ટ્રીય એકતા લાવવામાં મહત્ત્વનો ભાગ ભજવ્યો. પછીથી પડોશી રાજ્ય (કાર્થેજ) સામેના વિગ્રહો(પ્યુનિક યુદ્ધો)માં પેટ્રિશિયનો તથા પ્લેબિયનોએ એક થઈને લડતાં રોમ વિજયને વર્યું હતું.
રમણલાલ ક. ધારૈયા